Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં એક અઠવાડિયા સુધી ટ્રાફિક ડ્રાઇવ

પ્રતિકાત્મક

અમદાવાદ , અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે કોરોના વાયરસે પણ ફરી એક વખત માથુ ઉચક્યું છે ત્યારે તકેદારીના ભાગ સ્વરૂપે અને રોડ પર બેફામ વાહન હંકારતા ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઇવ ચલાવશે.

આ અંતર્ગત ૧૫ જૂનથી ૨૧ જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચાલશે. જેમા અંડરએજ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે સાથે જ ડાર્ક ફિલ્મવાળા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં અકસ્માત સર્જી ભાગી છૂટનારા વાહનચાલકો જેમના વાહનોમાં એચએસઆરપી પ્લેટ નથી લગાવી તેઓની હવે ખેર નથી, સાથે જ શહેરમાં જે લોકો ફોર વ્હીલમાં બ્લેક ફિલ્મ લગાવી ફરી રહ્યા છે તેમને પણ મસમોટો દંડ ફટકારી કાયદાનું ભાન કરાવવામાં આવશે.

સાથે જ જે વાહનચાલકો રોંગસાઇડમાંથી પસાર થશે તેઓને ૧૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એચએસઆરપી નંબર પ્લેટ નહીં લગાવનારા વાહનચાલકો પાસેથી ૧૦૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવશે. તેમજ બસ અને મોટા વાહન ચાલકોને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આગામી ૧૫ જૂનથી શહેરમાં ૧૦૦ જેટલા સ્થળો પર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અને જે વાહનચાલકો નિયમોને તોડશે તેમને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશન દ્વારા કરવામા આવેલી કાર્યવાહીની માહિતી ઉપરી અધિકારીઓને મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસે જાહેરાત કરી હતી કે, તેઓ કિશોર વયના વાહનચાલકો સામે ડ્રાઈવ શરૂ કરવાના છે, જે અઠવાડિયા સુધી ચાલશે. રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમો વાહન ચાલકોની સુરક્ષા અને અકસ્માતો અટકાવી શકાય તે હેતું થી બનાવેલા હોય છે.

પરંતું, તે નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આ કારણે સતત અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે, અકસ્માતોનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. હાલમાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ૧૧ જૂન સુધી આ ટ્રાફિક ડ્રાઇવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.