Western Times News

Gujarati News

સોનાને ચમત્કારી બનાવવાની લાલચ આપી નાગા બાવા છૂમંતર

જૂનાગઢ, કેટલાંક ઢોંગી બાવાઓ ચમત્કારના બહાને લોકોને છેતરતા હોય છે. આવા જ એક ઢોંગી બાવાએ જૂનાગઢમાં રહેતા શિક્ષકને શિકાર બનાવીને છેતરપિંડી આચરી હતી. વાત છ દિવસ પહેલાંની છે. સાંજના સમયે એક શિક્ષક ખામધ્રોળ ચોકડી જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કારમાં નગ્ન અવસ્થામાં બેસાલા એક ચમત્કારી બાબાએ આ શિક્ષકને દર્શન કરાવવા બોલાવ્યા હતા.

બાદમાં શિક્ષકે પહેરેલી સોનાની ચેઈન અને વીંટી પવિત્ર તથા ચમત્કારી બનાવી દેવાની લાલચ આપી હતી. એ પછી શિક્ષકની નજર ચૂકવી આ નાગાબાવો છૂમંતર થઈ ગયો હતો. આ મામલે શિક્ષકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં આવેલા મધુરમ સુદામાપાર્ક-૨માં રહેતા અને પોરબંદરના ભાડ ગામે માધ્યમિક સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા અરજણભાઈ લખમણભાઈ હુંણે પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપ કર્યા છે કે, ગઈ ૮ જૂનની સાંજે પોતાના બાઈક પર વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. ધોરાજી ચોકડીથી ખામધ્રોળ ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે એક કાર તેમની આગળ ઊભી હતી. આ કારમાંથી ડ્રાઈવર નીચે ઉતર્યો હતો અને તેણે તેમને ઊભા રાખ્યા હતા.

કારના ડ્રાઈવરે સરનામુ પૂછવાના બહાને શિક્ષકને ઊભા રાખ્યા હતા. ડ્રાઈવરે શિક્ષકને એવું જણાવ્યું કે, કારમાં બેસેલા મહાકાલ બાબા ઉજ્જૈનથી આવ્યા છે. તેઓને ક્રિષ્ના ફાર્મ હાઉસ સુખપુરનું ઉદ્‌ઘાટન કરવા જવાનું છે, તો એ ક્યાં આવ્યું છે. આવું કહીને શિક્ષકને સરનામુ પૂછ્યું હતું. એ પછી ડ્રાઈવરે વિશ્વાસ કેળવી શિક્ષક અરજણભાઈને એવું જણાવ્યું કે, આ બાબા ચમત્કારી છે, તેમના દર્શન કરવા જેવા છે.

ડ્રાઈવરની વાત સાંભળીને શિક્ષક તેમના દર્શન કરવા માટે ગયા હતા. કારમાં નગ્ન અવસ્થામાં બેસેલા બાબાએ શિક્ષકને આશીર્વાદ આપીને એક રુપિયો માંગ્યો હતો. ત્યારે શિક્ષકે ૧૦ની નોટ આપી હતી. એના બદલામાં બાબાએ શિક્ષકને રુપિયા ૫૦૦ની નોટ આપી હતી. બાદમાં આ ઢોંગી બાબાએ શિક્ષકે પહેરેલી સોનાની ચેઈન અને વીંટી પવિત્ર તથા ચમત્કારી બનાવી આપવાની લાલચ આપી હતી. જે બાદ શિક્ષકે આ સોનાના દાગીના ઉતારીને બાબાના હાથમાં મૂક્યા હતા.

બાબાએ આ દાગીના પોતાના હાથમાં મૂકીને મુઠી વાળીને થોડી વાર માટે મંત્રોચ્ચાર કર્યો હતો અને હાથ ફેરવ્યો હતો. બરાબર આ દરમિયાન કારનો ડ્રાઈવર કારમાં આવીને બેસી ગયો હતો અને કાર હંકારીને બંને રફુચક્કર થઈ ગયા હતા. આમ આ ડ્રાઈવર અને ઢોંગી બાબા શિક્ષકના ૬૩ હજારના દાગીના લઈને છૂમંતર થઈ ગયા હતા. આખરે આ શિક્ષકે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.