Western Times News

Gujarati News

દેશભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની ૭૧ ટીમોના ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ ‘આઈડિયાથોન’માં સહભાગી થયા

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પ્રથમ ‘આઈડિયાથોન’ કાર્યક્રમ યોજાયો

શ્રેષ્ઠ આઈડિયા આપનાર પ્રથમ વિદ્યાર્થીને રૂ.૫૧,૦૦૦ તેમજ બે રનર્સ-અપને વિદ્યાર્થીદીઠ રૂ.૩૧,૦૦૦નો રોકડ પુરસ્કાર અપાયો

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત “આઈડીયાઝ@75”ની થીમ પર સમાજને વ્યાપકપણે અસર કરતી વિવિધ બાયોલોજીકલ અને બાયો ટેક્નોલોજીકલ સમસ્યાઓના નિવારણ માટેના શ્રેષ્ઠ આઈડિયાને પ્રોત્સાહન આપી, પુરુસ્કૃત કરવાના મુખ્ય હેતુ સાથે ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના સહયોગથી એક દિવસીય ‘આઈડિયાથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના ડીન, પ્રો.રચિત સક્સેનાએ જી.બી.યુ.ના અનન્ય અને નવીન અભ્યાસક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, જી.બી.યુ.ના ડેપ્યુટી રજીસ્ટ્રાર શ્રી વિમલ શાહે સ્વાગત પ્રવચનમાં ‘આઈડિયાઝ@75’ના ભાગરૂપે આઈડિયાઝની ઉજવણી કરવા માટેના આ કાર્યક્રમને પ્રકાશિત કર્યો હતો.

તેમણે આ કાર્યક્રમને ખૂબ જ પ્રેરણાદાયક ગણાવતા જણાવ્યું હતું કે, જી.બી.યુ  ભવિષ્યમાં આવા બીજા પણ અનેક નોલેજ ફોરમનું આયોજન કરશે.

આ આઈડિયાથોનમાં સમગ્ર ભારતમાં પ્રતિનિધિત્વ ધરાવતી આઇ.આઇ.ટી-બોમ્બે, આઇ.આઇ.ટી-વારાણસી, દિલ્હી યુનિવર્સિટી, તેજપુર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ રિસર્ચ, ડી.વાય. પાટિલ યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, એમ. એસ. યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી, કૅન્સર

અને ટ્રાન્સલેશનલ રિસર્ચ લેબ્સ, પારુલ અને એમિટી સહિતની યુનિવર્સિટીમાંથી ૭૦થી વધુ ટીમોમાં બી.એસ.સી અને બી.ટેકના કુલ ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઇ પોતાના વિવિધ આઈડિયાઝની પ્રસ્તુતિઓ આપી હતી.

આ કાર્યક્રમની ઉચ્ચ સ્તરીય જ્યુરીમાં પ્રો. પીટર ડોર્નર, ડૉ. પાંડર બાર્ટ, પ્રો. ડેવિડ ગ્રે, ડૉ. તરુણ શર્મા, ડૉ. સંગ્રામ લેંકા, ડૉ. ચિરાયુ દેસાઈ, ડૉ. રવિન્દ્ર સિંહ અને શ્રી. અનિર્બાન પાલિત દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ આઈડિયાઝની પસંદગી કરી હતી, જેમાં પ્રથમ સ્થાન મેળવનાર

ગુજરાત યુનિવર્સિટીના શ્રી સાગર પટેલને રૂ. ૫૧,૦૦૦, દ્વિતીય સ્થાન મેળવનાર પી.ડી.પાટીલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એપ્લાઈડ સાયન્સના શ્રીમતી નેન્સી પટેલ અને તેમની ટીમને રૂ. ૩૧,૦૦૦ તેમજ તૃતીય સ્થાન મેળવનાર ડી.વાય.પાટીલ બાયોટેક્નોલોજી અને બાયોઇન્ફોર્મેટીક્સ ઇન્સ્ટીટ્યુટના શ્રી કાર્તિક કૃષ્નનને રૂ. ૩૧,૦૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.