Western Times News

Gujarati News

મક્કીને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવા સામે ચીનનો મત

ચીન ભારત તથા તેના સહયોગીઓ દ્વારા પાક. આતંકીઓને લિસ્ટ કરવાના પ્રયત્નોમાં અગાઉ અડચણરૂપ બન્યું હતું

નવી દિલ્હી, ચીને ફરી એક વખત આતંકવાદ મામલે પાકિસ્તાનનો સાથ આપીને ભારત તથા અમેરિકાના પ્રયત્નો પર પાણી ફેરવી દીધું છે. પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવાના અમેરિકા તથા ભારતના સંયુક્ત પ્રસ્તાવને ચીને છેલ્લી ઘડીએ વિક્ષેપિત કર્યો છે.

અમેરિકા તથા ભારતે સુરક્ષા પરિષદની અલ કાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મક્કીને એક વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવા માટે સંયુક્તરૂપે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકા પહેલેથી જ મક્કીને આતંકવાદી ઘોષિત કરી ચુક્યું છે. મક્કી લશ્કર-એ-તૈયબાના પ્રમુખ તથા ૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિજ સઈદનો સાળો છે.

એવું કહેવાય છે કે, ભારત અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ આઈએસઆઈએલ (દાએશ) તથા અલ કાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મક્કીને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવા માટે એક સંયુક્ત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને પાસ કરવાની છેલ્લી ઘડીએ ચીન તેમાં અડચણરૂપ બન્યું હતું.

પાકિસ્તાનનું મિત્ર દેશ ચીન ભારત તથા તેના સહયોગીઓ દ્વારા પાકિસ્તાની આતંકવાદીઓને લિસ્ટ કરવાના પ્રયત્નોમાં અગાઉ પણ અડચણરૂપ બન્યું છે. ભારતે મે ૨૦૧૯માં સંયુક્ત રાષ્ટ્રમાં એક મોટી રાજદ્વારી જીત મેળવી હતી. તે સમયે વૈશ્વિક સંગઠને પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને ‘વૈશ્વિક આતંકવાદી’ ઘોષિત કર્યો હતો.

તેવું કરવામાં ભારતને આશરે એક દશકાનો સમય લાગી ગયો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ૧૫ સદસ્યો ધરાવતા સંગઠનમાં ચીન એકમાત્ર એવો દેશ હતો જેણે અઝહરને બ્લેક લિસ્ટમાં મુકવાના પ્રયત્નોમાં અડચણરૂપ બનવાનો પ્રયત્ન કર્યો હતો.

અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને રશિયા- આ ૫ દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્યો છે. તેમના પાસે ‘વીટો’નો અધિકાર છે. મતલબ કે, તેમાંથી કોઈ એક પણ જાે પરિષદના કોઈ પ્રસ્તાવના વિરૂદ્ધમાં મત આપે તો તે પ્રસ્તાવ પાસ નહીં થાય.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.