Western Times News

Gujarati News

વલસાડના પોસ વિસ્તાર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસની છત તુટી પડી

વલસાડ, વલસાડ ના પોસ વિસ્તાર એવા તિથલ રોડ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસો માં રહીશો છેલ્લા ૪૨ વર્ષથી મોતના ઓછાયા અને ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર હાઉસિંગ બોર્ડોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ૧૯૮૮ના સમયે વલસાડ માં બનાવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનો કિસ્સો કંઈક અલગ જ છે.

હાઉસિંગબોર્ડનાં આવાસોમાં રહેતા સ્થાનિકોને હવે સુરક્ષિત રહેવું છે અને તેના બાળકોના જીવ પણ બચાવવા છે આથી સ્થાનિકો બિલ્ડિંગ રિપેરિંગ અને વ્યાજમાફીની માગ કરી રહ્યાં છે. સન ૧૯૮૮માં રાજ્ય સરકાર દ્વારા વલસાડના તિથલ રોડ પાસે આવેલ અને ભાગડાવાડા ગ્રામ પંચાયત વિસ્તારનીહદમાં ૩૬૦ એમ.આઇ.જી તેમજ ૨૪૦ એલ.આઇ.જી, કુલ ૬૦૦ ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જાેકે શરૂઆતથી જ હલકી ગુણવત્તાનાં કામને લઈને અહીંના રહીશોને નારાજ થઈ ગયા હતા. થોડા સમયની અંદર જ બિલ્ડિંગમાં સ્લેબ પડવાની ઘટનાથી રહીશો આંદોલનનાં મૂડમાં આવી ગયા હતા અને સરકારને જે હપ્તા આપવાના હતા તે ભરવાનું બંધ કરી દીધેલ. હપ્તા ન ભરવાના કારણે ચક્રવૃદ્ધિ વ્યાજ વધતું ગયું હતું ત્યારે અહી રહેતા મધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયાં હતાં.

રોજ કમાને લાવી રોજનું ખાતા ગરીબ પરિવારો ઉપર આફત આવી પડતાં તે સમયનાં ધારાસભ્ય દોલતભાઇ દેસાઇએ સરકારમાં રજૂઆત કરીને કટ ઓફ ડેટની સ્કીમ સ્કીમ લઈ આવ્યા હતા પરંતુ તે પૈસા પણ રહીશો દ્વારા સમય સર ના ભરાતા સરકારે ગત વરસે ૫૦ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજની પેનલ્ટી માફીની સ્કીમ લાવ્યા હતા. જાેકે તે સ્કીમને સ્થાનિકો એ હાસ્યસ્પદ ગણાવી છે, અહીંના સ્થાનિક નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે સમન્વય ન હોવાનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે.

સન ૨૦૧૦ માં ગુજરાત હાઉસિંગ બોર્ડ ની અંદર આવેલ બિલ્ડિંગ નંબર ૯ ના ૮ ફ્લેટ ધરાશાયી થયા હતા પરંતુ અહીંના સ્થાનિક યુવાનોની મદદથી કોઇ જાનહાનિનો બનાવ બનેલ નહિ અને આજે પણ ૮ પરિવારો ઘર વિહોણા થઇ ગયા છે અને ગાંધીનગર સુરત સહિતના ધક્કા ખાધા બાદ આજ દિન સુધી મકાન પ્રાપ્ત થયું નથી અને એક ઓફિસથી બીજા ઓફિસે ધક્કા ખાવા ના વારા આવ્યા છે.

વર્ષ ૨૦૧૫માં ધોધમાર વરસાદના કારણે બિલ્ડિંગ નંબર ૨૬નાં ૩ ઘરો ધરાશાયી થયાં હતાં પરંતુ અહીંના સ્થાનિક આગેવાનોની આગમચેતીના પગલારૂપે મોટી જાનહાનિ ટળી હતી. વલસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડના ૬૦૦ ફ્લેટ ના ૨૫૦૦ પરિવારો હાલ ભયનાં માહોલમાં જીવી રહ્યા છે અને પોતાના ઘરોમાં સ્વ ખર્ચે મરામત કરાવીને રહે છે. અહી બિલ્ડિંગોમાં સ્લેબ પડવાના બનાવો બનતા રહે છે.

આજની મોંઘવારીમાં અન્યત્ર સ્થળે ઉંચા ભાડા દર હોવાથી સ્થળાંતર કરવું પોષાઈ તેમ નથી અને લાચારીવશ મોતના મુખમાં ગરીબો આ સરકારી આવાસમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ મામલે હાઉસિંગ બોર્ડ અને રાજ્ય સરકાર આગળ આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલા તકેદારી લે એ જરૂરી બન્યું છે. આ મામલે સરકાર ૧૦૦% પેનલ્ટી માફ કરે અને બિલ્ડિંગોની મરમત કરાવે તેવી સ્થાનિકોમાં માગ ઊઠી છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.