Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦ લાભાર્થીઓને આવાસની ચાવી આપી પાકા મકાનમાં ગૃહ પ્રવેશ

ગુજરાત ગૌરવ અભિયાનની ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્‍નીલ ખરેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો, પાલનપુર)  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાયેલ ગુજરાત ગૌરવ અભિયાનની ઉજવણી અંતર્ગત પાલનપુર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્‍નીલ ખરેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ૨૦ લાભાર્થીઓને આવાસની ચાવી અને ગૃહ પ્રવેશની કીટ આપી તેમનો પાકા મકાનોમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્‍નીલ ખરેએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીની ગુજરાતની મુલાકાત પ્રસંગે આજે વડોદરાની સાથે અલગ અલગ જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ગ્રામિણ વિસ્તારોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો પુરા પાડવામાં આવે છે.

જેમ જેમ મકાનનું કામ થતું જાય તે રીતે આગળના હપ્‍તા ચુકવવામાં આવે છે. તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું કે, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી અને તેમની ટીમ દ્વારા જરૂરીયાતમંદ લોકોને આવાસ પુરા પાડવા ખુબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.

પાલનપુર શહેરના રહેવાસી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી શ્રીમતી મીનાબેન વસંતકુમારે રાવલે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને પાકુ મકાન મળ્યું છે. વર્ષો પહેલાં જોયેલું ઘરના ઘરનું સ્વપ્‍નું આજે સાકાર થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને તેમની સરકારનો હું આભાર માનું છું કે અમને પાકુ ઘર મળતા અમારી મુશ્કેલીઓનો અંત આવ્યો છે અને હવે તો આનંદ જ આનંદ છે.

પાલનપુર તાલુકાના પીંપળી ગામના વતની શ્રી નટવરભાઇ લવજીભાઇ શ્રીમાળીએ જણાવ્યું કે, કાચા મકાનમાં રહેતા હતા ત્યારે ચોમાસાની સીઝનમાં ખુબ તકલીફ પડતી, ઘરમાં પાણી ભરાઇ જાય તે સમયે માંડ રાત ગુજરતી, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકુ ઘર બનતા હવે ચિંતાઓ દૂર થઇ છે અને સુખેથી રહીએ છીએ એ આ સરકારની નીતિને આભારી છે તેમ તેમણે જણાવ્યું હતુ.

આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી કૈલાશભાઇ ગેહલોત, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી અશ્વિન સક્સેના, શ્રી ભરતભાઇ પરમાર સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.