Western Times News

Gujarati News

મારું સૌભાગ્ય છે કે આજે બાપુની ધરતી પર રિવરફ્રન્ટ પર યોગ કરી રહ્યો છું : ભાગવત કિશન રાવ કરાડ

રિવરફ્રન્ટ ખાતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો -યોગ આપણા દેશની સંસ્કૃતિ, વિશ્વભરમાં યોગની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરાવી છે : કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી ડૉક્ટર ભાગવત કિશનરાવ કરાડ

સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં અમદાવાદના નાગરિકો એ યોગમાં ભાગ લીધો હતો.

કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ડૉક્ટર ભાગવત કિશન રાવ કરાટે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં દેશ આઝાદીનો 75મો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે 75 જગ્યા ઉપર યોગની ઉજવણી થઇ રહી છે તે આપણા માટે ગૌરવની વાત છે. શ્રી ભાગવત કરાટે સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદમાં મોટા પાયે યોગ દિવસની ઉજવણી કરવા બદલ રાજ્ય યોગ બોર્ડ આયુષ મંત્રાલય તેમજ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે તેમણે વધુમાં કહ્યું હતું કે યોગ એ આપણી સંસ્કૃતિ છે આ આપણા દેશની અમાનત છે અને આ અમાનતને વિશ્વ કક્ષાએ લઇ જવાનું ભગીરથ કાર્ય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે 11 ડિસેમ્બર 2014ના રોજ યુએનમાં યોગ દિવસનો ઠરાવ મોકલવામાં આવ્યો હતો,

જેણે 195 દેશોમાંથી 177 દેશોએ યોગ દિવસની માન્યતા આપી હતી. આ શ્રેય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે, કે જેમણે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની શરૂઆત કરાવી. ગત બે વર્ષમાં કોરોનાના કારણે લોકોએ પોતાના ઘરે તેમજ ઓનલાઈન પણ યોગ કરીને યોગ દિવસ મનાવ્યો હતો. વર્ષ 2021માં વર્ચ્યુઅલી 15 કરોડ 86 લાખ લોકો અને 109 દેશો યોગમાં જોડાયા હતા.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમતું હતું ત્યારે આ કપરાકારમાં લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી હતી અને એમાં યોગ-પ્રાણાયામ સાથેની જીવનશૈલી કોરોના જેવા રોગ સામે વધુ ઉપયોગી છે તે વાતને લોકો સ્વીકારતા થયા હતા

આ વર્ષે માનવતા માટે યોગની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમામ દેશ ધર્મ જ્ઞાતિ જાતિના લોકોને યોગાભ્યાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ પ્રોત્સાહિત કર્યા છે.

કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સંસદ સભ્ય કિરીટ સોલંકી, હસમુખભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને યોગાભ્યાસ કર્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનને પણ નાગરિકોએ સાંભળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.