Western Times News

Gujarati News

સરકારી દવાખાનાના કર્મચારીઓએ દર્દીના સગાને ૫.૨૫ લાખ પરત કરી માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યુ

અમારી મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના સામાન્ય કર્મચારીઓની  ઇમાનદારી પર અમને ગર્વ છે : મેડીકલ ઓફિસર ડો.પ્રણવ મોદી

આજે અનેક લોકો પૈસા પાછળ આંધળી દોટ મુકી રહ્યા છે અને પૈસા માટે ગમે તે હદે પણ જઇ શકે છે. આવા અનેક કિસ્સાઓ આપણા ધ્યાનમાં આવી જ રહ્યા છે ત્યારે વિરમગામ ખાતે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતો કીસ્સો પણ બન્યો છે.

અમદાવાદ જીલ્લાના વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં ફરજ પરના મેડીકલ ઓફિસર ડો.પ્રણવ મોદી દ્વારા અકસ્માતમાં ગંભીર રીતે ધાયલ દર્દી નારણભાઇ ત્રિકમભાઇ જોષીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.

વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સમાં મહિપતસિંહ પરમાર, વિજયભાઇ કોળી પટેલ, સનીભાઇ શાહ દ્વારા ૨૧ જુન ૨૦૨૨ની મોડી રાત્રીએ બેભાન અવસ્થામાં દર્દીને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા અને દર્દી પાસે રહેલા રૂપિયા ૫.૨૫ લાખ પણ સંભાળીને દર્દીના સગાને પરત કર્યા હતા.

વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાના કર્મચારીઓએ લોભ લાલચમાં આવ્યા વગર પૈસા પરત કરીને માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. દર્દીના સગાઓએ પણ વિરમગામના ઇમાનદાર કર્મચારીઓની ઇમાનદારીને વધાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા .

વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના મેડીકલ ઓફિસર ડો.પ્રણવ મોદીએ જણાવ્યુ હતુ કે, વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થયેલા દર્દી નારણભાઇ ત્રિકમભાઇ જોષીને સારવાર અર્થે વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.

દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે સરકારી એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. દર્દી પાસે રોકડમાં રૂપિયા ૫.૨૫ લાખ પણ હતા.  અમારા દવાખાનના કર્મચારીઓ દ્વારા દર્દીને અમદાવાદ ખાતે પહોંડ્યા અને તેમના સગાને રૂપિયા ૫.૨૫ લાખ પરત કર્યા હતા. અમારી હસ્પિટલના સામાન્ય કર્મચારીઓની ઇમાનદારી પર અમને ગર્વ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.