Western Times News

Gujarati News

આરોગ્ય વિભાગના કડક વલણ સામે રેસિડેન્ટ ડોક્ટર્સ ઝૂક્યા, ૧૩ દિવસની હડતાળને સમેટી

અમદાવાદ, આરોગ્ય વિભાગના કડક વલણ સામે આખરે રેસિડેન્ટ ડોક્ટરો ઝૂક્યા છે. ૧૩ દિવસથી ચાલેલી હડતાળ અંતે ૧૪માં દિવસે સમેટી લેવામાં આવી છે. આજથી તમામ હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોએ ડ્યુટી પર જાેડાવાની શરૂઆત કરી છે. આમ, ૧૩ દિવસ બાદ આજથી ફરી કોવિડ, ઈમરજન્સી, વોર્ડ તેમજ ઓપીડી સેવાઓ પૂર્વરત થશે. સિનિયર રેસીડેન્સીને બોન્ડમાં સમાવવાની માગ પૂર્ણ નાં થવા છતાં હડતાળિયા ડોક્ટરો તમામ ડ્યુટી પર જાેડાવવા મજબૂર બન્યા હતા.

આરોગ્ય વિભાગના ઉચ્ચઅધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન તેમજ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ વચ્ચે મળેલી બેઠકમાં હડતાળિયા ડોક્ટરો હડતાળ યથાવત રાખે તો રેસિડેન્ટશિપ રદ્દ કરી નાંખવાની ચીમકી આપવામાં આવી હતી. જાે તબીબોની રેસિડેન્ટશિપ રદ્દ કરવામાં આવે તો ડોક્ટરોએ બોન્ડની ૪૦ લાખ રૂપિયાની રકમ ભરવી પડે. આવી સ્થિતિમાં તેમની પાસે હડતાળ સમેટી લેવા સિવાય બીજાે કોઈ ઓપ્શન ન હતો.

ત્યારે હવે હડતાળિયા ડોક્ટરો હડતાળ સમેટી લીધા બાદ જ કોઈ વાતચીત થશે તેવું સ્પષ્ટ વલણ આરોગ્ય વિભાગે મક્કમ રાખ્યુ હતું. જેથી તબીબો પાસે હડતાળ સમેટ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ ના બચ્યો ન હતો. તમામ હડતાળિયા ડોક્ટરો ડ્યુટી પર પરત ફરે ત્યારબાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે સિનિયર રેસીડેન્સીને બોન્ડમાં સમાવવાની માગ મામલે બેઠક થવાની શક્યતા છે.
મહત્વનું છે કે, સિનિયર રેસીડેનન્સી બોન્ડમાં સમાવવાની માગ સાથે રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા.

સરકારે માગ ન સ્વીકારતા અંતે તબીબોએ હડતાળ સમેટી છે.. ગઈકાલે આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ વચ્ચે બેઠક મળી હતી.. જાે તબીબો હડતાળ ચાલુ રાખશે તો તેમની રેસિડેન્ટશીપ રદ કરવાની ચીમકી અપાઈ હતી.. જાે રેસિડેન્ટશિપ રદ્દ થાય તો ડોક્ટરોએ બોન્ડની ૪૦ લાખ રૂપિયાની રકમ ભરવાનું હોય છે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.