Western Times News

Gujarati News

ખાતામાં ભૂલથી ૭.૩૬ લાખ આવ્યાનું સમજીને ઠગને પૈસા ટ્રાન્સફર કરી દીધા

વડોદરા, બેંકમાં ભૂલથી કોઈના ખાતામાં કોઈના રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો તેની જાણ બેંકને થતાં જ તે જે-તે અકાઉન્ટમાં પાછા ટ્રાન્સફર કરી દે છે. પરંતુ પંચમહાલના એક વ્યક્તિએ પોતાના ખાતામાં ભૂલથી ૭.૩૬ લાખ રૂપિયા આવી ગયા હોવાનું સમજીને પાછા ચૂકવ્યા હતા.

પરંતુ પાછળથી તેને ભાન થયું કે, આ જ રકમની છેતરપિંડી તેની સાથે થઈ છે. બેંક તરફથી કોઈ જ ભૂલ નહોતી થઈ પરંતુ હાલોલનો આ વ્યક્તિ ઠગનો શિકાર બન્યો. ધર્મેન્દ્ર ભગત નામનો આ વ્યક્તિ હાલોલની એક ફેક્ટરીમાં કામ કરે છે અને ખાનગી બ્રોકરેજ ફર્મમાં તેનું ડિમેટ અકાઉન્ટ છે અને તેમાં જ બેંક અકાઉન્ટ પણ છે.

ધર્મેન્દ્ર ભગતે ફોનમાં બેંકનો હેલ્પલાઈન નંબર શોધ્યો અને ફ્રેન્ડના નંબરનો ઉપયોગ કરીને ૨૧ ફેબ્રુઆરીએ તેના પર ફોન લગાવ્યો હતો. વાત કરતી વખતે ફોન કપાઈ ગયો હતો અને બાદમાં તેના ફ્રેન્ડના નંબર પર ફરી ફોન આવ્યો હતો. અકાઉન્ટ બંધ છે તેની ખાતરી કરવા માટેની સૂચનાઓનું પાલન તે કરી રહ્યો હતો ત્યાં જ તેના મોબાઈલમાં મેસેજ આવ્યો કે, તેના અકાઉન્ટમાં ૭,૩૬,૭૨૫ રૂપિયા જમા થયા છે.

ધર્મેન્દ્ર ભગતે ફોન કરનાર વ્યક્તિને ખાતામાં જમા થયેલા રૂપિયા અંગે જણાવ્યું. ફોન કરનારે કહ્યું કે, ભૂલથી તેના ખાતામાં રૂપિયા જમા થઈ ગયા છે અને ધર્મેન્દ્રએ તે પરત આપી દેવા જાેઈએ. ફોન કરનાર શખ્સે વિવિધ વૉલેટની માહિતી આપી અને તેમાં ધર્મેન્દ્રએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જાેકે, ધર્મેન્દ્રને શંકા જતાં તેણે બેંકના એક કર્મચારીનો સંપર્ક કર્યો હતો. જ્યારે બેંક કર્મચારીએ વિગતો ચકાસી ત્યારે જાણ થઈ કે, ધર્મેન્દ્ર ભગતના નામે ૭,૩૬,૭૨૫ રૂપિયાની પર્સનલ લોન લેવામાં આવી હતી. આ જ રકમ ધર્મેન્દ્ર ભગતે બાદમાં ઠગ કૉલરના કહેવા પર વિવિધ વૉલેટમાં ટ્રાન્સફર કરી હતી.

દરમિયાન, એ પણ પ્રકાશમાં આવ્યું કે, ધર્મેન્દ્ર ભગતે જે હેલ્પલાઈન પર ફોન કર્યો હતો તે અસલમાં સિક્યુરિટી બ્રોકરેજ કંપનીનો નહોતો પરંતુ ઠગનો હતો. ધર્મેન્દ્ર ભગતે ઈન્ટરનેટ પરથી આ નંબર શોધ્યો હતો. હાલ ધર્મેન્દ્ર ભગતે પંચમહાલ-ગોધરા રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરી છે અને તેમણે ગુનો નોંધ્યો છે.

આ ગુના સંદર્ભે સાયબર ક્રાઈમ પોલીસે મુંબઈથી મુનાફ બૈગ નામના શખ્સની ધરપકડ કરી છે. પરંતુ હવે માલૂમ થયું છે કે, રિક્ષાચાલક મુનાફને પણ કદાચ નહોતી ખબર કે શું થઈ રહ્યું છે. “કોરોના મહામારી દરમિયાન મદદ પૂરી પાડનારા સામાજિક કાર્યકરનો સ્વાંગ રચીને આ ઠગ તેમના ડૉક્યુમેન્ટ લઈ ગયો હતો.

તેમણે તેમને કીધું હતું કે ખૂબ દાન મળ્યું છે અને તેની રકમ જુદા-જુદા શહેરોમાં ડિપોઝિટ કરાવવા માટે આ લોકોની વિગતોનો ઉપયોગ થશે”, તેમ તપાસ કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. રાઠવાએ જણાવ્યું. ઈન્સ્પેક્ટર રાઠવાએ જણાવ્યું કે, મુનાફ બૈગને વચન આપવામાં આવ્યું હતું કે, તેના ખાતામાં જે રૂપિયા મળશે તેમાંથી તેને નાનકડું કમિશન મળશે.

હેલ્પલાઈન નંબર શોધતી વખતે ધર્મેન્દ્ર ભગત આ ઠગે બનાવેલી કોઈ લિંક પર આવી ચડ્યો હશે, તેમ તેમણે ઉમેર્યુ.
પોલીસને તપાસ કરતાં મળેલી માહિતીમાં જાણવા મળ્યું કે, ફોન કરનાર શખ્સે ધર્મેન્દ્ર ભગત પાસે એપ ડાઉનલોડ કરાવડાવી હતી જેથી તે પ્રક્રિયા આગળ વધારી શકે.

મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશનની પરમિશનમાં પણ થોડા ફેરફાર કરાવડાવ્યા હતા. ધર્મેન્દ્ર ભગતે જે એપ ડાઉનલોડ કરી હતી તે એવી એપ હતી જેનાથી દૂર બેઠેલો આ ઠગ, ધર્મેન્દ્રનો ફોન એક્સેસ કરી શકે. કૉલરે આ એપનો ઉપયોગ કરીને ભગતના ફોનમાંથી બેન્કિંગ એપનો ઉપયોગ કરીને લોન લઈ લીધી હતી. બાદમાં તે રકમ ધર્મેન્દ્ર ભગતે વિવિધ વૉલેટમાં ટ્રાન્સફર કરી હતી, એમ માનીને કે તેના ખાતામાં ભૂલથી રકમ જમા થઈ ગઈ છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.