Western Times News

Gujarati News

મુંબઈમાં શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ

મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગામી શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે પોતાની ૫ દિવસની આગાહીમાં જણાવ્યું કે, મુંબઈ અને ઠાણેમાં શુક્રવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. સ્થિતિને ધ્યાનમાં રાખી અનેક સ્થળો પર એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વહીવટીતંત્રને સતર્ક રહેવા અને સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપી છે. નદીઓના જળ સ્તર પર નજર રાખવા માટે પણ જણાવ્યું છે. મુંબઈમાં સોમવાર સાંજેથી મૂસળધાર વરસાદ ચાલું છે. તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સવારે ૮ઃ૩૦ થી સાંજે ૮ઃ૩૦ વાગ્યા સુધીમાં કોલાબા ઓબ્ઝર્વેટરીએ ૬૬.૪ મિલીમીટર વરસાદ નોંધ્યો છે.

જ્યારે સાંતાક્રૂઝમાં ૪૦.૪ મિલીમીટર વરસાદ નોંધાયો છે. નજીકના ઠાણે અને નવી મુંબઈમાં પણ થોડા સમય માટે ભારે વરસાદ થયો હતો. રાત્રે પણ વરસાદ ચાલું જ રહ્યો હતો. આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની આગાહી અને નદીઓની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અધિકારીઓને આગાહ કરી દીધા છે.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે, સીએમએ રાયગઢ. અને રત્નાગિરી જિલ્લાના કલેક્ટરોને પણ સાવધાની રાખવા માટે જણાવ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત નાગપુર, ચિપલુન, રત્નાગિરી, મહાડ અને રાયગઢમાં પણ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

ચોમાસાના કારણે નદીઓનું જળસ્તરમાં વધારો થવાનું પણ જાેખમ ઊભુ થયું છે. મુંબઈમાં પાણીની સપ્લાઈ કરતી નદીઓમાં પાણીનું સ્તર વધીને ૧૩% વધી ગયું છે જે વીકેન્ડ પર ૧૧% હતું. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, તેમાં હજુ પણ વધારો થઈ શકે છે. દર ચોમાસામાં મુંબઈના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ ડૂબી જાય છે. લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.