Western Times News

Gujarati News

ફરજ અને માનવતાની વધુ એક મહેક વરસતા વરસાદમાં પણ સગર્ભાનો જીવ બચાવાયો

રાજુલાના મોટા અગરિયામાં ખેતીકામ કરતા ૨૩ વર્ષીય મહિલાને વાડી વિસ્તારથી સીધા હોસ્પિટલ પહોચાડાયા

તાલુકા વહીવટી તંત્ર અને ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ વરસતા વરસાદમાં પોતાના જીવના જોખમે સગર્ભાનો મહિલાનો જીવ બચાવીને ફરજની સાથે સાથે માનવતાની વધુ એક મહેક પ્રસરાવીને તમામ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે, આ વાત છે અમરેલી જિલ્લાના રાજુલાના તાલુકાના મોટા અગરિયા ગામની વાડી વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા ૨૩ વર્ષીય શ્રી સકુબેન કટારિયાની.રાજુલા તાલુકા મામલતદાર ઓફીસ, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ અને સ્થાનિક નાગરિકોએ વધુ વરસાદના કારણે પાણીભરાયેલા વાડી વિસ્તારમાંથી જીવન જોખમે યુદ્ધના ધોરણે સગર્ભા મહિલાને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં દાખલ કરીને ફરજ સાથે સેવાનું ઉતમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની સકુબહેન કટારીયા રાજુલા તાલુકાના મોટા અગરિયા ગામના વાડી વિસ્તારમાં ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સગર્ભા એવા સકુબેન અચાનક બીમાર થતા તેમને ૧૦૮નો સંપર્ક કર્યો હતો, પણ આ વિસ્તારમાં વધુ વરસાદના કારણે પાણી ભરતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાડી વિસ્તાર સુધી જઈ શકે તેવી સ્થિતિ ન હતી. આ બાબતે ૧૦૮ દ્વારા મદદ માટે રાજુલા મામલતદાર કચેરીને સંપર્ક કરાયો હતો.

મામલતદારશ્રી સહીત કર્મીઓએ વિષયની ગંભીરતા સમજીને તાત્કાલિક સ્થળ પર પહોંચીને સ્થાનિકોના સહયોગ અને ખેતરના રાજા એવા ટ્રેક્ટરની મદદથી વાડી વિસ્તારમાંથી સગર્ભા મહિલાઓને શિફ્ટ કરીને ૧૦૮ના EMT શ્રી જિતેશ કલસરિયા અને પાયલોટ શ્રી ભરતભાઈ મકવાણાએ સમય સૂચકતા વાપરીને સારવાર માટે તાત્કાલિક રાજુલાની હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં હાજર હોસ્પિટલના આરએમઓ ડૉ ખુમન દ્વારા સમયસર સારવાર અપાતાં હાલમાં સગર્ભા મહિલા શ્રી સકુબેન સંપૂર્ણ સ્વસ્થ છે.

આમ રાજુલા તાલુકા વહીવટી તંત્ર, ૨૪ કલાક નાગરિકોની સેવામાં તૈયાર રહેતા ૧૦૮ના કર્મીઓ અને સ્થાનિક નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી વધુ એક મહિલાનો જીવ બચાવીને ફરજ, સેવા અને માનવીય અભિગમની ઉતમ મિસાલ રજૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.