Western Times News

Gujarati News

રોહિતે ટ્‌વેન્ટીમાં સૌથી વધારે રનનો કોહલીનો રેકોર્ડ તોડ્યો

સૌથી વધુ ટ્‌વેન્ટી મેચો રમવાના ધોનીના રેકોર્ડને તોડ્યો
નવી દિલ્હી,  નવી દિલ્હીના ફિરોઝશા કોટલા મેદાન અથવા તો અરુણ જેટલી મેદાન ખાતે આજે રમાયેલી મેચમાં બાંગ્લાદેશ સામે રમીને રોહિત શર્માએ વધુ કેટલાક રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા. એકબાજુ રોહિત શર્માએ ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાના ભારતના રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડને તોડી દીધો હતી. બીજી બાજુ ભારત તરફથી સૌથી વધારે ટ્‌વેન્ટી મેચો રમવાના મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડને પણ રોહિત શર્માએ તોડી દીધો હતો. રોહિત શર્મા આજે મેદાન પર વધારે જામી શક્યો ન હતો પરંતુ થોડાક રન કર્યા હોવા છતાં તે કોહલીથી આગળ નિકળી ગયો હતો.

રોહિત શર્માના નામ ઉપર હવે ૯૯ મેચોમાં ૨૪૫૨ રન થઇ ગયા છે જ્યારે કોહલીએ ૭૨ મેચોમાં ૨૪૫૦ રન બનાવ્યા છે. કોહલી બાંગ્લાદેશ સામેની ટ્‌વેન્ટી શ્રેણીમાં રમી રહ્યો નથી જેના પરિણામ સ્વરુપે રોહિત શર્મા કેપ્ટન તરીકે છે અને કોહલીના રેકોર્ડને તોડવામાં સફળતા મળી છે. કોહલી રહ્યો હોત તો આ રેકોર્ડ તોડવામાં તેને હજુ સફળતા મળી ન હોત. બીજી બાજુ ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ મેચો રમવાના ધોનીના રેકોર્ડને પણ તે તોડી ચુક્યો છે.

ભારત તરફથી પૂર્વ કેપ્ટન અને મહાન ખેલાડી ધોનીએ ૯૮ ટ્‌વેન્ટી મેચો રમી છે. હજુ સુધી રોહિત શર્માએ પણ ૯૮ મેચો જ રમી હતી. આજની મેચ રમીને રોહિત શર્માએ ૯૯ મેચો રમી લીધી છે જેથી ધોનીનો રેકોર્ડ તુટ્યો છે. હાલમાં જ રમાયેલી આફ્રિકા સામેની શ્રેણીમાં રોહિત શર્માનો દેખાવ ખુબ ધરખમ રહ્યો હતો. આ ઉપરાંત ઓપનિંગ બેટ્‌સમેન તરીકેની સમસ્યાઓને પણ ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ દૂર કરી હતી. ટ્‌વેન્ટી ક્રિકેટમાં બાંગ્લાદેશ સામે વધુ સારો દેખાવ કરવાની તેની પાસે તક રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.