Western Times News

Gujarati News

‘હું નહીં રહું, ના તમે રહેશો, પરંતુ આપણી અસ્થિઓ પર, ઉદિત થશે નવા ભારતની મહાગાથા’

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! છોંત્તેરમા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. આ ગૌરવપૂર્ણ અવસર પર આપને સંબોધિત કરતા મને ઘણી ખુશી થઇ રહી છે. એક સ્વતંત્ર દેશના રૂપમાં ભારત 75 વર્ષ પૂરાં કરી રહ્યું છે.

14 ઑગસ્ટના દિવસને ‘વિભાજન વિભીષિક સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ સ્મૃતિ દિવસ મનાવવાનો ઉદ્દેશ સામાજિક સદભાવ, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે. 15 ઑગસ્ટ 1947ના રોજ આપણે સંસ્થાનવાદી શાસનની બેડીઓ તોડી નાંખી હતી. એ દિવસે આપણે આપણા ભાગ્યને ફરી ઘડવાનો નિર્ણય લીધો હતો. એ શુભ દિવસની વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે આપણે સૌ સ્વતંત્રતા સેનાઓને સાદર વંદન કરીએ છીએ. તેમણે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું જેથી આપણે એક સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઇ શકીએ.

ભારતની આઝાદી આપણા માટે તેમજ વિશ્વના લોકશાહીના દરેક સમર્થકો માટે ઉજવણીનો વિષય છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ અને ચિંતકોએ આપણી લોકશાહી શાસન વ્યવસ્થાની સફળતા અંગે આશંકા વ્યક્ત કરી હતી. તેની આશંકા પાછળના ઘણા કારણો હતા.

તે દિવસોમાં, લોકશાહી ફક્ત આર્થિક રીતે પ્રગત રાષ્ટ્રો સુધી સીમિત હતી. વિદેશી શાસકોએ વર્ષો સુધી ભારતનું શોષણ કર્યું હતું. આના કારણે ભારતના લોકો ગરીબી અને નિરક્ષરતા સામે સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ ભારતવાસીઓ તે લોકોની આશંકાઓને ખોટી સાબિત કરી દીધી. ભારતની ભૂમિમાં લોકશાહીના મૂળિયાં વધુ ઊંડા અને મજબૂત થતા ગયા.

મોટાભાગના લોકશાહી દિશોમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે મહિલાઓએ ઘણા લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ આપણા પ્રજાસત્તાકની શરૂઆતથી જ ભારતે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અપનાવ્યો હતો. આ રીતે આધુનિક ભારતના ઘડવૈયાઓએ દરેક પુખ્ત નાગરિકને રાષ્ટ્ર નિર્માણની સામૂહિક પ્રક્રિયામાં ભાગ લેવાની તક પૂરી પાડી. ભારતને એ શ્રેય જાય છે કે, તેણે વિશ્વ સમુદાયને લોકશાહીની સાચી ક્ષમતાનો પરિચય કરાવ્યો છે.

હું માનું છું કે ભારતની આ સિદ્ધિ માત્ર એક સંયોગ નહોતો. સંસ્કૃતિની શરૂઆતથી જ ભારત ભૂમિના સંતો અને મહાત્માઓએ તમામ જીવોની સમાનતા અને એકતા પર આધારિત જીવન-દૃષ્ટિ વિકસાવી હતી. મહાત્મા ગાંધી જેવા મહાન નાયકોના નેતૃત્વમાં સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન આપણા પ્રાચીન જીવન મૂલ્યોને આધુનિક યુગમાં ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા હતા. આથી જ આપણી લોકશાહીમાં ભારતીયતાના તત્વો દેખાય છે. ગાંધીજી સત્તાના વિકેન્દ્રીકરણ અને સામાન્ય માણસને અધિકાર સંપન્ન બનાવવાના પક્ષમાં હતા.

છેલ્લા 75 અઠવાડિયાથી આપણા દેશમાં સ્વતંત્રતાના સંગ્રામના મહાન આદર્શોને યાદ કરવામાં આવી રહ્યા છે. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’, માર્ચ 2021માં દાંડી યાત્રાની સ્મૃતિને ફરીથી જીવંત રૂપ આપીને શરૂ કરવામાં આવ્યો હતો. એ યુગ-નિર્માણ ચળવળે આપણા સંઘર્ષને વૈશ્વિક મંચ પર સ્થાપિત કર્યો હતો. તેને સન્માન આપીને આપણા આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ મહોત્સવ ભારતના લોકોને સમર્પિત છે.

દેશવાસીઓએ મેળવેલી સફળતાના આધારે ‘આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવાનો સંકલ્પ પણ આ મહોત્સવનો એક ભાગ છે. તમામ વયજૂથના લોકો આખા દેશમાં આયોજિત આ મહોત્સવના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ ભવ્ય મહોત્સવ હવે ‘હર ઘર તિરંગા અભિયાન’ સાથે આગળ વધી રહ્યો છે. આજે દેશના ખૂણે ખૂણામાં આપણો તિરંગો શાનથી લહેરાઇ રહ્યો છે. આઝાદીની ચળવળના આદર્શો પ્રત્યે આટલા વ્યાપક સ્તરે લોકોમાં જાગૃતિ જોઇને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અવશ્ય પ્રફુલ્લિત થયા હોત.

આપણો ગૌરવશાળી સ્વતંત્રતા સંગ્રામ આ વિશાળ ભારત-ભૂમિમાં બહાદુરી સાથે ચાલુ રહ્યો. અનેક મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ વીરતાના દૃષ્ટાંત પૂરાં પાડ્યા અને રાષ્ટ્ર જાગૃતિની મશાલ આગળની પેઢીને સોંપી. અનેક વીર યોદ્ધાઓ તેમજ તેમના સંઘર્ષો, ખાસ કરીને ખેડૂતો અને આદિવાસી સમુદાયના વીરોનું યોગદાન લાંબા અરસા સુધી સામૂહિક સ્મૃતિમાંથી બહાર રહ્યું હતું. ગયા વર્ષથી દર 15 નવેમ્બરને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો સરકારે લીધેલો નિર્ણય આવકાર્ય છે. આપણા જનજાતીય મહાનાયકો માત્ર સ્થાનિક કે પ્રાદેશિક પ્રતીકો નથી પરંતુ તેઓ આખા દેશ માટે પ્રેરણા સ્રોત છે.

પ્રિય દેશવાસીઓ,એક રાષ્ટ્ર માટે, ખાસ કરીને ભારત જેવા પ્રાચીન દેશના લાંબા ઇતિહાસમાં, 75 વર્ષનો સમય ખૂબ જ નાનો લાગે છે. પરંતુ વ્યક્તિગત સ્તરે આ કાળખંડ એક જીવનયાત્રા જેવો છે. આપણા વરિષ્ઠ નાગરિકોએ પોતાના જીવનકાળમાં અદભુત પરિવર્તન જોયા છે.

તેઓ સાક્ષી છે કે, આઝાદી પછી કેવી રીતે તમામ પેઢીઓએ કઠોર પરિશ્રમ કર્યો, મોટા પડકારોનો સામનો કર્યો અને પોતાને પોતાના ભાગ્ય વિધાતા બનાવ્યા. આ સમયમાં આપણે જે કંઇ પણ શીખ્યા છીએ તે બધું ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે રાષ્ટ્રની યાત્રામાં ઐતિહાસિક પડાવ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે સૌ 2047માં સ્વતંત્રતાના શતાબ્દી-મહોત્સવ સુધીના 25 વર્ષના સમયમાં એટલે કે અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યાં છીએ.

આપણો સંકલ્પ છે કે, વર્ષ 2047 સુધીમાં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાઓના સપનાં સંપૂર્ણપણે સાકાર કરીશું. આ કાળખંડમાં આપણે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં બંધારણનું નિર્માણ કરનારી વિભૂતિઓના વિઝનને સાકાર કરી દીધું હશે. એક આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપણે પહેલાંથી જ તત્પર છીએ. તે એક એવું ભારત હશે જે પોતાના સામર્થ્યોને સાકાર કરી ચુક્યું હશે.

દુનિયાએ તાજેતરના વર્ષોમાં એક નવા ભારતને ઉદયમાન થતું જોયું છે, ખાસ કરીને કોવિડ-19ના પ્રકોપ પછી. આ મહામારીનો સામનો આપણે જે રીતે કર્યો છે તેની સાર્વત્રિક પ્રશંસા થઇ છે. આપણા દેશમાં જ બનેલી વેક્સિનની મદદથી માનવ ઇતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું.

ગયા મહિને આપણે બસો કરોડ વેક્સિન કવરેજનો આંકડો પાર કરી દીધો છે. આ મહામારીનો સામનો કરવામાં આપણી સિદ્ધિઓ વિશ્વના વિકસિત દેશો કરતાં પણ વધારે છે. આ પ્રશંસનીય સિદ્ધિ બદલ આપણે આપણા વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, નર્સો, પેરામેડિક્સ અને રસીકરણમાં જોડાયેલા કર્મચારીઓના આભારી છીએ. આ આપદામાં કોરોના યોદ્ધાઓએ આપેલું યોગદાન વિશેષરૂપે પ્રશંસનીય છે.

કોરોના મહામારીએ આખા વિશ્વમાં માનવ જીવન અને અર્થવ્યવસ્થા પર આકરો પ્રહાર કર્યો છે. જ્યારે દુનિયા આ ગંભીર સંકટના આર્થિક પરિણામો સામે ઝઝૂમી રહી હતી, ત્યારે ભારતે પોતાને સંભાળી લીધું અને હવે ફરીથી ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.

હાલના સમયમાં ભારત, દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. ભારતની સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમનું વિશ્વમાં ઊંચુ સ્થાન છે. આપણા દેશમાં સ્ટાર્ટ-અપની સફળતા, ખાસ કરીને યુનિકોર્નની વધતી સંખ્યા, આપણી ઔદ્યોગિક પ્રગતિનું શાનદાર ઉદાહરણ છે. વિશ્વમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓથી વિપરિત, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધવાનો શ્રેય સરકાર અને નીતિ ઘડનારાઓને જાય છે.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અભૂતપૂર્વ પ્રગતિ થઇ છે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના દ્વારા કનેક્ટિવિટીને બહેતર બનાવવામાં આવી રહી છે. પરિવહનના, જળ, ભૂમિ, વાયુ વગેરે પર આધારિત તમામ માધ્યમોને ખૂબ સારી રીતે એકબીજા સાથે જોડીને આખા દેશમાં આવાગમનને સુગમ બનાવવામાં આવી રહ્યું છે.

પ્રગતિ પ્રત્યે આપણા દેશમાં જોવા મળી રહેલા ઉત્સાહનો શ્રેય સખત પરિશ્રમ કરનારા આપણા ખેડૂતો અને શ્રમિક ભાઇ-બહેનોને પણ જાય છે. સાથે જ, વ્યવસાયની સુઝ-બુઝથી સમૃદ્ધિનું સર્જન કરનારા આપણા ઉદ્યમીઓને પણ જાય છે. સૌથી વધારે ખુશી એ વાતની છે કે, દેશનો આર્થિક વિકાસ વધુ સર્વ સમાવેશી થઇ રહ્યો છે અને પ્રાદેશિક વિષમતાઓ પણ ઓછી થઇ રહી છે.

પરંતુ આ તો માત્ર એક શરૂઆત જ છે. દૂરોગામી પરિણામો વાળા સુધારા અને નીતિઓ દ્વારા આ પરિવર્તનોની આધાર-ભૂમિ પહેલાંથી જ તૈયાર કરવામાં આવી રહી હતી. ઉદાહરણ તરીકે, ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાન દ્વારા જ્ઞાન આધારિત અર્થ-વ્યવસ્થાની આધારશિલા સ્થાપિત કરવામાં આવી રહી છે. ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ નો ઉદ્દેશ ભાવિ પેઢીને ઔદ્યોગિક ક્રાંતિના આગલાં ચરણ માટે તૈયાર કરવાનો અને તેમને આપણા વારસા સાથે ફરીથી જોડવાનો છે.

આર્થિક પ્રગતિથી દેશવાસીઓનું જીવન વધુ સુગમ થઇ રહ્યું છે. આર્થિક સુધારાઓની સાથે સાથે લોક-કલ્યાણ માટે નવા પગલાં લેવામાં આવી રહ્યાં છે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ની સહાયતાથી ગરીબો પાસે પોતાનું ઘર હોય તે હવે એક સપનું નથી રહ્યું પરંતુ તેણે હકીકતનું સ્વરૂપ લઇ લીધું છે. એવી જ રીતે, ‘જલ જીવન મિશન’ અંતર્ગત ‘હર ઘર જલ’ યોજના પર કામ ચાલી રહ્યું છે.

આ ઉપાયો અને આના જેવા જ અન્ય પ્રયાસોનો ઉદ્દેશ સૌને, ખાસ કરીને ગરીબોને, મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો છે. ભારતમાં આજે સંવેદનશીલતા અને કરુણાનાં જીવન-મૂલ્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ જીવન-મૂલ્યોનો મુખ્ય ઉદ્દેશ આપણા વંચિત, જરૂરિયાતમંદ અને સમાજમાં હાંસિયામાં રહેતા લોકોના કલ્યાણ માટે કામ કરવાનો છે. આપણા રાષ્ટ્રીય મૂલ્યોને, નાગરિકોના મૂળ કર્તવ્યના રૂપમાં, ભારતના બંધારણમાં સમાવવામાં આવ્યા છે. દેશના પ્રત્યેક નાગરિકને મારો અનુરોધ છે કે, તેઓ પોતાના મૂળ કર્તવ્યો વિશે જાણે, તેનું પાલન કરે, જેથી આપણો દેશ નવી ઊંચાઇઓ સ્પર્શી શકે.

પ્રિય દેશવાસીઓ,આજે દેશમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને અર્થ-વ્યવસ્થા તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં જે સારું પરિવર્તન જોવા મળી રહ્યું છે તેના મૂળમાં સુશાસન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે તેની મુખ્ય ભૂમિકા રહી છે. જ્યારે ‘રાષ્ટ્ર સર્વોપરી’ની ભાવનાથી કામ કરવામાં આવે ત્યારે, તેનો પ્રભાવ દરેક નિર્ણય અને કાર્યક્ષેત્રમાં જોવા મળે છે. આ પરિવર્તન વિશ્વ સમુદાયમાં ભારતની પ્રતિષ્ઠામાં પણ જોવા મળી રહ્યું છે.

ભારતના નવા આત્મવિશ્વાસનો સ્રોત દેશના યુવાનો, ખેડૂતો અને સૌથી વધુ તો, દેશની મહિલાઓ છે. હવે દેશમાં સ્ત્રી-પુરુષના આધાર પર અસમાનતા ઓછી થઇ રહી છે. મહિલાઓ રૂઢીઓ અને બાધાઓને ઓળંગીને આગળ વધી રહી છે. સામાજિક અને રાજકીય પ્રક્રિયાઓમાં તેમની વધતી ભાગીદારી નિર્ણાયક સાબિત થશે. આજે આપણી પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ચૌદ લાખ કરતાં ઘણી વધારે છે.

આપણા દેશની કેટલીય આશાઓ આપણી દીકરીઓ પર ટકેલી છે. જો યોગ્ય તક આપવામાં આવે તો તેઓ શાનદાર સફળતા પ્રાપ્ત કરી શકે છે. અનેક દીકરીઓએ તાજેતરમાં જ સંપન્ન થયેલી કોમનવેલ્થ રમતોમાં દેશનું ગૌરવ વધાર્યું છે. આપણા ખેલાડીઓ અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ દેશને ગૌરવ અપાવી રહ્યા છે. આપણા સંખ્યાબંધ વિજેતાઓ સમાજના વંચિત વર્ગોમાંથી આવે છે. આપણી દીકરીઓ ફાઇટર પાઇલટથી માંડીને સ્પેસ વૈજ્ઞાનિક સુધીના દરેક ક્ષેત્રમાં પોતાનો ધ્વજ લહેરાવી રહી છે.

પ્રિય દેશવાસીઓ,આપણે જ્યારે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ તો, વાસ્તવમાં આપણે આપણી ‘ભારતીયતા’નો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આપણું ભારત અનેક વિવિધતાઓથી ભરેલું રાષ્ટ્ર છે. પરંતુ આ વિવિધતાઓની સાથે સાથે આપણા સૌની અંદર કંઇક એવું છે જે સમાન છે. આ સમાનતા જ આપણને સૌ દેશવાસીઓને એક તાતણે બાંધે છે અને આપણને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.

ભારત તેના પર્વતો, નદીઓ, સરોવરો અને જંગલો તેમજ તે ક્ષેત્રોમાં રહેતા જીવજંતુઓના કારણે પણ અત્યંત આકર્ષક છે. આજે જ્યારે આપણા પર્યાવરણ સામે નવા નવા પડકારો આવી રહ્યા છે, ત્યારે આપણે ભારતનાં સૌંદર્ય સાથે જોડાયેલી દરેક વસ્તુનું દૃઢતાપૂર્વક રક્ષણ કરવું જોઈએ. પાણી, ધરતી અને જૈવિક વિવિધતાનું સંરક્ષણ એ આપણી ભાવિ પેઢીઓ પ્રત્યેની આપણી ફરજ છે. પ્રકૃતિની સંભાળ માતાની જેમ રાખવી એ આપણી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આપણે ભારતવાસીઓ આપણી પરંપરાગત જીવનશૈલી દ્વારા આખી દુનિયાને સાચો માર્ગ બતાવી શકીએ છીએ. યોગ અને આયુર્વેદ એ વિશ્વ સમુદાયને ભારતે આપેલી અમૂલ્ય ભેટ છે, જેની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં નિરંતર વધી રહી છે.

પ્રિય દેશવાસીઓ,આપણી પાસે જે કંઇ પણ છે, તે આપણી માતૃભૂમિએ આપ્યું છે. આથી, આપણે આપણા દેશની સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણું સર્વસ્વ અર્પણ કરી દેવાનો સંકલ્પ લેવો જોઇએ. આપણા અસ્તિત્વની સાર્થકતા એક મહાન ભારતના નિર્માણમાં જ જોવા મળશે. કન્નડ ભાષાના માધ્યમથી ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરનારા મહાન રાષ્ટ્રવાદી કવિ ‘કુવેમ્પુ’ એ કહ્યું છે:

નાનુ અલિવે, નીનુ અલિવે નમ્મા અલુ-બુગલ મેલે,  મૂડુ-વુદુ મૂડુ-વુદુ,  નવભારત- દ લીલે

અર્થાત્

‘હું નહીં રહું, ના તમે રહેશો, પરંતુ આપણી અસ્થિઓ પર,  ઉદિત થશે, ઉદિત થશે નવા ભારતની મહાગાથા’

એ રાષ્ટ્રવાદી કવિનું આ સ્પષ્ટ આહવાન છે કે, માતૃ-ભૂમિ તથા દેશવાસીઓના ઉત્કર્ષ માટે સર્વસ્વ બલિદાન કરવું એ આપણો આદર્શ હોવો જોઇએ. આ આદર્શોને અપનાવવા માટે હું આપને, દેશના યુવાનોને ખાસ અનુરોધ કરુ છુ. એ યુવાનો જ 2047ના ભારતનું નિર્માણ કરશે.

મારું સંબોધન સમાપ્ત કરતા પહેલાં, હું ભારતના સશસ્ત્ર દળો, વિદેશમાં સ્થિત ભારતીય મિશનો અને આપણી માતૃભૂમિને ગૌરવ અપાવનારા પ્રવાસી-ભારતીયોને સ્વતંત્રતા દિવસના અભિનંદન પાઠવું છું. હું તમામ દેશવાસીઓના સુખદ અને મંગલમય જીવન માટે શુભેચ્છા વ્યક્ત કરું છું. આભાર, જય હિન્દ!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.