Western Times News

Gujarati News

ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ

અમદાવાદ : જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાની આજે રાતે ૧૨ વાગ્યાથી વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. મહા વાવાઝોડાને લઇ લીલી પરિક્રમાને રોકી રખાઇ હતી પરંતુ તેનો ખતરો ટળ્યા બાદે આજે મધરાતે ૧૨ વાગ્યાથી લીલી પરિક્રમાનો વિધિવત્‌ પ્રારંભ કરવાની મંજૂરી અપાઇ હતી.

લગભગ એક લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતોએ પરિક્રમાનો ભારે ભકિતભાવ અને ઉત્સાહ સાથે પ્રારંભ કર્યો હતો. લીલી પરિક્રમાને લઇ આ વર્ષે શ્રદ્ધાળુઓના ભારે વધતા ધસારાને લઇને ગઇકાલ રાતથી જ ભાવિકોએ શરૂઆત કરી દીધી છે. ગીરનાર પરિક્રમામાં થાકેલા શ્રધ્ધાળુ યાત્રિકો આરામ કરી શકે અને રાહત અનુભવી શકે તે હેતુથી ગુપ્તપ્રયાગના બ્રહ્મચારી સંતો દ્વારા રેનબસેરાના પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. તો પરિક્રમા દરમ્યાન પરિવારથી વિખૂટા પડેલા લોકોની ખાસ કરીને બાળકો અને મહિલાઓની સહાય માટે માહિતી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.

છેલ્લા પડાવ બોરદેવી ત્રણ રસ્તા નજીક નળપાણીની ઘોડી ઉતરીને આવતા વૃદ્ધો અને નાના બાળકો માટે રેનબસેરાનો પંડાલ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ભાવિકોને ગોદડા, ચાદર અને ઓશીકા વિનામૂલ્યે આપવામાં આવશે. કુદરતી વાતાવરણમાં ભાવિકો ચૂલો તૈયાર કરી ભોજન બનાવી રહ્યા છે. તો મોટાભાગના ભાવિકો અન્નક્ષેત્રોનો લાભ લઇ રહ્યા છે.

જૂનાગઢ મનપાના કમિશનર તુષાર સુમરાએ જણાવ્યું હતું કે, પરિક્રમાના પ્રસ્થાન રૂટ એવા ઇન્દ્રભારતી બાપુના ગેઇટ પાસે તેમજ દત્તચોક ખાતે ૨૪ કલાક માટે માહિતી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ માહિતી કેન્દ્રો પરિવારથી વિખૂટા પડેલાની સહાય કરશે.
આ ઉપરાંત ભવનાથ તેમજ ઉતારા મંડળની પાણી, સફાઇ, વીજળી વગેરેની સમસ્યા હશે તો તેનું નિરાકરણ કરશે. જ્યારે યાત્રિકો માટે હેલ્થ લાઇન નંબર સાથે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. લીલી પરિક્રમાને લઇ લાખો શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.