Western Times News

Gujarati News

દૂધેશ્વર શનિમંદિરમાં ૧૦૮ દિવાથી જય શ્રી રામ લખાયું

કોર્ટના ચુકાદાનું આદર અને સન્માન કરવાનો સર્વે પ્રજાજનોને વિધિવત અનુરોધ
અમદાવાદ,  શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શનિદેવ મંદિર ખાતે શનિવારે રામમંદિરની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આવ્યા બાદ ૧૦૮ દિવાથી જય શ્રી રામ લખી તેમ જ શનિ મહારાજની વિશેષ આરતી ઉતારી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહી, રામમંદિરની તરફેણમાં ચુકાદો આવે તેની પ્રાર્થના માટે શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

દૂધેશ્વરના પ્રાચીન શનિદેવ મંદિરના પૂજારી રવિ મહારાજે રામમંદિરના કેસમાં સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ચુકાદાનું આદર અને સન્માન કરવા સર્વે પ્રજાજનોને અનુરોધ કર્યો હતો. સાથે સાથે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોમી એખલાસ અને ભાઇચારાનું વાતાવરણ જળવાયેલું રહે તે માટે પણ તેમણે સર્વને અનુરોધ કર્યો હતો.

ગઇકાલે અયોધ્યાના રામમંદિર કેસમાં સુપ્રીમકોર્ટનો ચુકાદો આવનાર હોઇ શહેર સહિત રાજયભરમાં વિવિધ મંદિરોમાં અને ધાર્મિક સ્થાનોમાં વિશેષ પૂજા, હોમ-હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામમંદિરની તરફેણમાં ચુકાદો આવે તે માટેની ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.

જેમાં શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શનિ દેવ મંદિર ખાતે પૂજારી રવિ મહારાજ દ્વારા રામમંદિરની તરફેણમાં ચુકાદો આવે તેવી પ્રાર્થના સાથે શનિવારનો દિવસ હોઇ શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શનાર્થે આવનાર ભકતો પણ રામમંદિરની તરફેણમાં ચુકાદો આવે તેની પ્રાર્થના કરતા જાવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.