Western Times News

Gujarati News

અમદાવાદમાં ટાઈફોઈડના ૫૦૦૦ અને કમળાના ૩૦૦૦ કેસ

છેલ્લા ચાર મહિનામાં ટાઈફોઈડના ત્રણ હજાર કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરીકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના સકંજામાં સપડાયા છે. શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેના કારણે તંત્ર માત્ર મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે દોડી રહ્યુ છે. જ્યારે બીજી તરફ પાણીજન્ય રોગચાળાના કેસ પણ ખુબ જ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે.

જેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સપ્લાય થતાં પાણીમાં પ્રદુષણની માત્રા વધારે હોવાના કારણે કમળા અને ટાઈફોઈડના કેસ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા ચાર મહિનામાં ટાઈફોઈડના લગભગ ત્રણ હજાર કરતા વધારે નોંધાયા હોવાની ચોકંવનારી વિગતો બહાર આવી છે.

પ્રદુષિત પાણી અને નીલ કલોરીનની સમસ્યા વકરી

સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકો ‘કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીમાં પ્રદુષણની માત્રા વધારે હોય છે તથા ઘણા વિસ્તારોમાં અત્યંત ડહોળાશયુક્ત પાણી સપ્લાય થાય છે. જેના કારણે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરમાં ચાલુ વરસે ટાઈફોઈડના પાંચ હજાર કેસ નંધાયા છે. જે પાછલા ચાર-પાંચ વર્ષમાં સૌથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. મચ્છરોની ઉત્પત્તિ અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કવાયત કરતાં તંત્રએ પ્રદુષિત પાણીની સમસ્યા અને પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવાની દિશામાં કોઈ જ નક્કર કાર્યવાહી કરી નથી.

જેના પરિણામે, ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક હવે વધારો થયો છે. શહેરમાં ર૦૧૮ના વર્ષમાં ટાઈફોઈડના ૩૯૯૭ કેસ નોંધાયા હતા. જેમાં મ્યુનિસિપલ હોસ્પીટલમાં ૩ર૮૬ અને ખાનગી હોસ્પીટલોમાં ૭૧૧ દર્દીઓ નોંધાયા છે. ર૦૧૭ના વર્ષમાં ટાઈફોઈડના ર૮૦૭ કેસ કન્ફર્મ થયા હતા.

મ્યુનિસિપલ હોસ્પીટલમાં ર૩૪૯ અને ખાનગી હોસ્પીટલોમાં ૪પ૮ કેસ કન્ફર્મ થયા હતા. ર૦૧૯માં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ટાઈફોઈડના પાંચ હજાર જેટલા કેસ નોંધાયા છે જે પૈકી મ્યુનિસિપલ હોસ્પીટલોમાં ૩૮પ૦ અને ખાનગી હોસ્પીટલોમાં ૧૧૮૦ જેટલા કેસ નોંધાયા છે.

શહેરમાં છેલલા ચાર મહિનામાં જ ટાઈફોઈડના ત્રણ હજાર કેસ નોંધાયા છે જેની તરફ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. ચાલુ વરસે ટાઈફોઈડની સાથે સાથે કમળાના કેસ પણ મોટી સંખ્યામાં નોંધાયા છે. સુત્રોએ જણાવ્યા અનુસાર નવેમ્બર માસના પ્રથમ સપ્તાહ સુધી કમળાના ત્રણ હજાર કેસ નોંધાયા છે. ર૦૧૭ના વર્ષમાં કમળાના ર૩૭૬ કેસ નોંધાયા હતા. ર૦૧૮માં ૩૭૧૩ કેસ નોંધાયા હતા. ર૦૧૯માં પણ ર૦૧૮ની પેટર્ન જાવા મળી રહી છે.

શહેરમાં વકરી રહેલા પાણીજન્ય રોગચાળા માટે મનપા દ્વારા સપ્લાય થતાં દુષિત પાણી અને બેરોકટોક વેચાણ થતાં બિનઆરોગ્યપ્રદ આહાર મૂળ કારણ છે. મ્યુનિસિપલ આરોગ્ય ખાતા દ્વારા પાણીના સેમ્પલ ચકાસણીમાં લેવામાં આવે છે. જેમાં અનફીટ સેમ્પલોની ટકાવારીમાં લેશમાત્ર ઘટાડો થયો નથી. ર૦૧૭માં ૪૩ હજાર સેમ્પલના પરિક્ષણ સામે ર૦ર૩ સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. ર૦૧૮માં ૩૭૮૭૦ સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્ય્‌ હતા. જેની સામે રર૩૪ સેમ્પલ નિષ્ફળ સાબિત થયા હતા. ર૦૧૯માં દૂષિત પાણીની સમસ્યા હળવી કરવામાં નિષ્ફળ તંત્રએ સેમ્પલની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

ર૦૧૯માં માત્ર ૧૬૮ર૯ સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેપૈકી ૯પ૬ સેમ્પલ અનફીટ જાહેર થયા છે. એવી જ રીતે મનપાના તમામ વો.ડી.સ્ટેશનો પર ક્લોરીન ડોઝીયર ઉપલબ્ધ છે તેમ છતાં અનેક વિસ્તારોમાં ક્લોરીન વિના જ પાણી સપ્લાય થઈ રહ્યુ છે.ે દક્ષિણ ઝોનમાં ‘નીલ ક્લોરીન’ની ફરીયાદો વધારે જાવા મળી રહી છે. ચાલુ વરસે સપ્ટેમ્બરના અંત સુધીમાં ૧૮૪૭ વિસ્તારોમાં ક્લોરીન વિના પાણી સપ્લાય થયા છે. જે પૈકી માત્ર દક્ષિણ ઝોનમાં ૧૩૩પ સ્થળે નીલ ક્લોરીન રીપોર્ટ આવ્યા છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વે નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે શહેરમાં ડેન્ગ્યુની સાથે સાથે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે તેની તરફ પણ ધ્યાન આપવામાંં આવે એ જરૂરી છે. પાણીના અનફીટ સેમ્પલ અને નીલ ક્રલોરીન અંગે છેલ્લા બે વર્ષથી મ્યુનિસિપલ બોર્ડમાં સતત રજુઆત કરવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશ્નરે રોડ રસ્તા સફાઈની માફક પાણી-ડ્રેનેજની લાઈનોની સફાઈ માટે ધ્યાન આપવું જરૂર છે. શેહરના પ૦ ટકા વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા છે. ટાઈફોઈડ, કમળો, ઝાડા-ઉલ્ટી અને કોલેરાનો રોગચાળો કાબુ બહાર  જાય તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી પણ તેમણે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.