Western Times News

Gujarati News

બાવળા તાલુકામાં ૧૨ કરોડના ખર્ચે બનેલી નવી સિવિલ કોર્ટનું ઉદઘાટન

ન્યાય પ્રક્રિયાને ઉત્તમ પ્રકારની બનાવીએ રાજ્ય  સરકારનું અગ્રિમ લક્ષ્ય છે : ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
કાયદા અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું એક સુત્ર રહ્યું છે કે, જો સારું પરિણામ જોઇતું હોય તો સારી સુવિધા અને સગવડ આપવી જોઇએ. એ સુત્રને સાર્થક કરતા આજે બાવળા ખાતે ૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલી સિવિલ કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.  આ પ્રસંગે અમદાવાદ રૂરલના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કે.બી.ગુજરાતી, બાવળાના મુખ્ય સિવિલ જજ શ્રીમતી એસ.પી.ચોપરા, બાવળા બાર એસોસિએશનના પ્રમુખ એચ.એન.ડોડિયા, ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો તેમજ બાવળા બાર એસોસિએશનના પદાધિકારીઓ, હોદ્દેદારો ઉપરાંત વકિલો મોટી ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઘર આંગણે ન્યાય અને ઝડપથી ન્યાય આપવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા આ સિવિલ કોર્ટમાં તમામ પ્રકારની આધુનિક અને સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવી છે, જેથી પક્ષકારોને ઘર આંગણે ઝડપથી ન્યાય મળી શકે.  અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા ખાતે કાયદા અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા હસ્તે અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી વિપુલભાઇ પંચોલીની વિશેષ ઉપસ્થિતિમાં ૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

બાવળાની સિવિલ કોર્ટના સંદર્ભમાં વાત કરતા શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, આ સિવિલ કોર્ટમાં ઉત્તમ પ્રકારની લાઇબ્રેરીથી લઇને બેન્ક અને પોસ્ટ ઓફિસની પણ સુવિધાઓ આપવામાં આવી છે.  શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, દરેક પક્ષકારો એક વિશ્વાસની સાથે ન્યાયમંદિરમાં આવે છે કેમ કે, સમાજ પરિવર્તનમાં ન્યાયમંદિરનું ખુબ મહત્વ રહેલુ છે, ત્યારે સરકારની આ તમામ સુવિધાઓનું પૂરેપુરુ વળતર દરેક પક્ષકારોને મળે તેવો રાજ્ય સરકારનો ઉદ્દેશ રહેલો છે.  આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં ભવિષ્યની પેઢીની આજે ચિંતા કરીને ઉપસ્થિક દરેક મહાનુભાવોને વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનની જાગૃતિ માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, બાવળા તાલુકામાં સિવિલ કક્ષાની સ્માર્ટ અને અત્યંત આધુનિક કોર્ટ જેમાં વિશેષ કોર્ટ રૂમ, કોન્ફરન્સરૂમ, વીડિયો કોન્ફરન્સરૂમ, બાર એસોસિએશના સભ્યોને બેસવાની વિશેષ સુવિધા હોય તેવી કોર્ટના ઉદઘાટન પ્રસંગે હું અત્યંત લાગણી અનુભવું છું. ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, આજે ગુજરાતનો એક પણ તાલુકો એવો નથી જ્યાં કોર્ટ નહીં હોય. બાવળામાં ૧૨ કરોડના ખર્ચે બનેલી આ સિવિલ કોર્ટના માધ્યમથી લોકોને ઝડપી અને ઘર આંગણે ન્યાય મળે તેવો રાજ્ય સરકારનો ઉદ્દેશ સાકાર થશે.  તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, સમયસર ન મળતો ન્યાય તે પણ અન્યાય છે. ત્યારે લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ન્યાય પ્રક્રિયાને ઉત્તમ પ્રકારની બનાવી એ રાજ્ય સરકારનું અગ્રિમ લક્ષ્ય છે અને તેને પરીપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કાયદો અને સ્થિતિ ખુબ સારી છે. જેના કારણે વિશ્વભરના રોકાણકારો ગુજરાતની ઘરતી પર રોકાણ કરવા આતુર છે. ત્યારે આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના કાયદા વિભાગને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આ પ્રંસગે ગૃહરાજ્ય મંત્રીશ્રીએ સ્વચ્છતાનો સંદેશ આપતા કહ્યું હતુ કે, આ કોર્ટ સંકુલ આપણા માટે છે, જેની જાળવણીની જવાબદારી પણ આપણા પોતાની છે. જેથી આ સંકુલનું એવું જતન કરવું જોઇએ કે ઉદઘાટન સમયે જેવું સંકુલ છે એવું સંકુલ જળવાઇ રહે.  બાવળા સિવિલ કોર્ટના ઉદઘાટન પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી વિપુલભાઇ પંચોલીએ જણાવ્યું હતુ કે, દરેક તાલુકામાં આજે ઝડપથી અને ઘર-આંગણે ન્યાય મળે તે ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે દરેક તાલુકા માટે બજેટ ફાળવ્યું છે. બાવળા સિવિલ કોર્ટમાં જે આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે કે, તે દરેક પક્ષકારોને ઉપયોગી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.