Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નવરચિત મંત્રીમંડળના મંત્રીઓનો પરિચય

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેબિનેટ કક્ષાના ૦૮, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૦૨ મંત્રીઓને અને રાજ્યકક્ષાના ૦૬ મંત્રીઓ એમ કુલ ૧૬ મંત્રીઓને આજે હેલિપેડ, ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શપથ લેવડાવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતની ૧૫મી વિધાનસભાના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ભૂપેન્દ્રભાઇ પટેલે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભૂપેન્દ્રભાઇ પટેલ વર્ષ-૨૦૧૭માં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને એક લાખ કરતાં પણ વધુ મતોથી જીત્યા હતા. વર્ષ-૨૦૨૨માં ઘાટલોડિયા મત વિસ્તારમાંથી ૧.૯૨ લાખની જંગી બહુમતીથી જીત મેળવી હતી.

તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને ત્યારબાદ મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે, અમદાવાદ સ્કૂલબોર્ડના વાઇસ ચેરમેન તરીકે, થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને ત્યારબાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે.

તેમની પ્રતિભા કર્મઠ અને નિષ્ઠાવાન સમાજ સેવકની છે. સરદારધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓમાં તેઓ વર્ષોથી યોગદાન આપતા આવ્યા છે. તેઓ આધ્યાત્મિક ગુરુ દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનનો શોખ ધરાવે છે.

રાજ્યના નવરચિત મંત્રી મંડળના મંત્રીઓનો પરિચય આ પ્રમાણે છે.
કેબિનેટ કક્ષાના મંત્રીઓ
(૧) કનુભાઈ મોહનલાલ દેસાઈ
બેઠક નંબરઃ ૧૮૦-પારડી (વલસાડ), જન્મ તારીખઃ ૩જી ફેબ્રુઆરી, ૧૯૫૧ (ઉમરસાડી)
શૈક્ષણિક કારકિર્દીઃ બી.કોમ., એલએલ.બી. (સ્પેશિયલ),
સંસદીય કારકિર્દીઃ બે ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી તથા ૧૪મી વિધાનસભામાં નાણા મંત્રી તરીકે કાર્યરત હતા.
(૨) ઋષિકેશભાઈ ગણેશભાઇ પટેલ
બેઠક નંબરઃ ૨૨ વિસનગર મત વિભાગ (મહેસાણા) જન્મ તારીખઃ તા. ૩૦ ઓક્ટોબર-૧૯૬૧ (ખેરાલુના સુંઢિયા ગામે), શૈક્ષણિક કારકિર્દીઃ ડિપ્લોમા ઈન સિવિલ એન્?જિનિયરિંગ
સંસદીય કારકિર્દીઃ બારમી-તેરમી વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી જ્યારે ૧૪મી ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી તરીકે કાર્યરત હતા.
(૩) રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ
બેઠક નંબરઃ ૭૭-જામનગર (ગ્રામ્ય) મત વિભાગ (જામનગર), જન્મ તારીખઃ તા. ૧લી જૂન, ૧૯૫૮ (મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર), શૈક્ષણિક કારકિર્દીઃ બી.એ.,એલ.એલ.બી.
સંસદીય કારકિર્દીઃ વર્ષ ૧૯૯૦-૯૫માં આઠમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૫-૯૭માં નવમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-૨૦૦૨માં દશમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૭-૧૨માં બારમી ગુજરાત વિધાનસભા અને ૨૦૧૨-૧૭માં તેરમી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા. વર્ષ-૧૯૯૫-૯૬માં ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, રાજ્ય કક્ષાના મંત્રી તરીકે અને ૧૪મી વિધાનસભામાં કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
(૪) બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત
બેઠક નંબરઃ ૧૯-સિદ્ધપુર મતવિભાગ (પાટણ), જન્મ તારીખઃ તા. ૧ મે, ૧૯૬૨, શૈક્ષણિક કારકિર્દીઃ ગ્રેજ્યુએટ
સંસદીય કારકિર્દીઃ એક ટર્મ નગરપાલિકા, બે ટર્મ વિધાનસભા સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.
(૫) કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
બેઠક નંબરઃ ૭૨-જસદણ મતવિભાગ (રાજકોટ), જન્મ તારીખઃ તા. ૧૬ માર્ચ-૧૯૫૫, શૈક્ષણિક કારકિર્દીઃ બી.એસસી., બી.એડ.
સંસદીય કારકિર્દીઃ વર્ષ ૧૯૯૫-૯૭માં નવમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-૨૦૦૨માં દસમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૨-૦૭મા અગિયારમી ગુજરાત વિધાનસભા, ર૦૦૭-૧૨માં બારમી ગુજરાત વિધાનસભા સભ્ય અને ૨૦૦૯-૧૪માં પંદરમી લોકસભાના સભ્ય તરીકે સેવા આપી છે. ૧૪મી વિધાનસભામાં પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહનિર્માણ મંત્રી તરીકે કાર્યરત હતા.
(૬) મુળુભાઈ હરદાસભાઈ બેરા
બેઠક નંબરઃ ૮૧-જામખંભાળિયા મત વિભાગ (દેવભૂમિ દ્વારકા), જન્મ તારીખ ઃ ૨૩ માર્ચ, ૧૯૬૫, શૈક્ષણિક કારકિર્દીઃ ધો. ૧૨ પાસ
સંસદીય કારકિર્દીઃ ચાર ટર્મ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખ, પૂર્વ ચેરમેન અને પૂર્વ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.
(૭) કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર
બેઠક નંબરઃ ૧૨૩-સંતરામપુર (મહિસાગર), જન્મ તારીખઃ તા. ૦૧ જૂન ૧૯૭૦ (મહિસાગર જિલ્લાના, સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે), શૈક્ષણિક કારકિર્દીઃ એમ.એ., પીએચ.ડી
સંસદીય કારકિર્દીઃ વર્ષ-૨૦૧૪-૧૭માં વનવિકાસ નિગમના ચેરમેન, આદિજાતિ મોરચાના મહામંત્રી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી છે.
(૮) ભાનુબહેન મનોહરભાઈ બાબરીયા
બેઠક નંબરઃ ૭૧-રાજકોટ ગ્રામ્ય મત વિભાગ (રાજકોટ), જન્મ તારીખઃ તા. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૭૫ શૈક્ષણિક કારકિર્દીઃ બી.એ., એલ.એલ.બી.
સંસદીય કારકિર્દીઃ કાઉન્સિલર અને બે ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)
(૯) હર્ષભાઈ રમેશકુમાર સંઘવી
બેઠક નંબરઃ ૧૬૫-મજૂરા મત વિભાગ (સુરત શહેર), જન્મ તારીખઃ તા. ૮ જાન્યુઆરી-૧૯૮૫ (સુરત), શૈક્ષણિક કારકિર્દીઃ મેટ્રિક
સંસદીય કારકિર્દીઃ રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપપ્રમુખ, ૧૩મી વિધાનસભાના સભ્ય અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી, રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ, નશાબંધી, આબકારી, જેલ તથા સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો) વિભાગના મંત્રી તરીકે સેવા આપી હતી.
(૧૦) જગદીશભાઇ ઇશ્વરભાઇ વિશ્વકર્મા
બેઠક નંબરઃ ૪૬-નિકોલ મતવિભાગ(અમદાવાદ શહેર), જન્મ તારીખઃ તા. ૧૨ ઓગસ્ટ ૧૯૭૩ (અમદાવાદ), શૈક્ષણિક કારકિર્દીઃ એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગ (સર્ટિફિકેટ કોર્સ).
સંસદીય કારકિર્દીઃ ત્રણ ટર્મ વિધાનસભાના સભ્ય તથા ૧૪મી ગુજરાત વિધાનસભામાં કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન-પર્યાવરણ, છાપકામ અને લેખન સામગ્રીના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી.

રાજ્યકક્ષાના મંત્રીઓ

(૧૧) પરસોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી
બેઠક નંબરઃ ૧૦૩-ભાવનગર (ગ્રામ્ય) મતવિભાગ (ભાવનગર) , જન્મ તારીખઃ તા. ૨૩મી મે, ૧૯૬૧, શૈક્ષણિક કારકિર્દીઃ ઈલે. એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
સંસદીય કારકિર્દીઃ ૧૦મી વિધાનસભામાં ચૂંટાયા બાદ તા. ૧૩મી માર્ચ ૧૯૯૮થી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ અગિયારમી અને બારમી વિધાનસભામાં પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે. ૧૪મી વિધાનસભામાં તેઓએ મત્?સ્?યોદ્યોગના મંત્રી તરીકે સેવા આપી હતી.
(૧૨) બચુભાઈ મગનભાઈ ખાબડ
બેઠક નંબરઃ ૧૩૪-દેવગઢ બારીયા (દાહોદ), જન્મ તારીખઃ તા.૧લી એપ્રિલ-૧૯૫૫ (ધાનપુર તાલુકાના પીપેરો ગામ), શૈક્ષણિક કારકિર્દીઃ એસ.વાય.બી.એ.
સંસદીય કારકિર્દીઃ વર્ષ-૨૦૦૨ થી ૨૦૦૭માં ૧૧મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવાઓ આપી છે. ૧૩મી વિધાનસભામાં વર્ષ-૨૦૧૪થી મત્સ્યોદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી રહ્યા હતા. ૧૪મી ગુજરાત વિધાનસભામાં ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્ય મંત્રી તરીકે સેવા આપી છે.
(૧૩) મુકેશભાઇ ઝીણાભાઇ પટેલ
બેઠક નંબરઃ ૧૫૫-ઓલપાડ મત વિભાગ (સુરત), જન્મ તારીખઃ તા. ર૧ માર્ચ, ૧૯૭૦ (સુરત)
શૈક્ષણિક કારકિર્દીઃ એચ.એસ.સી., ડ્રાફ્ટ્‌સમેન સિવિલ સુધીનો અભ્યાસ
સંસદીય કારકિર્દીઃ ૧૩મી વિધાનસભાના સભ્ય અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી છે.
(૧૪) પ્રફુલ્લભાઈ છગનભાઈ પાનસેરિયા
બેઠક નંબરઃ ૧૫૮-કામરેજ મતવિભાગ (સુરત), જન્મ તારીખઃ તા. ૧ જૂન, ૧૯૭૧ શૈક્ષણિક કારકિર્દીઃ એમ.એ. પોલિટિકલ
સંસદીય કારકિર્દીઃ બે ટર્મ કાઉન્સિલર અને એક ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
(૧૫) ભીખુસિંહ ચતુરસિંહ પરમાર
બેઠક નંબરઃ ૩૧-મોડાસા મત વિભાગ (અરવલ્લી), જન્મ તારીખઃ તા. ૧ જૂન, ૧૯૫૪ , શૈક્ષણિક કારકિર્દીઃ ઓલ્ડ એસ.એસ.સી.
સંસદીય કારકિર્દીઃ સાબર ડેરીના પૂર્વ ડાયરેકટર રહી ચૂક્યા છે.
(૧૬) કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ
બેઠક નંબરઃ ૧૫૭-માંડવી મત વિભાગ (સુરત), જન્મ તારીખઃ તા. ૧ જૂન, ૧૯૬૭ શૈક્ષણિક કારકિર્દીઃ એમ.એ., બી.એડ.,
સંસદીય કારકિર્દીઃ એક ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.