Western Times News

Gujarati News

હવે હક્કપત્રકમાં  વારસાઇ નોંધ ઓનલાઇન અરજી કરી શકાશે

પંચમહાલ જિલ્લામાં મહેસુલ તંત્ર દ્વારા અમલીકરણનો પ્રારંભ,  વારસાઇ નોંધ માટે ઓનલાઇન પ્રક્રીયા અનુસરવા ખેડૂતોને અપીલ [email protected]

ગોધરા, રાજ્ય સરકારે જમીન દફતરના ગામ નમૂના નંબર ૬માં વારસાઇ નોંધની અરજી કરવાની ઓનલાઇન પ્રક્રીયા અમલમાં મૂકી છે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રીયા એકદમ સરળ છે, જેનાથી ખેડૂતોને મામલતદાર કચેરીએ આવવાની જરૂર પડશે નહીં. પંચમહાલ જિલ્લામાં આ સુવિધાનો પ્રારંભ થઇ ચૂક્યો છે.

અત્યાર સુધી એવી વ્યવસ્થા અમલમાં હતી કે, ખાતેદારના મૃત્યુ બાદ વારસાઇ નોંધની અરજી અરજદાર દ્વારા નિયત કરેલ અરજી ફોર્મમાં જરૂરી પુરાવા જેવા કે મૃત્યુ પ્રમાણપત્ર તથા તલાટીશ્રી રૂબરૂનું પેઢીનામું તથા સહકબજેદારોના સોંગદનામા સાથે ઇ-ધરા કેન્દ્રમાં રજુ કરવું પડતું હતું. હવે ઇ-ધરા કેન્દ્ર ખાતે વારસાઇ ફેરફાર નોંધની ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા દાખલ કરી છે. જેથી તમામ ખેડૂત ખાતેદારોને આ કાર્યપધ્ધતિ અનુસરવા  પંચમહાલ મહેસુલી તંત્રએ અપીલ કરી છે.

ઓનલાઇન પદ્ધતિ સાવ સરળ છે. જેમાં વારસાઇ ફેરફાર નોંધની અરજી ઓનલાઇન કરવા આ મુજબની કાર્યપધ્ધતિ અનુસરવાની રહેશે. અરજદારે વારસાઇ નોંધ માટે [email protected] વેબસાઇટ પર અરજીના પ્રકારમાં ઓનલાઇન વારસાઇ નોંધ માટેની અરજી એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અરજીમાં જણાવેલ તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે. IORA સાઇટ પર ગુજરાતી શ્રૃતિ ફોન્ટની વિગતો જણાવેલ છે.

સહીવાળી અરજી સાથે મરણનું પ્રમાણપત્ર અને મરણ પામનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે તથા અરજી સબમિટ કર્યા તારીખથી મહત્તમ ૧૫ દિવસમાં અસલ દસ્તાવેજો, જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરવાના રહેશે. અરજી સાથે ૭/૧૨, ૮/અ જેવા અન્ય કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના નથી. જો કોઇ ચોક્કસ કિસ્સા માટે કોઇ કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.

ઉક્ત તમામ વિગતોની ડેટા એન્ટ્રી કરી તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમિટ કરવાથી અરજદારની અરજી કાચી નોંધ સ્વરૂપે લોક થશે. મરણ પામનાર અને તેમના વારસોની વિગત સાથેની સ્ક્રિપ્ટ સાથે જે તે ગામના ઓનલાઇન હકપત્રકે કાચી નોંધનો નંબર જનરેટ થશે. અરજદાર તથા અરજી મુજબના હક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજુ કરી હશે તો તે તમામને વારસાઇની કાચી નોંધ બાબતે નિયત એસએમએસ જશે.

ત્યાર બાદ ઇ ધરા કેન્દ્ર દ્વારા કાર્યવાહી કરવાની રહેશે જેમાં ઓનલાઇન વારસાઇ નોંધ ઓટો મ્યુટેશન રજિસ્ટરમાં દેખાશે. ઇ ધરા નાયબ મામલતદારે ઓટો મ્યુટેશન રજીસ્ટર પરથી, મરણના પ્રમાણપત્ર તથા પેઢીનામાની નકલની તથા અરજીની પ્રિન્ટ મેળવવાની રહેશે. જે તે ખાતાની ૮/અ અને ૭/૧૨ની પ્રિન્ટ પોતાના લોગિનમાંથી મેળવવાની રહેશે. અરજદાર દ્વારા મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામું અને અસલ અરજી રજુ થયેથી ઓનલાઇન રિસિવ કરવાના રહેશે. જેથી અરજદારને એસએમએસ થી જાણ થઇ શકે.

જો અરજી સબમિટ કર્યાની તારીખથી દિન-૧૦ સુધી અરજદાર દ્વારા મરણનું પ્રમાણપત્ર અને પેઢીનામું તથા સહીવાળી અસલ અરજી રજુ કરવામાં ન આવે તો અગિયારમાં દિવસે આ વિગત દર્શાવતો સિસ્ટમ જનરેટ એસએમએસ જાય તે વ્યવસ્થા NIC દ્વારા કરવાની રહેશે. મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામું રજુ થયેથી નાયબ મામલદાર ઇ.ધરાએ પોતાના લોગિનમાં ઓનલાઇન રિસિવ કરીને નોંધનો નિર્ણય કરનાર સક્ષમ અધિકારીને સોંપીને તે આપ્યા બદલની પહોચ મેળવી લેવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.