Western Times News

Gujarati News

ઉત્તરાયણમાં ઘાયલ થયેલા કુલ 9523 પક્ષીઓને સારવાર અપાઇ 

કરુણા અભિયાનમાં સહભાગી થયેલી એન.જી.ઓ, સ્વયંસેવકો અને તબીબોને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત ૧૦ થી ૧૬ જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પ્રવક્તા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, કરૂણા અભિયાન-૨૦૨૩માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે તબીબો તથા 8 હજારથી વધારે સ્વયંસેવકોએ ખડેપગે કાર્યરત રહીને પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ઉપરાંત 333 જેટલી એન.જી.ઓ.એ વન વિભાગ સાથે મળીને આ કામગીરી વધુ સરળ બનાવી છે.

શ્રી ઋષિકેશ પટેલે કરુણા અભિયાનની કામગીરીમાં જોડાયેલા સૌ સ્વયંસેવકો તથા તબીબોની સેવાને બિરદાવતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનમાં સહભાગી થયેલી એન.જી.ઓ, સેવાભાવી સંસ્થાઓ અને તબીબોનું તેમની ઉમદા કામગીરી માટે પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.