Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: રાજયભરમાં ઉતર-પૂર્વનાં પવનો ફુંકાઈ રહ્યા છે જેનાં કારણે રાતે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમે-ધીમે સૌરાષ્ટ્રભરમાં પણ તાપમાન ઘટી રહ્યું છે અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી પુરેપુરી શકયતા સેવાઈ રહી છે. હજુ પણ આગામી દિવસોમાં ઉતર તરફનાં પવન ફુંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આજે કચ્છનું નલીયા ૧૩.૬ ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે અને રાજયમાં ડિસાનું તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું છે.

રાજકોટમાં પણ તાપમાનનો પારો ગઈકાલ કરતા ૧ ડિગ્રી નીચો પટકાતા વહેલી સવારે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી ઠંડનો અહેસાસ લોકોએ કર્યો હતો.

આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭.૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫ કિલો મીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮ઃ૩૦ કલાકે શહેરનું તાપમાન ૨૧.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. ગઈકાલનું મહતમ તાપમાન ૩૧.૪ ડિગ્રી નોંધાયું હતું જે આજની સરખામણીએ લઘુતમ તાપમાનમાં ૧ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા વહેલી સવારે અને મોડીરાત્રે લોકોએ ઠંડીનો અહેસાસ અનુભવ્યો હતો.

સવારે ગરમ કપડા ધારણ કરવા પડે તેવી ઠંડી જોવા મળી હતી. કચ્છનાં નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૩.૬ ડિગ્રી સાથે નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં આજ સવારનું મહતમ તાપમાન ૨૧.૪ અને મીનીમમ તાપમાન ૧૭.૮ ડિગ્રી સેલશીયસ નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા તેમજ પવનની સરેરાશ ઝડપ ૨ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.

ગુજરાતમાં શિયાળાની ઠંડીનો અહેસાસ ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ થતો હોય છે. પવનની દિશા બદલાતાની સાથે એક સપ્તાહમાં રાજયમાં લઘુતમ તાપમાનનો પારો ૫ ડિગ્રી ગગડયો છે. આ મામલે હવામાન વિભાગનાં ડિરેકટરે જણાવ્યું હતું કે, શિયાળાની ઠંડનો અહેસાસ ધીમે-ધીમે થવા લાગશે અને જેમ-જેમ ડિસેમ્બર નજીક આવશે તેમ ઠંડીનો પાર વધશે અને ઉતર ગુજરાત અને મધ્યમ ગુજરાતનું તાપમાન નીચું રહેશે.

આજે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ૧૭.૮ અને ડિસાનું તાપમાન ૧૫ ડિગ્રી, સુરતનું ૧૯.૭ ડિગ્રી, રાજકોટનું ૧૭.૧, નલીયાનું લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નીચે નોંધાયું છે. આ ઉપરાંત ભાવનગરનું લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી, પોરબંદરનું ૧૮.૯ ડિગ્રી, વેરાવળનું ૨૦.૧ ડિગ્રી, દ્વારકાનું ૨૦.૧ ડિગ્રી, ઓખાનું ૨૨.૬ ડિગ્રી, ભુજનું ૧૭ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૮ ડિગ્રી, ગાંધીનગરનું ૧૬ ડિગ્રી, મહુવાનું ૧૫.૫ ડિગ્રી, દિવનું ૧૭.૫ ડિગ્રી, વલસાડનું ૧૯ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. શિયાળાનાં ઠંડા પવનની અસર તાપમાન પર જોવા મળી છે અને કાલથી ઠંડીનું જોર હજુ વધુ તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.