Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કઠલાલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

૭૪માં ગણતંત્ર દિન નિમિતે “રક્તદાન એજ મહાદાન” હેતુથી કઠલાલમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

નડિયાદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કઠલાલમાં રોયલ એકેડેમી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

રોયલ એકેડેમી અને રોયલ ગેસ એજન્સીના નિયામક સૈફ ખોખર દ્વારા રાષ્ટ્રના ૭૪ માં ગણતંત્ર દિવસ
નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, નડિયાદના સહયોગથી દેશની સેવામાં યશસ્વી યોગદાન આપવાના ઉમદા તેમજ ગૌરવપૂર્ણ હેતુથી રક્તદાન એજ મહાદાનના ઉદ્દેશથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં ૪૦થી પણ વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતું. તેમજ રકતદાન કરનાર સૌ
રક્તદાતાઓને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમાણપત્ર તેમજ ભેટ આપવામાં આવી હતી.આ કેમ્પમાં એક નવીન પહેલ સ્વરૂપે રક્તદાતા સિગ્નેચર કેમ્પેઇનનું પણ આયોજન કરાયું હતું.

જેમાં રક્તદાતાઓએ રકતદાન અંગેની જાગૃતિ અંગેના સંદેશ લખી હસ્તાક્ષર કર્યા હતા. તેમજ તમામ રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજમાં રક્તદાન અંગે સંદેશો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં કઠલાલ નગરના તેમજ આસપાસના ગામડાનાં રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers