Western Times News

Gujarati News

જર્મની, ઇટલી, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ નેતાઓ PM મોદીને મળશે

નવીદિલ્હી,દુનિયાના ૩ મોટા નેતા આગામી કેટલાંક દિવસોમાં ભારતના પ્રવાસે આવવાના છે. તેમાં સૌથી પહેલાં ૨૫-૨૬ ફેબ્રુઆરીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારત આવશે. જેના પછી ૨ માર્ચે ઈટલીના નવા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની ભારતનો પ્રવાસ કરશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ ભારતના પોતાના પહેલા પ્રવાસે ૮ માર્ચે નવી દિલ્લી પહોંચશે. Veteran leaders of Germany Italy Australia will meet PM Modi

ડિસેમ્બર ૨૦૨૧માં જર્મનીના ચાન્સેલરનો ચાર્જ સંભાળ્યા પછી સ્કોલ્ઝની આ પહેલી ભારત યાત્રા છે. જેમાં તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને વીતેલા દિવસોમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના ભારત પ્રવાસની જાણકારી આપી હતી. જેમાં તે પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી બે વખત જર્મનીનો પ્રવાસ કરી ચૂક્યા છે. આથી ઓલાફે ભારત આવવાનો ર્નિણય કર્યો છે. આ દરમિયાન અનેક મુદ્દા પર તેમની સાથે વાતચીત કરશે.

ઈટલીના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની ૨ માર્ચે નવી દિલ્લી આવશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યા પછી મેલોનીની આ પહેલી ભારત યાત્રા છે. આ યાત્રામાં મેલોની પીએમ મોદી સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે બંને દેશ વેપાર અને રક્ષા સંબંધોને વધારે મજબૂત કરવા ઉપરાંત આતંકવાદ સામે લડાઈ સહિત પોતાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વાતચીત કરશે.

૮ માર્ચે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ પોતાના પહેલા ભારત પ્રવાસે આવશે. જેમાં તે ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. ગયા વર્ષના અંતમાં ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલ જી-૨૦ સમિટમાં બંને રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત થઈ હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પોતાની ભારત યાત્રાની જાહેરાત કરતાં કહ્યું હતું કે હું માર્ચ મહિનામાં ભારતના પ્રવાસે આવીશ. અમે એક બિઝનેસ પ્રતિનિધિ મંડળની સાથે ભારત આવીશું.આ એક મહત્વપૂર્ણ યાત્રા હશે અને અમારા બે દેશોની વચ્ચે સંબંધોમાં સુધારો થશે.

આ રાષ્ટ્રાધ્યક્ષો સિવાય ભારતની અધ્યક્ષતામાં જી-૨૦ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ૧-૨ માર્ચે દિલ્લીમાં થશે. આ બેઠકમાં રશિયા, અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત જી-૨૦ના સભ્ય દેશોના વિદેશ મંત્રી ભાગ લેશે અને ભારતની અધ્યક્ષતામાં જી-૨૦ સાથે જાેડાયેલા મુદ્દા પર ચર્ચા કરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.