Western Times News

Gujarati News

રાયણવાડિયા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ઘર-આંગણે વ્યક્તિલક્ષી સહાય

વિધવા સહાય યોજનાના 47 લાભાર્થીઓને પાસબુકનું વિતરણ,

1838 અરજીઓનો હકારાત્મક નિકાલ  

ગોધરા: રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે સેવા સેતુના પાંચમાં તબક્કાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના રાયણવાડિયા ગામે ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.  વહીવટીતંત્ર દ્વારા અપાતી 57 પ્રકારની સેવાઓ એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ કરાવાતા નાગરિકોએ મોટી સંખ્યામાં તેનો લાભ લીધો હતો અને અરજદારોના  વ્યક્તિલક્ષી પ્રશ્નો અને અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

રાયણવાડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી આવક/જાતિના દાખલા, જન્મ-મરણના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા/કમી કરવા, ૭/૧૨ – ૮-અ ઉતારા, વિધવા સહાયના ખાતા, વયવંદના અને પ્રધાનમંત્રી આવાસયોજના, લર્નિંગ લાઈસન્સ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના, બેંક ધિરાણ યોજના સહિત વિવિધ વ્યક્તિલક્ષી  યોજનાઓના લાભો મેળવ્યા હતા.

આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિધવાસહાયના 47 લાભાર્થીઓને પાસબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે તાલુકાપંચાયત હાલોલ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પર્યાવરણ ફ્રેન્ડલી ૨૦૦ થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.