Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં બુધવારે બહુમતી પુરવાર કરવા સુપ્રીમનો આદેશ

સૌ પ્રથમ ધારાસભ્યોની સોગંધવિધિ કરાવાશે : પ્રોટેમ સ્પીકર જ ફલોર ટેસ્ટ કરાવશે : બહુમતી પુરવાર કરવાની સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ અને ગુપ્ત મતદાન નહીં કરવા સુપ્રીમનો નિર્દેશ  

નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી રાજકીય ગતિવિધિ અને કાયદાકીય જંગ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી રાજયપાલના નિર્ણયને રદ કરી આવતીકાલ તા.ર૭મી બુધવારના રોજ મુખ્યમંત્રી પદના સોગંદ લેનાર ભાજપના ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી પદના સોગંધ લેનાર અજીત પવારને બહુમત પુરવાર કરવાનો આદેશ આપ્યો છે આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવા ઉપરાંત ગુપ્ત મતદાન નહી કરવા માટે જરૂરી નિર્દેશો આપતા જ મહારાષ્ટ્રમાં ચાલતી અટકળોનો અંત આવી ગયો છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળી હતી પરંતુ શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગણી કરતા ગઠબંધન તૂટી ગયુ હતું અને ત્યારબાદ સરકાર રચવા માટે રાજયપાલે ક્રમશઃ ભાજપ, શિવસેના અને એનસીપીને આમંત્રણ આપ્યું હતું પરંતુ એક પણ પક્ષ સરકાર રચવા માટે સક્ષમ નહી હોવાથી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું હતું ત્યારબાદ બે દિવસ પહેલા જ વહેલી સવારે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ તથા એનસીપીના વિધાનસભા પક્ષના નેતા અજીત પવારે સંયુકત રીતે ૧૭૦ ધારાસભ્યોની સહી સાથેનો પત્ર રાજયપાલને સુપ્રત કરી સરકાર રચવાનો દાવો કર્યો હતો જેના પગલે રાજયપાલે બંનેને શપથ લેવડાવી રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું હતું આ ઘટનાક્રમ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં.

રાજયપાલના આ નિર્ણય સામે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિટ કરવામાં આવી હતી છેલ્લા બે દિવસથી સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી સુપ્રીમકોર્ટના ત્રણ જજાની બેંચ સમક્ષ આ સમગ્ર દલીલો થઈ હતી.

ગઈકાલે રાજયપાલ વતી સોલીશીટર જનરલે પણ સરકાર રચવા માટે રજુ કરવામાં આવેલા દસ્તાવેજા સુપ્રીમકોર્ટમાં રજુ કર્યા હતાં ત્યારબાદ ભાજપના વકિલે પણ ઉગ્ર દલીલો કરી હતી. ગઈકાલે સુપ્રીમ કોર્ટની ત્રણ જજાની બેંચે દલીલો સાંભળ્યા બાદ આ કેસનો ચુકાદો તા.ર૭મીના રોજ એટલે કે આજે આપવાની જાહેરાત કરી હતી જેના પગલે સવારથી જ સુપ્રીમકોર્ટની કાર્યવાહી પર તમામની નજર મંડાયેલી હતી.

સુપ્રીમકોર્ટમાં આજે સવારે ૧૦.૩૦ વાગ્યે કોર્ટની કાર્યવાહીનો પ્રારંભ થતાં જ ત્રણેય જજાની બેંચે આ કેસ પર ચુકાદો આપવાની શરૂઆત કરી હતી સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની સોગંધવિધિ માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવેલા તમામ ધારાસભ્યોના આવતીકાલે સાંજે પ.૦૦ વાગ્યા સુધીમાં સોગંધવિધિ પૂર્ણ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશથી સોગંધવિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુપ્રીમકોર્ટે ત્યારબાદ એનસીપી અને શિવસેનાએ કરેલી અરજી પર વધુ સુનવણી શરૂ કરી હતી. સુપ્રીમકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવતીકાલે જ સાંજે પ.૦૦ વાગ્યા સુધીમાં ધારાસભ્યોની સોગંધવિધિ પૂર્ણ થયા બાદ તુરંત જ બહુમતી પુરવાર કરવામાં આવે.

રાજયપાલે અગાઉ ફડણવીસ અને અજીત પવારને બહુમતી પુરવાર કરવા માટે તા.૩૦ નકકી કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે આજે રાજયપાલના આ નિર્ણયને ફેરવી નાંખ્યો હતો જેના પગલે હવે આવતીકાલે તા.ર૭મીના રોજ ફલોર ટેસ્ટ થશે. સુપ્રીમકોર્ટે આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા રીતે થાય તે માટે તમામ પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવામાં આવે.

સાથે સાથે ફલોર ટેસ્ટમાં ગુપ્ત મતદાન ન થવું જાઈએ. સુપ્રીમકોર્ટના આ મહત્વપૂર્ણ આદેશના પગલે હવે મહારાષ્ટ્રમાં આજે રાજકીય ગતિવિધિ ખૂબ જ તેજ બની જશે. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવતીકાલની આ પ્રક્રિયામાં સ્પીકરની ચુંટણી નહી થાય અને પ્રોટેમ સ્પીકર જ ફલોર ટેસ્ટ કરાવશે. સુપ્રીમકોર્ટના આ આદેશથી કોંગ્રેસ અને શિવસેનાની છાવણીમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે જાકે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગતિવિધિ ખૂબ જ તેજ બની હતી અને હવે સુપ્રીમ કોર્ટના આદેશથી આજનો દિવસ ખૂબ જ કટોકટી ભર્યો બની રહેશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.