Western Times News

Gujarati News

ગુજરાત અને કર્ણાટક ભાજપની સરકાર હોવા છતાં દૂધની બ્રાન્ડ માટે રાજકારણ ખેલાયું

કર્ણાટકમાં દૂધ પણ રાજકીય રંગે રંગાઈ ગયું-અમુલે કર્ણાટક એન્ટ્રી મારતાં વિવાદ-દૂધની બ્રાન્ડ નંદિની કન્નડ સમુદાયની ઓળખ 

(એજન્સી) ગુજરાત અને કર્ણાટક બંનેમાં ભાજપની સરકાર હોવા છતાં બંને રાજયો નામાંકિત દૂધની બ્રાન્ડ માટે બાખડી પડ્યાં છે. ગુજરાતની અમુલ અને કર્ણાટકની નંદિની બ્રાન્ડ (કેએમએફ- કર્ણાટક મિલ્ક ફેડરેશન) વચ્ચે વિવાદ ખાસ તો એટલા માટે વકર્યો છે કે કર્ણાટકમાં ચૂંટણીનું વાતાવરણ જામેલું છે. Even though Gujarat and Karnataka were BJP governments, politics was played for milk brands

અમુલ અને નંદિની વચ્ચેની કોલ્ડ વોર હવે સામસામે શિંગડા ભરાવવા સુધી પહોંચી ગઈ છે. કર્ણાટકના દૂધ ઉત્પાદકોના ભાવ રાતોરાત વધી ગયા છે. અમુલ- નંદિનીનો વિવાદ કર્ણાટકની ૧ર૦ બેઠકો પર પ્રભાવ પાડી શકે છે. ગુજરાતમાં જેમ અમુલ બ્રાન્ડ લોકપ્રિય છે એમ કર્ણાટકમાં નંદિની બ્રાન્ડનું ચલણ છે.

અહીં દૂધ પણ રાજકીય રંગે રંગાઈ ગયું છે. કર્ણાટકમાં ર૪ લાખ જેટલા દૂધ ઉત્પાદકો વોકાલિગા બેલ્ટમાંથી આવે છે. આ બેલ્ટ પર કોંગ્રેસ અને જનતાદળ (એસ)નું પ્રભુત્વ છે. રાજકીય ગણિતમાં વોકાલિગાના વોટ મહત્વ ધરાવે છે. હવે જાે ગુજરાત મિલ્ક ફેડરેશનની બ્રાન્ડ અમુલ કર્ણાટકમાં એન્ટ્રી લે તો વોકાલિગા સમુદાય સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોને ફટકો પડી શકે છે. ચૂંટણી ટાણે આવો ફટકો ભાજપને પણ ફટકો મારી શકે છે.

કર્ણાટકમાં અમુલને એન્ટ્રી આપનાર ભાજપ છે. કર્ણાટકમાં ભાજપ સત્તા પર છે. આ વખતે વિપક્ષો એક થઈને ભાજપ પાસેથી કર્ણાટક આંચકી લેવા પ્રયાસ કરી રહ્યા છે. અમૂલની એન્ટ્રી ભાજપ માટે એક્ઝિટ બની જાય તેવા પ્રયાસમાં વિપક્ષો વ્યસ્ત છે.
કર્ણાટકની દૂધની બ્રાન્ડ નંદિની એ કન્નડ સમુદાયની ઓળખ સમાન છે.

કોંગ્રેસ પાસે આ મુદ્દો મફતમાં આવ્યો છે. કો-ઓપરેટીવ ડિપાર્ટમેન્ટ વગર કોઈ મર્જર શક્ય નથી. વિવાદ ત્યારે શરૂ થયો હતો જયારે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે બે-ચાર મહિનામાં અમૂલ અને નંદિની એક થઈ જશે એટલે કર્ણાટકના દરેક ગામમાં ડેરી ઉભી થઈ શકશે. કોંગ્રેસના નેતા સિદ્ધાર મૈયાએ કહ્યું હતું કે કર્ણાટકની બોમ્માઈ સરકાર આપણા રાજયના ગૌરવ સમાન બ્રાન્ડ નંદિનીને ખતમ કરી દેવા માંગે છે. દૂધ ઉત્પાદકોના ભોળપણનો લાભ ઉઠાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એમ કહી શકાય.

આ આક્ષેપ સાથે જ ભાજપ સરકાર ખુલાસા સાથે મેદાનમાં આવી હતી. તેણે કહ્યું કે અમુલ અને નંદિની બ્રાન્ડ સાથે જાેડી દેવાનો કોઈ નિર્ણય નથી લેવાયો. અમુલના મુદ્દાને રાજકીય મુદ્દા તરફ ખેંચી જવાનો કારસો ખોટો છે એમ પણ ભાજપે કહ્યું છે.
હકીકત એ છે કે નંદિની કરતાં અમુલના ભાવ વધુ છે.

અમુલ પ૭ રૂપિયા લીટર છે, તો નંદિની ૩૯ રૂપિયે લીટર છે. આ સ્થિતિમાં કોઈ નાગરિક લીટરે ૧૮ રૂપિયા વધુ આપીને અમૂલ દૂધ ના ખરીદે તે સ્વાભાવિક છે, પરંતુ રાજકારણમાં સળગતા મુદ્દાઓની જરૂર હોય છે. લોકોની સંવેદનાઓને જીતવાના પ્રયાસ થતા હોય છે.

કર્ણાટકના એક પ્રધાને વિગતો આપતાં કહ્યું છે કે કર્ણાટક મિલ્ક ફેડરેશનનું ટર્ન ઓવર ર૦થી રર હજાર કરોડ રૂપિયા છે. અમુલનું ટર્ન ઓવર પપ હજાર કરોડ રૂપિયાનું છે, જે ર૦રપમાં એક ટ્રિલિયન પર પહોંચી શકે છે. રાજકુમાર, ઉપેન્દ્ર, પુનિત રાજકુમાર વગેરે જેવા દક્ષિણના ફિલ્મી ચહેરા કેએમએફના બ્રાન્ડ એમ્બેસેડર છે. દરમ્યાન કોંગ્રેસના શશી થરૂરે પણ નંદિની બ્રાન્ડ માટે ચિપીયો પછાડયો છે કે આપણે આપણા રાજયની બ્રાન્ડ માટે એક થવું પડશે.

ગુજરાતમાં રાજકીય સમીક્ષકો માને છે કે અમુલનો વિવાદ ઉભો કરવા પાછળ ખુદ ભાજપના જ ભેજા કામ કરી રહ્યાં છે. કર્ણાટકમાં ભાજપ સરકાર સામે ખાસ કરીને યેદુઆરપ્પા સામે ભ્રષ્ટાચારના ઢગલો આક્ષેપો છે. યેદુઆરપ્પાને ભાજપ ફરી આગળ કરી રહ્યું છે અને તેમના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ રહી છે.

કોંગ્રેસની નજર અમુલ વિરૂધ્ધ નંદિનીના વિવાદ પર ચીટકી રહે એવો પ્લાન કરાયો છે. કર્ણાટકની ચૂંટણી ભાજપ અને વિપક્ષ બંને માટે ખરાખરીનો ખેલ સમાન છે. જાે ભાજપ જીતી જશે તો એના માટે આ વર્ષે થનારો તેલંગાણાનો વિધાનસભાનો જંગ જીતવો પ્રમાણમાં આસાન બનશે. જાે વિપક્ષ જીતશે તો તે વધુ સંગઠિન બનીને ર૦ર૪ના લોકસભા જંગમાં મોદી સરકારને ઉથલાવવા પ્રયાસો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.