Western Times News

Gujarati News

અંગદાન ક્ષેત્રે ગુજરાતની અપ્રતિમ સિદ્ધિ: “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં એવોર્ડ મળશે

રાજ્ય સરકારની SOTTO (State Organ Tissue Transplant Organization) સંસ્થાને અંગદાન ક્ષેત્રે નવીનીકરણ પહેલ માટે પ્રધાનમંત્રી એવોર્ડ મળશે

૨૧ મી એપ્રિલે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે SOTTO ને

SOTTO સંસ્થા કાર્યરત થયાના ૪ વર્ષમાં ૧૦૫૦ થી વધુ અંગોનું દાન મળ્યુ

SOTTO હેઠળ છેલ્લા ચાર વર્ષમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ ૩૪૦૦ થી વધુ અંગોના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા

ગુજરાતની અંગદાન ક્ષેત્રની સેવાકીય પ્રવૃતિઓની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચી છે.

કેન્દ્ર સરકાર દ્વારા મળેલ પત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારના SOTTO (State Organ Tissue Transplant Organization) સંસ્થાને અંગદાન ક્ષેત્રના નવીનીકરણ પહેલ માટે પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે. Gujarat’s achievement in the field of organ donation

૨૧ મી એપ્રિલ સિવિલ સર્વિસીઝ ડે ના ઉપલક્ષ્યમાં નવી દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે SOTTO ને  “ઇનોવેશન સ્ટેટ”  કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું કે,રાજ્ય સરકારના SOTTO એકમ દ્વારા વર્ષ ૨૦૧૯ થી રાજ્યમાં અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.

આ સિધ્ધી અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે દિવસ – રાત અથાગ પરિશ્રમ અને મહેનત કરીને જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં સેવારત તબીબો સાથેના તમામ સ્ટાફ ને સમર્પિત છે.

રાજ્યના SOTTO એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં આ એવોર્ડ એનાયત થનાર છે. SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯ થી કાર્યરત SOTTO ના પ્રયાસોથી  છેલ્લા ૪ વર્ષોમાં ૩૫૪ અંગદાતાઓ દ્વારા મળેલા ૧૦૭૮ અંગોને જરૂરિયાતમંદોમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.

વધુમાં SOTTO દ્વારા લાઇવ અને અંગદાનમાં મળેલ કેડેવર જોઇએ તો અત્યાર સુધીમાં કુલ ૩૪૦૯ કેડેવરનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે તેમ ડૉ.મોદીએ ઉમેર્યું હતું.

રાજયમાં હાલ ખાનગી અને સરકારી મળીને કુલ ૧૦૨ જેટલી હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ એટલે કે અંગદાનની પ્રક્રિયા માટે રજીસ્ટર થયેલ છે. SOTTOની આ પહેલના પરિણામે “ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં” એવોર્ડ એનાયત થશે………..

વર્ષ 2019માં SOTTO  દ્વારા G-DOT (Gujarat Deceased Doner Organ and Tissue Tranplantation) અંતર્ગત ગાઇડ લાઇન બનાવીને ઓર્ગન ડોનેશન અને તેના ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવીને નિયંત્રીત કરવામાં આવી.

જેના અંતર્ગત વિવિધ સ્કોર અંતર્ગત અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે બેસ્ટ ફીટ વ્યક્તિ અને અત્યંત જરૂરિયાતમંદ દર્દીને પ્રાથમિકતા મળે તેવા પ્રયાસો હાથ ધરાયા.

મહિલાઓ અને બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તેમને ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રાથમિકતા આપવામાં આવી. અગાઉ ખાનગી હોસ્પિટલમાં સીમિત અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટને સરકારી હોસ્પિટલોમાં પણ વેગવંતુ બનાવ્યું.

અત્યંત ખર્ચાળ અને મોંધી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્માન યોજના હેઠળ આવરી લઇને સંપૂર્ણપણે નિ:શુલ્ક બનાવવામાં આવી. વધુમાં ખાનગી હોસ્પિટલમાં પણ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત નિધી હેઠળ આવરી લઇને દર્દી માટે ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ નહીવત અથવા દર્દીને પરવડે તે મર્યાદામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો.

SOTTO ગુજરાત અને GUTS(Gujarat University of Transplant Sciences) કુશળ ટ્રાન્સપ્લાન્ટ સર્જનો, ચિકિત્સકો, ફિઝીયોથેરાપી અને નર્સોની સંખ્યા વધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

સેવા, શિક્ષણ અને સંશોધનને SOTTO ગુજરાતના કાર્ય સાથે સંકલિત કરવામાં આવે છે. તબીબી વિજ્ઞાન સંબંધિત પોઈન્ટ સિસ્ટમ દ્વારા અંગોની ફાળવણીની સમગ્ર પ્રક્રિયા દેશમાં અનન્ય(યુનિક) છે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.