Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ પરસોત્તમભાઈ વોરાનુ અંગદાન : ૩ ને નવજીવન મળ્યું

સિવિલ હોસ્પિટલના અંગદાનનો ૧૦૪ મો મણકો :* *અંગદાતા પરસોત્તમભાઈ વોરા

*બે કિડની અને લીવરનું દાન મળ્યું સમાજમાં અંગદાનની પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે રાજ્યભરમાં અંગદાનનુ પ્રમાણ વધ્યું -સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાના મણકામાં આજે ૧૦૪  મો મણકો જોડાયો છે. બ્રેઇનડેડ પરસોત્તમભાઈ વોરાના અંગદાન માં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે.

અમદાવાદના જીવરાજ પાર્ક માં રહેતા ૬૦ વર્ષના પરસોત્તમભાઈ વોરા ૧૦ એપ્રિલના રોજ એકાએક  ઢડી પડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલમાં ૪ દિવસની સઘન સારવારના અંતે હોસ્પિટલના તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા. બ્રેઇનડેડ બાદ તબીબો દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા.

પરિવારજનો દ્વારા પણ અંગદાનની સંમતિ દર્શાવતા હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભી..   ૬ થી ૭ કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી..

આ અંગોને જરુરીયાતમંદોમા પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામા સફળતા મળી છે…

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી જણાવે છે કે, અંગદાનની પ્રવર્તી રહેલી જાગૃકતાના પરિણામે આજે અમદાવાદ ઉપરાંત સમગ્ર રાજ્યમાં અંગદાનનુ પ્રમાણ વધ્યું છે..

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં ૧૦૪  અંગદાન થયા છે. જેમાં કુલ મળેલા ૩૩૮  અંગો થકી ૩૧૩ જરૂરિયાત મંદોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.