Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે મદુરાઈથી આવેલી ટ્રેનનું અમદાવાદ સ્ટેશન ખાતે સ્વાગત

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે તામિલનાડુથી આવેલા યાત્રિકોનું અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી, સ્થાનિક સંસદ સભ્યશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ દ્વારા ઉત્સાહભેર આવકાર અપાયો

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે તમિલ યાત્રિકો તથા સ્થાનિક લોકોના મિલન નિમિત્તે ઢોલ-નગારાના તાલ સાથે ઉજવણીનો માહોલ

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ ઊજવવામાં આવી રહ્યો છે. દક્ષિણ ભારતના તામિલનાડુ અને ગુજરાતના સૌરાષ્ટ્ર વચ્ચેના હજારો વર્ષ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના સુમેળના કારણે તામિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ-બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી તામિલનાડુથી પ્રસ્થાન થયેલા ટ્રેનનું અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે

સ્થાનિક સંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી તથા શ્રી હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., રેલવેના ડીઆરએમશ્રી  તથા અન્ય પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમિલ સંગમમ કાર્યક્રમ માટે તમિલ અને મૂળ સૌરાષ્ટ્રના વતની એવા સૌ યાત્રીઓ સાથે મદુરાઇથી નીકળેલી આ સ્પેશિયલ ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે સાંજે 6:10 કલાકે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી પહોંચી હતી. રેલવે સ્ટેશન પર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

વીસ મિનિટના આ સ્વાગત કાર્યક્રમમાં સૌ તમિલ યાત્રીઓ અને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે યજમાની કરી રહેલા લોકો એકસાથે ઉત્સાહપૂર્વક ઢોલના તાલમાં ઉજવણી કરતાં જોવા મળ્યાં. ટ્રેનમાંથી નીચે ઉતરેલા યાત્રિકો વિડિયો તથા સેલ્ફી લેતા જોવા મળ્યાં. ટ્રેનની અમદાવાદ સ્ટેશન એથી વિદાય થાય એ પહેલા સુધી ભાઈચારાનો માહોલ જોવા મળ્યો.


આ તમિલ યાત્રીઓને પૂર્વ સંસદ સભ્ય શ્રી જગદીશભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યકરોની ટીમે ટ્રેનના કોચમાં જઈને ફૂડ પેકેટ વહેંચીને આગતાસ્વાગતા કરી હતી.

આશરે 1200 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રથી હિજરત કરી તાલીમનાડુમાં વસવાટ કરી સ્થાયી થયેલા આ તમિલ ભાઈ બહેનોને ફરીથી એક વાર સૌરાષ્ટ્ર સાથે જોડાવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનું આગામી તારીખ 17થી 30 એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવાના હેતુથી તામિલનાડુથી તમિલ ભાઈ-બહેનો સ્પેશિયલ ટ્રેનો મારફતે ગુજરાત આવ્યા છે. આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ મુખ્ય રીતે સોમનાથ ખાતે યોજાશે અને ત્યારબાદ તમામ તમિલ યાત્રીઓ ગુજરાતની યાત્રા કરશે. ગુજરાતના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ભારતના તામિલનાડુ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરવા માટેનો આ એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આગમન સમયે અમદાવાદના સાંસદ સભ્યો શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સર્વે શ્રી અમોલભાઈ ભટ્ટ, શ્રી કૌશિકભાઈ જૈન, સુશ્રી પાયલબેન કુકરાણી, શ્રી બાબુભાઈ જાદવ, અમદાવાદના કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે., અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર શ્રી ગીતાબેન પટેલ,  રેલ્વેના ડીઆરએમ, મોટી સંખ્યામાં નાગરિકો અને રાજકીય કાર્યકરો આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.