Western Times News

Gujarati News

પાનના ગલ્લા પર નકલી નોટ વટાવવા જતાં કાંડ બહાર આવ્યો

પાનના ગલ્લા પર બીજી વાર નકલી ૫૦૦ના દરની ચલણી નોટ લઈ સિગારેટ લેવા આવેલા બદમાશને વૃદ્ધે પકડી પાડ્યાં

સુરત,  શહેરના અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડના જલારામનગર પાસે પાનના ગલ્લા પર બીજી વાર નકલી ૫૦૦ના દરની ચલણી નોટ લઈ સિગારેટ લેવા આવેલા બદમાશને વૃદ્ધે પકડી પાડ્યાં છે. પોલીસે બે પિતરાઈ ભાઈની ધરપકડ કરી ૫૦૦ અને ૫૦ના દરની નકલી નોટ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગત ૧૪મી તારીખે રાત્રે શાંતિલાલ મેવાડા બીજીવાર ૫૦૦ના દરની નકલી નોટ વટાવવા પાનના ગલ્લા પર આવ્યો હતો. આથી વૃદ્વએ તેને પકડી લઈને મેથીપાક આપી અમરોલી પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસને શાંતિલાલ મેવાડા પાસેથી ૫૦૦ના દરની નકલી ૧૮૧ ચલણી નોટો અને ૫૦ના દરની ૩૨ નોટો મળી આવી હતી.

આ નકલી નોટ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેણે આ નોટો પિતરાઇભાઈ વિષ્ણુ મેવાડાએ આપી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે વિષ્ણુ મેવાડાને પકડી પાડી તપાસ શરૂ કરી છે. બન્ને આરોપીઓ પાસેથી ૯૨ હજારની નકલી નોટો મળી આવતા પોલીસે શાંતિલાલ ભવરલાલ મેવાડા અને વિષ્ણુ મિસરીલાલ મેવાડાની સામે ગુનો નોંધી ધરપકડ કરી નકલી નોટો, બાઇક અને મોબાઇલ કબજે કર્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બન્ને પિતરાઇ ભાઈઓ છે અને મૂળ રાજસ્થાનના દેવગઢના છે. બન્ને આરોપી પૈકી શાંતિલાલ છાપરાભાઠામાં અને વિષ્ણુ ભટારમાં કરિયાણાની દુકાન ચલાવે છે. બન્ને આરોપીઓ છેલ્લા દોઢ-બે વર્ષથી નકલી નોટો રાજસ્થાનથી લાવી સુરતમાં ઘુસાડતા હતા.

અત્યાર સુધી કરિયાણાના વેપારી શાંતિલાલ મેવાડાએ ૫૦૦ના દરની નકલી નોટો શહેરમાં ઘુસાડી હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ખાસ કરીને બન્ને આરોપી શાકભાજી કે ફ્રૂટટની લારી કે જે વૃદ્ધ ચલાવતા હોય તેવી લારીએ ૫૦૦ની નકલી નોટો પધરાવી દેતા હતા. જાેકે, સમગ્ર મામલે અમરોલી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.