Western Times News

Gujarati News

BRTS કોરિડોરમાં વાહન ચલાવ્યું તો હવે દંડ થશે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસ દ્વારા થઈ રહેલા અકસ્માતોને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે રહી રહીને જાગ્યું છે અને પાંચ મહત્વના નિર્ણય લીધા છે. જેમાં બીઆરટીએસ બસની ઓવરસ્પીડ, ડ્રાઈવરોને ટ્રેનીંગ, ડ્રાઈવરોનો વ્યવહાર, કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી અને BRTS કોરિડોરમાં ઘુસતા ખાનગી વાહનચાલકો સામે દંડ અને ગુનો નોંધવાની કાર્યવાહીનો સમાવેશ થાય છે.

આ મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ માહિતી આપતા જણાવ્યું કે,હવેથી બીઆરટીએસ બસના ડ્રાઈવરો જે નવા ભરતી થાય છે તેને ટ્રેનીંગ અપાશે, ડ્રાઇવરોનું મેડિકલ અને આઈ ચેકઅપ બાદ જ બસ ચલાવવા મંજૂરી આપવામાં આવશે. ડ્રાઈવરો ચાલુ બસ દરમ્યાન મોબાઈલ ફોન રાખી શકશે નહીં, તેઓને ડ્રાઈવીંગ દરમિયાન મોબાઈલ ફોન જમા કરાવવાનો રહેશે.

તો હવેથી બીઆરટીએસ કોરિડોરમાં જો નાગરિકો દ્વારા વાહન ચલાવવામાં આવ્યા કે ઘૂસાડવામાં આવ્યા તો, ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે રૂ.૧૫૦૦ અને ફોર વ્હીલર માટે રૂ.ત્રણ હજારનો દંડ ફટકારાશે. જયારે ભારે વાહનો કોરિડોરમાં પકડાયા તો રૂ.પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત જો બીઆરટીએસ બસના ડ્રાઈવરને પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવશે તો તેની ૧૦ ગણી રકમની પેનલ્ટી કોન્ટ્રાક્ટરને ફટકારવામાં આવશે. જો કે અત્યાર સુધી માત્ર બીઆરટીએસ દ્વારા અકસ્માત થતા જો કોઈનું મૃત્યુ થાય તો કોન્ટ્રાક્ટરને રૂ.૧ લાખનો દંડ કરવામાં આવતો હતો. પરંતુ હવેથી જો બીઆરટીએસ દ્વારા સામાન્ય અકસ્માત થશે તો પણ કોન્ટ્રાક્ટરને દંડ ફટકારાશે. શહેરમાં ૧૦૦ કિલો મીટર વિસ્તારમાં બીઆરટીએસ બસો દોડી રહી છે. બે ટકા ક્ષેત્રફળ વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેક આવેલો છે, જેમાં ૨૫૫ બીઆરટીએસ અને ૩૨૫ એએમટીએસ બસ દોડી રહી છે.

વર્ષ દરમિયાન ૩૧૯ જેટલા અકસ્માત થયા છે, જેમાંથી ૯ જેટલા અકસ્માત બીઆરટીએસ બસ દ્વારા કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ૫૦ ટકા જેટલા અકસ્માત બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનના કારણે થયા છે. જેના કારણે હવેથી અમદાવાદ ટ્રાફિક પોલીસની મદદ લઈ અને કોરિડોરમાં ઘુસતા ખાનગી વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કોરિડોર પાસે ખાનગી એજન્સીના બાઉન્સરોને મુકવામાં આવશે અને તેઓ ખાનગી વાહનચાલકોને કોરિડોરમાં ઘુસતા રોકશે. તેમણે ઉમેર્યું કે, બીઆરટીએસની દોડી રહેલી બસોમાં ૨૦૬ બસોમાં કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પીડ ગવર્નન્સ મુકવામાં આવ્યું છે. જ્યારે ૪૯ જેટલી જુની બસોમાં મીકેનીકલ સ્પીડ ગવર્નન્સ મુકવામાં આવ્યા છે. જ્યારે બીઆરટીએસની તમામ બસોની ૫૦ કિલો મીટરની સ્પીડની નક્કી કરવામાં આવી છે.

જો ભવિષ્યમાં સ્પીડ ગવર્નન્સમાં ઓવરસ્પીડ જણાશે તો કોન્ટ્રાક્ટરને રૂ.૧ લાખનો દંડ ફટકારવામાં આવશે. દરમ્યાન ટ્રાફિક જેસીપી જે.આર. મોથલિયાએ આ મામલે જણાવ્યું હતું કે, બીઆરટીએસ કોરિડોરમાં ઘુસતા વાહનચાલકોને ઘુસતા રોકવા માટે કુલ ચાર ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ૨ ટીમ પૂર્વમાં અને ૨ ટીમ પશ્ચિમમાં કાર્યરત રહેશે, બીઆરટીએસ કોરિડોરમાં એએમટીએસ, બીઆરટીએસ, એસ.ટી અને એમ્બ્યુલન્સ-ફાયર સહિતના ઈમર્જન્સી સેવાઓના વાહનોને ચલાવવાની મંજૂરી છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જો બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવશે તો જાહેરનામાના ભંગ બદલ તેમની સામે ગુનો નોંધાશે, ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ ૧૮૪ મુજબ જા, કોરિડોરમાં ખાનગી વાહન ચલાવશે તો ટૂ અને થ્રી વ્હીલર ચાલકને રૂ.૧૫૦૦નો દંડ જ્યારે ફોર વ્હીલર ચાલકને રૂ.૩૦૦૦નો અને ભારે વાહનોને રૂ.૫ હજારનો દંડ ફટકારવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.