Western Times News

Gujarati News

૩૦૦ સૌરાષ્ટ્રીયન તમિલોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે. 

દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા મહેમાનોને આવકારવા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સૌરાષ્ટ્રીયન તમિલો અને ગુજરાતી દર્શનાર્થીઓ વચ્ચે પણ ભક્તિનું તાદાત્મ્ય સર્જાયું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનોનું ભવ્ય સ્વાગત- ગુજરાતની પરંપરાગત ભાતીગળ સાંસ્કૃત કૃતિ સાથે મહેમાનોનું સ્વાગત થયું -ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો

દ્વારકા મંદિર ખાતે મૂળ સૌરાષ્ટ્રના તમિલ પરિવારોનું સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન અને લોકસંગીત દ્વારા અદકેરું અભિવાદન સ્વાગત

દ્વારકા,   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અન્વયે દ્વારકા ખાતે પધારેલા પ્રવાસીઓનું-સૌરાષ્ટ્ર તમિલ બાંધવોનું જય દ્વારિકાધીશના નાદ સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

દ્વારકા ખાતે ૮બસનું આગમન થતાં જ દ્વારકાનું સમગ્ર પ્રાંગણ ઢોલ અને નગારા સાથે ગુંજી ઉઠ્યું હતું. ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ પર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને  મદુરાઈથી આવેલા તમિલ પરિવારોની સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન, ઢોલ, શરણાઈ, પાવો અને સુરંદો જેવા લોકવાદ્યો તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે તમિલીયનો ગરબાના તાલે જુમ્યા હતા. ધારાસભ્યશ્રી પબુભા માણેકે ૩૦૦ જેટલા પ્રવાસીઓ બસમાંથી ઉતરતા જ પુષ્પવર્ષા કરી તેમને આવકારવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રીયન તમિલો પણ ગુજરાતી સંગીત પર કલાકારો સાથે દાંડિયા તેમજ તાલીઓના તાલે ઝૂમ્યા હતા.

દ્વારકા મંદિર દ્વારા મહેમાનો માટે દર્શનની અને આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મહેમાનોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાની લાગણી સાથે ગુજરાત સરકાર-દ્વારકાના લોકોનો પણ આભાર માન્યો હતો.

આ પ્રસંગે મહેમાનોને આવકારવા પ્રવાસન વિભાગ નિગમના શ્રી એચ.એમ જાડેજા, કલેકટર શ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની ટીમના પ્રાંત અધિકારી શ્રી પાર્થ તલસાણીયા,દ્વારકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ

પદાધિકારીઓ ઓખા બંદરના પ્રમુખ મોહનભાઈ બારાઈ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.