Western Times News

Gujarati News

રથયાત્રા માટે અમદાવાદમાં માઈક્રો લેવલનું સુરક્ષા વ્યવસ્થાનું પ્લાનિંગ

અતીક અહેમદની હત્યા બાદ આતંકી સંગઠને ધમકી આપી હોવાથી તંત્ર સતર્કઃ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માઈક્રો લેવલનું પ્લાનિંગ

અમદાવાદ, રથયાત્રા આવે એટલે પોલીસ એલર્ટ થઇ શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેતી હોય છે, પરંતુ ૨૦ જૂન, ૨૦૨૩ના રોજ અમદાવાદના જમાલપુરથી નીકળતી જગન્નાથની રથયાત્રામાં આતંકીનો ખતરો તોળાતો હોવાની શંકાના આધારે પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર આવી ગઇ છે

અને ઐતિહાસિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે માઈક્રોલેવલનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. ક્રાઈમ બ્રાંચના જેસીપીએ રથયાત્રા મામલે બેઠક બોલાવી છે. અતીક અહેમદની હત્યા બાદ ખતરનાક આતંકી સંગઠન અલ કાયદાએ હુમલાની ધમકી આપી છે. દેશમાં કોઈપણ જગ્યાએ આતંકી હુમલો થાય નહીં અથવા તો શાંતિનો માહોલ ડહોળાય નહીં તે માટે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે અને શંકાસ્પદ કોલને ટ્રેસ કરીને તેમાં વપરાયેલા કોડને ક્રેક કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યા કર્યા બાદ કતરનાક આતંકી સંગઠન અલ કાયદાએ ધમકી આપી હતી ત્યારથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ છે. ૨૦ જૂન, ૨૦૨૩ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ૧૪૬મી રથયાત્રા નીકળવાની છે, જેની તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે.

પોલીસ કમિશનર ક્ચેરી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રથયાત્રાની સુરક્ષાને લઇ મિટિંગનો દોર શરૂ કરી દીધો છે. જ્યાં સુધી રથયાત્રા સંપૂર્ણ રીતે નિજ મંદિર સુધી પહોંચી નહીં જાય ત્યાં સુધી શહેરની સુરક્ષાની તમામ જવાબદારી પોલીસના હાથમાં છે.

અતીક અહેમદની હત્યા બાદ અલ કાયદાએ તેને શહીદ ગણાવતાં તેના ઇરાદા સામે આવી ગયા હતા, જેથી આ વખતની રથાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ એકદમ એલર્ટ મોડ પર આવી ગઇ છે અને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે આ વખતની થોડી વધુ સેન્સિટિવ છે, જેના કારણે સુરક્ષા મામલે મિટિંગો શરૂ થઇ ગઇ છે.

વડોદરામાં રામ નવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા બાદ ફેલાયેલી તંગદીલી તેમજ યુપીમાં અતીક અહેમદની હત્યાનો બદલો લેવા માટે કેટલાક લોકો એક્ટિવ થયા છે, જેના કારણે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેનું પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આતંકી સંગઠનની ધમકી અને આઈબીના રિપોર્ટ બાદ ક્રાઈમ બ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ પણ રથયાત્રાને લઇ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રથાયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે હવે શહેરની તમામ હોટલમાં ચેકિંગ શરૂ કરી દીધું છે. આ સિવાય શહેરના છેવાડે આવેલાં મકાનને ભાડે રાખીને રહેતા શકમંદોની પણ પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. સહેરમાં પાંચ હજારથી વધુ નાની-મોટી હોટલ તેમજ ગેસ્ટ હાઉસ આવેલાં છે, જ્યાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવશે.

એફ ડિવિઝનના એસીપી પી.પી.પીરોજિયાએ જણાવ્યું છે કે રથયાત્રા રૂટ પર આવેલા તમામ સીસીટીવી કેમેરા ફરીથી એક્ટિવ કરી દેવામાં આવશે. કેટલાક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેને તાત્કાલિક રિપેર કરાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે ત્યારે દુકાનદારોએ લગાવેલા કેમેરા પણ એક્ટિવ રાખવા માટે પોલીસ અપીલ કરશે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસ શકમંદો પર બાજ નજર રાખી શકશે.

આતંકીઓ સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને કેટલાક લોકો શાંતિ ડહોળવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે. આવાં તત્ત્વો પર ખાસ નજર રાખવા માટે સાયબર ક્રાઈમ પોલીસની ટીમ પણ એક્ટિવ થઇ ગઇ છે અને તેણે સોશિયલ મીડિયામાં વોચ રાખવાનું શરૂ કરી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.