Western Times News

Gujarati News

દહેગામના વતની મકાનનો બીજો હપ્તો ભરે તે પહેલાં જ ભૂકંપમાં મકાન તૂટ્યું હતું

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અરજદારનો પ્રશ્ન યોગ્ય જણાતા તાત્કાલિક ધોરણે બીજા હપ્તાની ચૂકવણી કરવા સૂચનાઓ આપી હતી

વડાપ્રધાનશ્રી મોદી એ સ્વાગત કાર્યક્રમમાં વર્ચ્યુંઅલી ભરતસંગ સાથે વાત કરી જૂના સંસ્મરણો તાજા કર્યા: પ્રશ્નોના નિરાકરણ માટે અન્યોને જાણ કરવા કર્યું સૂચન

સ્વાગતના દ્વાર ખટખટાવ્યા અને અરજદારને પોતાના સ્વતંત્ર અને પાક્કા ઘરનું સ્વપ્ન સાકાર થયું

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમે ગુજરાતમાં સુશાસનને પ્રોત્સાહિત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. ‘સ્વાગત ઓનલાઇન’ કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આજે ઉજવણી કરાઈ હતી.

જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રથમ રાજ્ય સ્વાગત કાર્યક્રમના અરજદાર શ્રી ભરતસંગ સોલંકી સાથે આજે વર્ચ્યુઅલી સીધો સંવાદ કર્યો હતો. અને વડાપ્રધાનશ્રી મોદી એ ભરતસંગ સાથે વાત કરીને જૂના સંસ્મરણો તાજા કરી અન્ય લોકોને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સ્વાગત કાર્યક્રમની જાણ કરવા સૂચન કર્યુ હતું.

ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલ અતોલી ગામના લાભાર્થી શ્રી ભરતસંગ સોલંકીએ વર્ષ ૨૦૦૩માં રાજ્ય સ્વાગતમાં પોતાનો પ્રશ્ન રજૂ કર્યો હતો અને તેનું સંતોષકારક નિરાકરણ આવ્યું હતું. અરજદાર શ્રી ભરતસંગ સોલંકી વર્ષ ૨૦૦૩માં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

પોતાના સ્વતંત્ર અને પાક્કા મકાનની ઝંખનાને સંતોષવા તેમણે ‘સરદાર આવાસ યોજના’ અંતર્ગત સહાય મેળવવા માટે અરજી કરી હતી અને મકાનના બાંધકામ માટે સરકાર દ્વારા પ્રથમ હપ્તાની ચૂકવણી પણ કરવામાં આવી હતી. આ રકમમાંથી તેમણે આવાસના પાયાના ચણતર કામ પૂર્ણ કર્યું હતું.

બીજા હપ્તાની ચૂકવણી થાય તે પહેલા ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવવાને કારણે અરજદારને કુદરતી આફતો સામે ટક્કર ઝીલી શકે તેવું આવાસ બનાવવાની ઈચ્છા હોવાથી તેમણે આવાસના લે-આઉટમાં સામાન્ય ફેરફાર કર્યા હતા.

લે-આઉટ યોજનાને અનુસાર ન હોવાના કારણે તેઓને બીજા હપ્તાની ચૂકવણી થઇ ન હતી અને સાથે જ પ્રથમ હપ્તો પણ પરત ભરવા માટે નોટીસ મળી હતી. તેમના આ પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ ન મળતા અરજદારશ્રીએ પોતાનો પ્રશ્ન ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં રજૂ કર્યો હતો.

પ્રથમ રાજ્ય સ્વાગતમાં રજૂ થયેલા આ પ્રશ્નને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવેદના પૂર્વક સંભાળ્યો હતો. અરજદારશ્રીનો પ્રશ્ન યોગ્ય જણાતા મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.જેના પરિણામે અરજદારશ્રીને બીજા હપ્તા પેટે ચૂકવવાપાત્ર રૂ. ૩૦ હજારની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવતા અરજદારશ્રીના પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ આવ્યું હતું.

રાજ્ય સ્વાગત કાર્યક્રમના પરિણામે અરજદાર શ્રી ભરતસંગ સોલંકીનું પોતાનું સ્વતંત્ર અને પાક્કું આવાસ બનાવવાનું સ્વપ્ન સાકાર થયું. આજે પણ અરજદારશ્રી અને તેમનો પરિવાર તે જ આવાસમાં સ્વમાનભેર પોતાનું જીવન પસાર કરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.