Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેલાયા

અમદાવાદમાં કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં અરજદારોને રૂબરૂ સાંભળી યોગ્ય નિવારણ લાવતાં જિલ્લા કલેક્ટરશ્રી

સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત અનેક નાગરિકોની સમસ્યાનું સુખદ રૂપે ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રામ, તાલુકા બાદ 27મી એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો.

અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોનું નિવારણ લાવવાના પ્રયાસો હાથ ધરાયો છે. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ પણ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે.

નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટે સ્વાગત સપ્તાહ યોજવા બદલ સરકારશ્રીનો આભાર :- રાવજીભાઈ પુરબિયા

અમદાવાદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ધોળકા તાલુકાના કરિયાણા ગામના રાવજીભાઈ પુરબિયા પોતાની સમસ્યા લઈને પહોંચ્યા હતાં. કલેકટરશ્રી પાસે અરજદાર રાવજીભાઈએ રજૂઆત કરી હતી કે,

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેમાં સંપાદન થતા સ્થળ ઉપર સંપાદન કરતાં વધારે જમીન સંપાદન થઈ છે. આ બાબતે કલેકટરશ્રીએ તાત્કાલિક વધારાના ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી, નેશનલ હાઇવેને યોગ્ય સૂચના આપી હતી અને આ સંદર્ભે તુરંત પગલાં લેવાનું સૂચન કર્યું હતું.

આ તકે અરજદાર શ્રી રાવજીભાઈએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા ઊજવાઈ રહેલ સ્વાગત સપ્તાહની આ પહેલ ખરેખર લોકો માટે ખૂબ સરસ છે, જેના થકી અમારા જેવા લોકોને પ્રશ્નો રજૂ કરવા યોગ્ય તક મળે છે.

પ્રશ્નોની રજૂઆત સાંભળી ત્વરિત નિકાલ માટેનું યોગ્ય પ્લેટફોર્મ એટલે સ્વાગત કાર્યક્રમ : બાબુભાઈ રાવળ

વિરમગામ તાલુકાના જેતાપુર ગામના બાબુભાઇ રાવળ પોતાની 14 જેટલી અરજીઓ લઈ રજૂઆત કરવા સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અરજદાર બાબુભાઈની અનેક સમસ્યાઓ તબક્કાવાર ધ્યાનપૂર્વક સાંભળી હતી.

જેમાં પ્રશ્નો સંબંધિત જે-તે વિભાગના અધિકારીશ્રીઓને દિશાનિર્દેશ કર્યા હતા અને પ્રશ્નના ઉકેલ બાબતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત સમયમર્યાદામાં રજૂઆતનું નિરાકરણ લાવવાનું સૂચન પણ કર્યું હતું. જેથી અરજદાર શ્રી બાબુભાઇ રાવળના ચહેરા પર સ્મિત દેખાયું હતું. કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અરજદાર શ્રી બાબુભાઇને તેમના પ્રશ્નો સંદર્ભે નિવારણ લાવવાની ખાતરી આપી હતી.

આ તકે અરજદાર શ્રી બાબુભાઇએ જણાવ્યું હતું કે, નાગરિકોના પ્રશ્નોની રજૂઆત સાંભળી ત્વરિત નિકાલ માટેનું પ્લેટફોર્મ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમ માટે હું ખાસ તો સરકારશ્રીનો અને કલેકટરશ્રી તથા વહીવટીતંત્રના અધિકારીશ્રીનો આભારી રહીશ.

મારી રજૂઆતને યોગ્ય રીતે સાંભળી નિવારણ લાવવામાં આવ્યું તે બદલ સરકારશ્રી તથા કલેકટરશ્રીનો ધન્યવાદ : કોળી પટેલ મહેશભાઈ

જેતાપુર ગામના નાગરિક શ્રી કોળી પટેલ મહેશભાઈએ સ્વાગત કાર્યક્રમમાં કલેકટરશ્રી સમક્ષ જેતાપુર ગામથી ઉપરદળ સુધીનો પાકો રોડ મંજૂર કરવા બાબતે રજૂઆત કરી હતી.

જે બાબતે કલેકટરશ્રીએ માર્ગ અને મકાન (પંચાયત)ના કાર્યપાલક ઇજનેરશ્રીને આ બાબતે સૂચના આપી સમસ્યાનું નિવારણ લાવવાનું કહ્યું હતું. પોતાની રજૂઆતને કલેક્ટરશ્રીએ યોગ્ય રીતે સાંભળતા અરજદાર શ્રી મહેશભાઈએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે અરજદાર શ્રી મહેશભાઈએ સરકાર દ્વારા ઊજવાતા સ્વાગત સપ્તાહની પહેલને પ્રશંસા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.