Western Times News

Gujarati News

રામોલ-હાથીજણમાં અમદાવાદ મ્યુનિ.નો પ્લોટ ખુલ્લો કરાયો

પ્રતિકાત્મક

દરિયાખાન ઘુમ્મટ પાસે રોડ પરના આઠ કાચા કોમર્શિયલ શેડ પણ હટાવાયા

અમદાવાદ, શહેરમાં વધતાં જતાં દબાણોને લઈ હવે કોર્પાેરેશને બાંયો ચઢાવી છે. અનેકવાર ડિમોલિશન ડ્રાઈવર યોજી ગેરકાયદેસર બિલ્ડિંગો અને પ્લોટોને ખુલ્લા મુકવામાં આવી રહ્યાં છે.

એવી જ રીતે શહેરના પૂર્વ ઝોનમાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડમાં મ્યુનિ.રિઝર્વ પ્લોટ પર થયેલાં કાચાં-પાકાં ઝૂંપડાના દબાણને મ્યુનિ.સત્તાવાળાઓ દ્વારા હટાવાયાં છે.

આ કામગીરીના પગલે જ્યાં ત્યાં મ્યુનિ.રિઝર્વ પ્લોટ, ટીપી રોડ વગેરેમાં ગેરકાયદે દબાણ ઊભું કરનારાં તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલી ટીપી સ્કીમ નંબર ૧૨૭ (હાથીજણ-વિંઝોલ)માં મ્યુનિ.તંત્રને બગીચાના હેતુથી રિઝર્વેશન પ્લોટ નં.૧૫૯ મળ્યો છે.

જાેકે આ પ્લોટમાં ૪૮ કાચાં- પાકાં ઝૂંપડાંનાં દબાણ થઈ જતાં તંત્રે તેને દૂર કરીને આશરે ૨૧૦૦ ચો.મી.ક્ષેત્રફળના રિઝર્વ પ્લોટને ખુલ્લો કર્યાે હતો.

આ ઉપરાંત મધ્ય ઝોનના શાહપુરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા દરિયાખાન ઘુમ્મટ પાસેના ૧૮ મીટરના ટીપી રોડ પર આઠ કાચા કોમર્શિયલ શેડ હટાવીને તંત્રે ૫૦૦ ચો.ફૂટ જગ્યા ખાલી કરી હતી તેમજ રોડ પરનાં ચાર પાકાં બાંધકામ દૂર કરીને આશરે ૭૦૦ ચો.ફૂટના દબાણને જમીનદોસ્ત કર્યું હતું. સત્તાવાળાઓએ છ લારી, એક ગલ્લો તેમજ ૨૦૦ પરચૂરણ સામાન જપ્ત કરીને આશરે ૨૦૦ મીટર લંબાઈના જાહેર રોડને ખુલ્લો કર્યાે હતો.

ઉપરાંત જમાલપુર વોર્ડમાં ખમાસા ચાર રસ્તા પાસેના જાહેર રોડ પરના આશરે ૧૦૦૦ ફૂટના કાચા-પાકા શેડ પણ દૂર કર્યા હતા. તંત્ર દ્વારા પૂર્વ ઝોનમાં રોડ પર પાર્ક કરનારાં વાહનો સામેની ઝુંબેશ અવિરત ચાલુ હોઈ વધુ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

રામોલ-હાથીજણમાં ૧૬ વાહનને લોક મારી રૂ.૩૨૦૦, નિકોલમાં ૧૭ વાહનનો લોક મારી રૂ.૬૫૦૦, ઓઢવમાં છ વાહનને લોક મારી રૂ.૩૦૦૦, વસ્ત્રાલમાં ૧૫ વાહનનો લોક મારીને રૂ.૩૦૦૦, અમરાઈવાડીમાં છ વાહનને લોક મારીને રૂ.૧૨૦૦, ગોમતીપુરમાં પાંચ વાહનને લોક મારીને રૂ.૧૦૦૦, વિરાટનગરમાં છ વાહનને લોક મારીને રૂ.૧૨૦૦નો વહીવટી ચાર્જ તંત્રે વસૂલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.