Western Times News

Gujarati News

એવું તે શું થયું કે- બાપુનગરમાં 25 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ

બાપુનગરમાં ફટાકડાંના ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ -આગને પગલે ફાયર બ્રિગેડની ૨૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી

અહીં લાયસન્સ વિના ગેરકાયદે ફટકડાની ફેક્ટરી ધમધમી રહી છે. અને મંજૂરી વિના મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો ફેક્ટરીમાં રાખવામાં આવી રહ્યો છે.

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં બપોર બાદ વિકાસ એસ્ટેટમાં આવેલાં ફટાકડાંના ગોડાઉનમાં અચાનક જ પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો પહોંચી ગયા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પરિણામે શહેરભરમાંથી ૨૨ જેટલાં ફાયર ફાઈટરો સાથે લાશ્કરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને જીવના જાેખમે ભારે જહેમત બાદ આગના કાબૂમાં લીધી હતી.

વિકરાળ આગને જાેતાં આસપાસનો વિસ્તાર ખાલી કરાયો હતો. જાેકે, આજુબાજુની ૨૫ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ આગમાં બે જેટલાં સામાન્ય નાગરિકો અને ૪ ફાયર બ્રિગેડના જવાનોેને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તમામ લોકોને દુર ખસેડ્યા હતા.

આગ એટલી વિકરાળ હતી કે ૧ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે. વિકાસમાં એસ્ટેટમાં ૩૦ જેટલી ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે. આગ બુઝાવવા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

આગને કારણે ગરમીનું પ્રમાણ પણ વધુ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બાજુની ફેક્ટરીમાં કર્મચારીઓ ફસાયેલા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં લાયસન્સ વિના ગેરકાયદે ફટકડાની ફેક્ટરી ધમધમી રહી છે. અને મંજૂરી વિના મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો ફેક્ટરીમાં રાખવામાં આવી રહ્યો છે.

ફેક્ટરીની બાજુમાં આવેલા મકાનોમાં પણ આગ પ્રસરી રહી છે. આગની જ્વાળાઓના કારણે અસહ્ય ગરમી લોકોને દઝાડી રહી હતી અને લોકો અહીં રહી શકે તેવી સ્થિતિમાં નથી અને વિસ્તાર છોડી દૂર સ્થળાંતર કરવા લાગ્યા છે. છેલ્લા દોઢ કલાકથી આગ લાગી હોવાનુ જણાવવામાં આવી રહ્યુ હતું.

રહેણાંક અને ગીચ વિસ્તાર હોવાથી વિકરાળ આગમાં લોકોના જાનમાલનું પણ નુકસાન રહેલુ છે. ૫ થી વધુ ફેક્ટરીઓમાં પણ આગ લાગેલી છે. વિકાસ એસ્ટેટમાં દારૂખાનાના ૨૦થી૨૫ વધુ ગોડાઉન આવેલા છે. જેના કારણે આગ વધુને વધુ ફેલાઈ રહી હતી. ફટાકડાની ફેક્ટરી હોવાથી સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતા. કેટલાક પતરા પણ ઉડી ગયા હતા. ચારેતરફથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવાની જહેમતમાં લાગી હતી.

વિકાસ એસ્ટેટમાં લાયસન્સ વગર, કોઈ જાતની પરમિશન વગર ૨૦થી ૨૫ ફટાકડાના ગોડાઉન ચાલતા હતા જેમા મંજૂરી કરતા પણ વધુ સ્ટોક રાખવામાં આવ્યો હતો જેના કારણે જ આગ વધુ વિકરાળ બની હતી. આ ગેરકાયદે ધમધમતી ફેક્ટરી સામે કોંગ્રેસના નેતા હિંમતસિંહે પણ કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છેે,

તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આરોપો ફગાવ્યા છે. ભીષણ આગમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે અને ફાયર બ્રિગેડના ઓફિસરને પણ ઈજા પહોંચી હતી. તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.