Western Times News

Gujarati News

Pakistan: ઈમરાનખાનના ઘરમાં ૩૦-૪૦ આતંકી છુપાયાની માહિતી

પાકિસ્તાનમાં પોલીસ-લશ્કરે ઈમરાનના ઘરને ઘેરી લીધું-મિલિટ્રી ઓપરેશનની તૈયારીઓ શરૂ

સાઉદી અરબ, યુએઈ અને ચીન જેવા દેશોના પેટમાં ફાળ પડી છે.

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ પીએમ (Pakistan former PM) અને પીટીઆઈના ચીફ ઈમરાન ખાનના (PTI Chief Imran Khan) ઘરને પોલીસની ટીમે ઘેરી લીધુ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈમરાનના ઘરમાં ૩૦ થી ૪૦ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. ત્યારબાદ ઈમરાનના ઘર જમાન પાર્કમાં મિલિટ્રી ઓપરેશનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. Pak Police surround PTI chief Imran Khan’s house, claim suspects in recent riots are hiding there.

પંજાબ પ્રાંતના મંત્રી આમીર મીરે આજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે, ઈમરાન ખાનનાં ઘરને રેન્જર્સ ઘેરી લીધું છે. અને કોઈપણ સમયે ઓપરેશન શરૂ થાય તેમ છે. ઈમરાન ખાને પોતાનાં ઘરમાં ૪૦ જેટલાં આતંકવાદીઓને સંતાડી રાખ્યાં છે.

આતંકવાદીઓને ઈમરાન ખાન પાકિસ્તાની લશ્કર અને પોલીસને સોંપી દેવા માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકાર પાસે આધારભૂત માહિતી હોવાથી આ સમગ્ર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઈમરાન ખાનના જમાન પાર્ક હાઉસમાં શંકાસ્પદ ગતિવિધિ ચાલી હતી

અને હવે તેના ઉપર ખાસ નજર રાખી રહી છે. ઈમરાન ખાનનાં ઘરે સંતાયેલા આ શખ્સોએ આર્મીનાં સંકુલમાં તથા મેજરના બંગલામાં તોડફોડ કરી હતી જે ખૂબ જ ગંભીર બાબત છે. બીજીબાજુ, બંગલાને ઘેરો ઘાલીને આર્મીનાં જવાનો ખૂબ જ સંયમપૂર્વક આગળ વધી રહ્યાં છે.

આજે સવારે જ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક થઈ હતી અને તેમાં દેશભરમાં કરવામાં આવેલા આયોજનબદ્ધ હુમલાને ષડયંત્ર ગણી સંડોવાયેલા સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. તેથી આ ગુનેગારોને ઓળખી લેવામાં આવ્યાં છે અને હવે પાકિસ્તાન સેના તેનો યોગ્ય જવાબ આપશે.

મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે પાકિસ્તાની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને બુધવારે બપોરે ઈનપુટ મળ્યા હતા કે, પેશાવર કોપ્સ કમાન્ડરના ઘર પર હુમલાના આરોપીઓ ઈમરાનના ઘરમાં છુપાયેલા છે. જે બાદ ઈમરાનના ઘરની ઘેરાબંધી કરવામાં આવી છે.

પોલીસે આતંકીઓને ઘરની બહાર નીકળવાનું અલ્ટીમેટમ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાે આવું નહીં થાય તો પોલીસ-ફોર્સની ટીમ ઈમરાનના ઘરમાં ઘૂસીને આતંકીઓને ઠાર કરશે. આ દરમિયાન ઈમરાન સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે.

ઈમરાન ખાન અને તેના સમર્થકો સામે આર્મી એક્ટની કલમ ૫૯ અને ૬૦ હેઠળ કાર્યવાહી કરવાની અટકળો બાદ પોલીસની આ ઘેરાબંધી સામે આવી છે. આ કલમ નાગરિક અપરાધો માટે લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત જાે દોષી સાબિત થાય તો ગુનેગાર માટે મૃત્યુદંડની જાેગવાઈ છે. ઈમરાન વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કેસ નોંધવાનું કારણ ઈમરાનના સમર્થકો દ્વારા સેનાની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઈમરાનના ઘરની બહાર પોલીસની ખબર સાંભળી તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટૂંક સમયમાં ઈમરાન ખાનના ઘર પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન અને સેના આમને સામને આવી ગયા બાદ સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે

અને તેના કારણે સાઉદી અરબ, યુએઈ અને ચીન જેવા દેશોના પેટમાં ફાળ પડી છે. પાકિસ્તાનમાં સર્જાયેલી કટોકટીને ઉકેલવા માટે હવે આ ત્રણે દેશો ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે. મળતી વિગતો અનુસાર પાકિસ્તાની સેનાના ચીફ આસીમ મુનીરને ફોન કરીને યુએઈના રાષ્ટ્રપતિ મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી પણ આર્મી ચીફે આ ઓફર ફગાવી દીધી છે.

હવે સાઉદી અરબના પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને પોતાના વિશેષ દૂત તરીકે ડેપ્યુટી હોમ મિનિસ્ટર ડોક્ટર નસીર બિન અબ્દુલ અઝીઝને પાકિસ્તાન મોકલ્યા છે. પાકિસ્તાની સરકારનો દાવો છે કે, સાઉદીના દૂત રોડ ટુ મક્કા પ્રોજેક્ટના કરાર માટે આવ્યા છે. જેનાથી હજ યાત્રા આસાન બનશે.

જાેકે પાકિસ્તાનના વિશ્લેષકોનો દાવો છે કે, સાઉદી પ્રિન્સે આ દૂતને સેના તેમજ ઈમરાન ખાન વચ્ચેના વિવાદને શાંત કરવા માટે મોકલ્યા છે. સાઉદી અરબે પાકિસ્તાનને મોટા પાયે લોન આપી છે અને તેના કારણે પાકિસ્તાનની રાજનીતિ પર સાઉદી અરબનો ખાસો એવો પ્રભાવ છે. બીજી તરફ ચીન પણ પાકિસ્તાનમાં ચાલી રહેલા ઘમાસાણના કારણે ગભરાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.