Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીર અને લદાખમાં ભારે હિમવર્ષાથી કાતિલ ઠંડી

હિમાચલપ્રદેશ અને ઉતરાખંડના જુદા જુદા ભાગોમાં પણ વરસાદ અને હિમવર્ષાથી ચારેબાજુ બરફની ચાદર છવાઇ

નવી દિલ્હી, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશના જુદા જુદા ભાગોમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે. બીજી બાજુ ઉત્તર ભારતના કેટલાક ભાગોમં વરસાદ જારી રહ્યો છે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં એકાઅક વધારો થઇ ગયો છે. હિમાચલપ્રદેશ, જમ્મુકાશ્મીર અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં વરસાદ અને ભારે હિમવર્ષાના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. જનજીવન પર માઠી અસર થઇ છે. હિમાચલપ્રદેશમાં હાલ વરસાદ અને હિમવર્ષા જારી રહી શકે છે. હિમાચલપ્રદેશના લાહોલ સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે હિમવર્ષા થઇ રહી છે.

કેદારનાથ ધામમાં તો બે ત્રણ ફુટ સુધી બરફ પડતા ચારેબાજુ બરફના થર જામી ગયા છે. યમનૌત્રી, બદરીનાથ ધામ, હેમકુંડના પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઇ છે. પિથોરાગઢમાં પણ ભારે હિમવર્ષા થઇ છે. ઉત્તરાખંડમાં વરસાદની સાથે સાથે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થઇ છે. નૈનિતાલમાં ભારે હિમવર્ષા થઇ છે.હવામાન વિભાગના કહેવા મુજબ પહેલી ડિસેમ્બર સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી રહી શકે છે. ભારે હિમવર્ષાના કારણે લોકો સાવધાન થઇ ગયા છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં વધારે ઠંડી માટે યેલો અલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. બીજી બાજુ એકાએક ઠંડીના ચમકારાના કારણે બાળકો અને મોટી વયના લોકો જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શનના સકંજામાં આવી ગયા છે.

સમગ્ર ઉત્તર ભારતમાં હવે ઠંડી ધીમે ધીમે વધી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષા જારી રહી હતી. જેના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. હેમકુંડ સાહિબની સાથે સાથે ગઢવાલ કુમાઉ જેવા ક્ષેત્રોમાં ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાનમાં આવેલા પલટાના કારણે સ્થિતિ જટિલ બની ગઇ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. રાજસ્થાનના અજમેર, અલવર, ભીલવાડા, જયપુર, ઝુંઝનુ, સીકર, બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, જાધપુર, નાગોર, અને શ્રી ગંગાનગરમાં યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં આગામી ૨૪ કલાક દરમિયાન અનેક સ્થળો પર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં તો ભારે હિમવર્ષા જારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.