Western Times News

Gujarati News

શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરતા શિક્ષણ મંત્રી

VTV ન્યૂઝ દ્વારા આયોજિત દ્રોણા એજ્યુકેશન એવોર્ડ (સીઝન -૨) ૨૦૨૩માં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિ

ભારતીય શિક્ષણ પ્રણાલી વ્યક્તિનિર્માણ, પરિવારનિર્માણ, સમાજનિર્માણ અને રાષ્ટ્રનિર્માણ માટે ઉત્તમ છે: મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર

અમદાવાદ ખાતે VTV ન્યૂઝ દ્વારા દ્રોણા એજ્યુકેશન એવોર્ડ (સીઝન – ૨) ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સંસ્થાઓ અને મહાનુભાવોને એવોર્ડ એનાયત કરાયા હતા. Education Minister at Drona Education Awards (Season-2) 2023 organized by VTV News

આ પ્રસંગે કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, આજે શિક્ષણ ક્ષેત્રને લગતા આ દ્રોણા એજ્યુકેશન એવોર્ડ -૨૦૨૩ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પરિવાર સાથે હોવાનું અનુભવાય છે, કારણ કે શિક્ષણ એ મારો રસનો વિષય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ ભારતીય શિક્ષણ પ્રણાલીની વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય શિક્ષણ પ્રણાલી વ્યક્તિનિર્માણ, પરિવારનિર્માણ, સમાજનિર્માણ, અને રાષ્ટ્રનિર્માણ માટે ઉત્તમ છે. ભારતીય શિક્ષણ પ્રણાલી વ્યક્તિને શિક્ષણની સાથે સાથે અન્ય કૌશલનું જ્ઞાન પણ આપે છે અને આ ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ વેગ આપવાનું કાર્ય આપ શિક્ષકો, આચાર્યો શિક્ષણને લગતી સંસ્થાચાલકો કરી રહ્યા છો, જેનો ખૂબ જ ગર્વ અનુભવાય છે.

તેઓ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ની વાત કરતા જણાવ્યું હતું કે, કે આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવમાં નવી શિક્ષણનીતિનું અમલીકરણ કરી રહ્યા છીએ, એવામાં આપ સૌ આચાર્યો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ પોતાનો સહયોગ આપે અને  આ શિક્ષણનીતિ થકી આવનારી પેઢીનો વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહીએ, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાંચ ટ્રિલિયન ડૉલર ઇકોનોમીના લક્ષ્યને પ્રાપ્ત કરવાની જે કલ્પના કરી છે, તેને પરિપૂર્ણ કરવા માટે શિક્ષકોએ સૌથી વધુ ફાળો આપવો જોઈએ.  કારણ કે શિક્ષકો જ વિદ્યાર્થીઓને શિક્ષણ (વિદ્યા) આપી દેશસેવા માટે તૈયાર કરતા હોય છે, જેથી વધુમાં વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ કાર્યમાં જોડાય અને ભારતના વિકાસમાં ભાગીદારી નોંધાવે, તેમ તેમણે જણાવ્યું હતું.

અંતે તેઓએ એવોર્ડથી સન્માનિત વિવિધ શિક્ષણ સંસ્થાના મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા હતા અને VTV ન્યૂઝની ટીમને પણ આ કાર્યક્રમ બદલ  શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સમભાવ ગ્રૂપના ડાયરેક્ટર શ્રી જગદીશભાઈ પાવરા, સમભાવ ગ્રૂપના CEO નીરજભાઈ અત્રી, VTV ચેનલ હેડ શ્રી હેમંત ગોલાણી, વિવિધ શિક્ષણ સંસ્થાના મહાનુભાવો, વિજેતાઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.