Western Times News

Gujarati News

નિત્યાનંદ આશ્રમ કેસ : DPS ઇસ્ટની માન્યતા અંતે રદ કરાઈ

અમદાવાદ: સનસનાટીપૂર્ણ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલામાં ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત  ડીપીએસ ઇસ્ટની માન્યતા આખરે સીબીએસઈ દ્વારા રદ કરી દેવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. જે સ્કુલની માન્યતા રદ કરવામાં આવી છે તે હાથીજણ સ્થિત ડીપીએસ ઇસ્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી અન્ય સ્કુલમાં ખસેડવામાં આવનાર છે. ડીપીએસ ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા અને પૂર્વ પ્રિન્સિપલે  ૨૦૧૦માં ખોટી એનઓસી રજૂ કરીને માન્યતા મેળવી હતી. સીબીએસઈ દ્વારા માન્યતા રદ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જારી કરવામાં આવેલી કારણદર્શક નોટિસનો જવાબ ડીપીએસ ઇસ્ટ દ્વારા આપી દેવામાં આવ્યો છે.

સ્કુલના સત્તાવાળાઓએ સેન્ટ્રલ બોર્ડને આપેલા તેમના જવાબમાં કબૂલાત કરી છે કે, તેઓએ ગુજરાત સરકાર પાસેથી ખુબ જ જરૂરી અને ફરજિયાત ગણાતા એનઓસી મેળવ્યા ન હતા. મેન્ડેટરી નો ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ અથવા તો એનઓસી મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા ન હતા. ગુજરાત સરકાર પાસેથી એનઓસી નહીં મેળવવાને લઇને ડીપીએસ ઇસ્ટની મુશ્કેલી આશ્રમ મામલામાં વધી ગઈ હતી. કોઇપણ સ્કુલ શરૂ કરવા માટે ગુજરાત સરકાર પાસેથી એનઓસી લેવાની જરૂર હોય છે. બોર્ડે સ્કુલ સત્તાવાળાઓ સાથે બેઠક યોજવાનો પણ નિર્ણય કર્યો હતો.

સાથે સાથે મામલામાં તમામ પ્રકારની માહિતી મેળવી હતી. હવે ડીપીએસ ઇસ્ટની માન્યતા રદ કરવામાં આવ્યા બાદ આ સ્કુલમાં અભ્યાસ કરી રહેલા ૮૦૦થી ૮૫ જેટલા વિદ્યાર્થીઓને નજીકની સ્કુલોમાં ખસેડવામાં આવનાર છે. નવા શૈક્ષણિક સત્રથી આ નિર્ણયને અમલી કરવામાં આવશે. સીબીએસઈ ગયા સપ્તાહમાં જ સ્કુલ સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ ફટકારી દીધી હતી. સાથે સાથે એનઓસી વગર કઇરીતે સ્કુલ ચાલી રહી હતી તે અંગે ખુલાસો કરવા કહેવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર પાસેથી એનઓસી નહીં હોવાને લઇને હોબાળો થયો હતો. એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, સ્કુલ દ્વારા બનાવટી દસ્તાવેજા રજૂ કરવામાં આવ્યા હતા. ડીપીએસ ઇસ્ટની માન્યતા રદ કરવાનો સીબીએસઈ દ્વારા નિર્ણય કરવામાં આવતા આજે દિવસ દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આને લઇને ચર્ચાઓ રહી હતી. વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન થાય તે દિશામાં સીબીએસઈ દ્વારા પહેલ કરવામાં આવી ચુકી છે.

નવા સત્રથી તમામ વિદ્યાર્થીઓને અન્યત્ર સ્કુલમાં ખસેડી દેવામાં આવનાર છે. ડીપીએસ ઇસ્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગ્રામિણ ડીઈઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને સ્કુલોને ફેબ્રુઆરી ૨૦૧૨માં માહિતી આપવામાં આવી હતી કે, જમીન જેના ઉપર સ્કુલ છે તે સ્કુલની માલિકીની નથી. સાથે સાથે નોન એગ્રીકલ્ચર હેતુમાં ફેરવવામાં પણ આવી નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યા બાદ ડીપીએસ ઇસ્ટની ભૂમિકામાં લઇને પ્રશ્નો થયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.