Western Times News

Gujarati News

વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમ ખાલી કરાયો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમ સામે હવે ગાળિયો કસાતા એક પછી એક વિવાદાસ્પદ વિગતો બહાર આવવા લાગી છે આ આશ્રમ સાથે ડીપીએસ સ્કુલ સામે કાર્યવાહી શરૂ કરી ગઈકાલે તેની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. બાળકોને ગોંધી રાખવા તથા યુવતિઓ લાપત્તા બનવા જેવી ગંભીર ફરિયાદો નોંધાયા બાદ રાજય સરકાર ગંભીર બની હતી અને નિત્યાનંદ આશ્રમના મુદ્દે સીટની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરવામાં આવી છે. બીજીબાજુ ડીપીએસની માન્યતા રદ્દ કરાતા આજે સવારથી જ નિત્યાનંદ આશ્રમના સંચાલિકો દ્વારા ઉચાળા ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને આશ્રમ ખાલી કરી દેવામાં આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં. આશ્રમમાંથી સાધુઓ તથા બાળકોને ખાસ લકઝરી બસમાં બેંગ્લોર લઈ જવામાં આવી રહયા હોવાનું જાણવા મળી રહયું છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કુલના સંચાલકોએ ગેરકાયદેસર રીતે દક્ષિણ ભારતના ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમના સંચાલકોને જમીન ભાડે આપી આશ્રમ ખોલવાની મંજુરી આપી હતી આ દરમિયાનમાં આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા ઉપરાંત બે યુવાન પુત્રીઓ લાપત્તા બની હોવાની તેમના વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી. પોતાના સંતાનોને પરત ઘરે લઈ જવા માટે વાલીઓએ સૌ પ્રથમ આશ્રમના સંચાલકોને આશ્રમમાં પ્રવેશ આપવા વિનંતી કરી હતી. પરંતુ સંચાલકોએ ઈન્કાર કરી દેતા બાળકોના પિતા જર્નાદન શર્માએ પોલીસની મદદ માંગી હતી જેના પગલે ભારે ઉહાપોહ મચી ગયો હતો સૌ પ્રથમ પોલીસને પણ આશ્રમના સંચાલકો પ્રવેશ આપવા દેતા ન હતા જેના પગલે રાજય સરકાર પણ સતર્ક બની હતી. રાજયના ગૃહ વિભાગે જર્નાદન શર્માની ગંભીર ફરિયાદો બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી અને સીટ ની પણ રચના કરી હતી. સૌ પ્રથમ બે સગીર વયના બાળકોનો કબજા જર્નાદન ભાઈને સોંપ્યો હતો. જાકે તેની બે યુવાન વયની પુત્રીઓ હજુ પણ લાપત્તા છે.

પુત્રીઓનો કબજા લેવા માટે પિતા જર્નાદન શર્માએ ગુજરાત હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સની અરજી કરતા તપાસ વધુ તેજ બની હતી. આશ્રમના દસ્તાવેજા તપાસવામાં આવતા એક ચોંકાવનારુ કૌભાંડ બહાર આવ્યું હતું. આશ્રમની જગ્યા ડીપીએસ સ્કુલની હોવાનું ખુલતા જ શિક્ષણ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. આ અંગે સીબીએસસી બોર્ડને જાણ કરવામાં આવતા અધિકારીઓએ આ મામલે ડીપીએસ સ્કુલના સંચાલકો પાસે ખુલાસો માંગ્યો હતો પરંતુ તેઓ યોગ્ય ખુલાસો નહી કરતા સીબીએસસીના અધિકારીઓએ આ મુદ્દે શાળા સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં સૌ પ્રથમ ગઈકાલે ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે આ ઉપરાંત તેમની જગ્યા ઉપરથી આશ્રમને ખાલી કરાવવાની પણ નોટિસ પાઠવવામાં આવી હતી.

પોલીસ તથા શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલી સઘન તપાસમાં એક પછી એક મહત્વપૂર્ણ વિગતો બહાર આવવા લાગી હતી છેલ્લા ર૦ દિવસથી પોલીસ ટીમ દ્વારા નિત્યાનંદ આશ્રમમાં તપાસ કરવામાં આવી રહી છે અને આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને તત્વ પ્રિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે આ ચોંકાવનારી ઘટનાઓમાં વધુ કેટલાકના નામો પણ ખુલ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાતા આખરે ડીપીએસ સ્કુલની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી છેલ્લા બે દિવસમાં કેટલાક સાધુઓ આશ્રમ છોડીને જઈ રહયા હતા

આ દરમિયાનમાં આજે વહેલી સવારથી જ આશ્રમમાં ભારે ચહલપહલ જાવા મળતી હતી સાથે સાથે આશ્રમની બહાર બે લકઝરી બસો પણ આવીને ઉભી રહી હતી.
નિત્યાનંદ આશ્રમ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ થતાં જ આજે સવારથી જ નિત્યાનંદ આશ્રમમાંથી તમામ સાધુઓ તથા અન્ય સેવકો પોતાનો માલ સામાન પેક કરીને આશ્રમ છોડી રહેલા જાવા મળી રહયા હતાં આ તમામ લોકો ખાસ લકઝરી બસમાં બેંગ્લોર જવા રવાના થયા હોવાનું જાણવા મળી રહયું છે. જાકે શિક્ષણ વિભાગ દ્વારા ટુંક સમયમાં જ આ આશ્રમ ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરાવવામાં આવનાર હતી પરંતુ તે પહેલા જ નિત્યાનંદ આશ્રમના સાધુઓએ ઉચાળા ભરી લીધા છે. તમામ સાધુઓએ માલ સામાન પેક કરી આશ્રમ ખાલી કરી નાંખતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતાં.

ડીપીએસ સ્કુલની જમીન પર બનાવવામાં આવેલો આશ્રમ આજે સવારે ખાલી થઈ જતાં કેટલાક  વાલીઓ પણ પોતાના બાળકોને લેવા માટે આવેલા જાવા મળ્યા હતાં. બીજીબાજુ પોલીસ દ્વારા લાપત્તા જર્નાદન શર્માની બંને પુત્રીઓની હાલમાં શોધખોળ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.