Western Times News

Gujarati News

વેતન વધારવા આશાવર્કરો અને અન્ય વર્કરોની માંગણી

File

જીએસટીની બેઠકમાં નાણામંત્રી નીતિન પટેલ હાજર રહ્યા ગુજરાતની મહત્વપૂર્ણ માંગણી કેન્દ્ર સરકારની સમક્ષ રજૂ
અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે યોજાયેલી દરેક રાજ્યોના નાણામંત્રીની પ્રિ- બજેટની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે પણ હાજર રહી ગુજરાત તરફથી કેટલીક મહત્વની માંગણીઓ અને રજૂઆત કેન્દ્રના ધ્યાન પર મૂકી હતી. જેમાં તેમણે ગુજરાતમાં આશાવર્કર અને આંગણવાડી બહેનો તેમ જ મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓનું વેતન વધારી આપવા માંગણી રજૂ કરી હતી. તો સાથે સાથે ગુજરાતમાં દારૂબંધીને કારણે થતી કરોડો રૂપિયાની થતી આર્થિક ખોટ ભરપાઈ કરવાની માગણી કરી હતી.

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય છે. અન્ય રાજ્યોમાં દારૂબંધી અમલમાં ન હોવાથી તે રાજ્યોને એક્સાઇઝ અને અન્ય ટેક્સની હજારો કરોડની આવક પ્રાપ્ત થાય છે. જ્યારે તે ગુજરાતને મળતી નથી. બંધારણના આર્ટીકલ ૪૭ના ઉદ્દેશને સફળ કરવા ગુજરાત રાજ્યને દારૂબંધીના અમલ માટે પ્રોત્સાહિત કરી દારૂબંધીના કારણે આવકમાં જે ઘટાડો થાય છે તે કેન્દ્રએ ભરપાઇ કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્ય સરકારે રૂપિયા ૯,૮૬૪ કરોડ વળતર પેટે આપવાની માગ કરી હતી. ભારત સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આજે દિલ્હી ખાતે યોજાયેલી રાજ્યના નાણામંત્રીઓની બેઠકમાં ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહભાગી બનીને રાજ્યની વિકાસયાત્રા વધુ સુદ્રઢ બને તે માટે ધારદાર રજૂઆતો અને સૂચનો કર્યા હતાં.

તેમણે શ્રેષ્ઠ નાણાંકીય શિસ્ત ધરાવતા ગુજરાતને વધુ પ્રોત્સાહન આપવા વધુ ગ્રાન્ટ ફાળવવા પર પણ ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત રાજ્ય આર્થિક શિસ્ત ધરાવતું પ્રગતિશીલ રાજ્ય છે. રાજ્ય સરકારને છેલ્લા ૨૦ વર્ષથી એકવાર પણ ઓવરડ્રાફ્‌ટ લેવો પડ્‌યો નથી કે ટૂંકી મુદ્દતની લોન પણ લેવી પડી નથી. આ સિવાય નીતિન પટેલે ગુજરાતના નાગરિકો વતી વધુ સૂચનો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત પાણીની અછતવાળુ રાજ્ય હોવા છતાં રાજ્યના બધા નાગરિકોને પુરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં પાણીની મોટી પાઇપલાઇનોનું વિસ્તૃત માળખું ઉપલબ્ધ છે

અને મોટા પમ્પીંગ સ્ટેશનો પણ કાર્યરત છે, તેના સંચાલન-જાળવણી અને વિજળી બિલો માટે ભારત સરકારે ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચાડવાની નલ સે જલ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવી જોઇએ, કારણકે ગુજરાત રાજ્ય અગાઉથી જ પોતાના બજેટમાંથી ૭૮ ટકા ઘરો સુધી શુદ્ધ પીવાના પાણીની સુવિધા પુરૂ પાડી રહ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના તમામ ગામોને પાકા ડામર રસ્તાથી જોડવાની યોજના કાર્યરત છે.

તેનો લાભ ગુજરાતને મળે તે માટે રાજ્ય સરકારે પોતાના બજેટમાં જરૂરી જોગવાઇ કરીને અગાઉથી જ મોટાભાગના ગામોને પાકા ડામર રસ્તાથી જોડી દીધા છે, તેથી ભારત સરકાર આ રસ્તાઓને પહોળા કરવા, રી-કાર્પેટ કરવા, નાળા-પૂલો બનાવવા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાંથી ગુજરાતને વધુ ગ્રાન્ટ ફાળવવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ અપાતી ગ્રાન્ટોમાં ગ્રાન્ટ-ઇન-એઇડ હાઇસ્કૂલોને મદદ અપાતી ન હોવાથી શિક્ષકોનો અને વહીવટી મહેકમનો ખર્ચ સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે ઉપાડવો પડે છે.

જેથી રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટેબલ હાઇસ્કૂલો માટે પણ રાજ્ય સરકારને ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી હતી. તો, રાજયમાં આશા વર્કર, આંગણવાડી વર્કર અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને સરકાર દ્વારા અત્યારે જે માનદ વેતન આપવામાં આવે છે તેમાં વધારો કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ ઉપરાંત ભારત સરકાર તરફથી વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શનની જે રકમ અત્યારે અપાય છે તેમાં વધારો કરવા પણ માંગણી કરી હતી. ખેડૂતોના હિતમાં પ્રધાનમંત્રી પાક વિમા યોજના સરળ બનાવવી જોઇએ અને જે ખેડૂતો પાક વીમો લેવા માંગતા હોય તેને જ લાભાર્થી બનાવવા જોઇએ. પાક વીમા યોજના ફરજીયાત ન હોવી જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.