Western Times News

Gujarati News

દેશના ત્રણ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની કક્ષામાં ગુજરાતના બાલાસીનોર પોલીસ સ્ટેશનની પસંદગી

પુણે ખાતે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ યોજાનાર ડી.જી.-ડી.આઇ.જી. કોન્ફરન્સમાં કેન્દ્રીય  ગૃહમંત્રીશ્રીના હસ્તે ઇન્ચાર્જ પી.એસ.આઇ. શ્રી પી.જે.પંડ્યા ટ્રોફી સ્વીકારશે

ટેકનોલોજીના માધ્યમ દ્વારા નાગરિક સેવા, કાયદાનું યોગ્ય માર્ગદર્શન, પોલીસ કર્મીઓનું સુંદર વર્તન, સમસ્યા પૂર્વે અગમચેતી માટેના પગલાંઓના ધોરણો રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત

ગુજરાત આજે સમગ્ર દેશમાં રોલ મોડલ પુરવાર થઇ રહ્યુ છે ત્યારે રાજ્યનાં ગૃહ વિભાગે પણ કાયદો વ્યવસ્થા અને નાગરિક સેવામાં શ્રેષ્ઠ વ્યવસ્થાપન થકી ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કર્યુ છે. ગુજરાતનું મહિસાગર જિલ્લાનું બાલાસિનોર  પોલીસ સ્ટેશન સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યુ છે જે ગુજરાત માટે ગૌરવરૂપ છે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શન અને નાગરિકોની સેવા સહિતના વિવિધ વિષયો પર થયેલા દેશવ્યાપી સર્વેના આધારે મહિસાગર જિલ્લાના બાલાસિનોર  પોલીસ સ્ટેશનની પસંદગી થઇ છે. આ માટે તા.૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, પૂણે ખાતે યોજાનાર ડી.જી.-ડી.આઇ.જી. કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ. શ્રી પી. જે. પંડ્યા બાલાસીનોર પોલીસ સ્ટેશનને એનાયત થનાર ટ્રોફી સ્વીકારશે.

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને અને નાગરિકોને સતત શાંતિ, સલામતી અને સુરક્ષાનો અનુભવ મળતો રહે તે માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગૃહ  વિભાગ દ્વારા થઇ રહેલ કામગીરીને આ સિદ્ધિ મળી છે, જે માટે સમગ્ર ગૃહ વિભાગ સહિત પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકનોલોજીના માધ્યમ દ્વારા સલામતી પૂરી પાડવા માટે રાજ્ય સરકારે  ઇ-ગવર્નન્સના માધ્યમથી અનેક નવતર આયામો હાથ ધર્યા છે અને રાજ્યના પોલીસ સ્ટેશનો સહિત પોલીસ કર્મીઓને પણ આધુનિક સુવિધાથી સજ્જ કર્યા છે જેના પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.

પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોને પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય અને મૈત્રીપૂર્ણ વાતાવરણ સહિત કાયદાકીય માર્ગદર્શન અને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જે સુવિધાઓ રાષ્ટ્રીયસ્તરે પ્રસ્થાપિત થઇ છે. વિવિધ માપદંડોના આધારે જોઇન્ટ ડાયરેક્ટર અને કોન્ફરન્સ સેક્રેટરીશ્રી, આઇ.બી, ન્યુ દિલ્હી દ્વારા ભારત દેશના ૩ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના મહિસાગર જિલ્લાના બાલાસીનોર પોલીસ સ્ટેશનને દેશના ૩ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની કક્ષામાં પસંદ કરી બીજો ક્રમ આપ્યો છે.

બાલાસિનોર પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા વિનમ્રતાથી નાગરિકોને સમજ, પોલીસ સ્ટેશન લેવલે ગુન્હાઓની તપાસની કાર્યપદ્ધતિ, ટેકનોલોજીનો ઉપયોગ, પોલીસ કર્મીઓમાં કાયદાની સમજ, નમ્રતા ભર્યો વ્યવહાર, પોલીસ સ્ટેશનની જાળવણી, કર્મચારીઓની ફિટનેસ જરૂર પડે ત્યાં વ્યક્તિગત વાટાઘાટો દ્વારા પીડિતોની સમસ્યાનું નિરાકરણ કરવાની પદ્ધતિ,  ભોગ બનનાર વ્યક્તિ તથા નાગરિકોને જરૂરી માર્ગદર્શન  આપવામાં આવી રહ્યુ છે. સાથે સાથે પોલીસ કર્મીઓનું વર્તણૂંક, દિવ્યાંગો, મહિલાઓ, સીનીયર સીટીઝન માટે અલાયદી વ્યવસ્થા, યોગાભ્યાસ, સુસંસ્કૃત પોલીસ સહિત જુનિયર કર્મીઓની  સુવ્યવસ્થિત સંભાળ, મહિલા પોલીસ કર્મીઓની મહેકમ મુજબનું માળખું તથા મહિલાઓને પૂરા સન્માનથી કાયદાકીય રક્ષણ-માર્ગદર્શન પૂરુ પાડવાની કામગીરી સહિતના માપદંડોની પૂર્તતાના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે જે ગુજરાત માટે ગૌરવરૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.