Western Times News

Gujarati News

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવની મુંબઈમાં ઉજવણી

તા. 4 ડિસેમ્બર, 2019, ડી.વાય. પાટીલ સ્ટેડિયમ, નેરુલ, નવી મુંબઈ ખાતે થઈ હતી.
* બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા વિશ્વવંદનીય સંત
પ્રમુખસ્વામી મહારાજને અપાઈ ભાવાંજલે
* 50,000થી વધુ ભાવિકોથી સ્ટેડિયમ છલકાયું
* લાખો લોકો જીવંત પ્રસારણના માધ્યમથી મહોત્સવમાં સહભાગી થયા
* મુખ્ય અતિથિ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ
* 35 વિભાગોમાં 10,000થી વધુ સ્વયંસેવકો દ્વારા નિઃસ્વાર્થ સેવા
* 3000થી વધુ બી.એ.પી.એસ. બાળ-યુવા કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
* તાલીમબદ્ટ સ્વયંસેવકો દ્વારા ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગની સેવા
* સમગ્ર વિશ્વમાંથી પધારેલ 750 થી વધારે સંતો-મહંતોની ઉપસ્થિતિ
* સમગ્ર પરિસર અને સવિસ રોડ પર સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતાની સેવા
* સમગ્ર વર્ષ દરમિયાન સવા લાખથી વધારે ઘરોમાં સંતો-ભક્તોએ રૂબરૂ જઈને આધ્યાત્મિક મૂલ્યો
પ્રસરાવ્યાં


* મુંબઈમાં વિશેષ સમાજ ઉત્કર્ષ સેમિનાર
* બી.એ.પી.એસ. બાળ-વૃંદ દ્વારા મુંબઈની સેંકડો હોસ્પિટલોમાં દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી
૦ મુંબઈમાં બાલ-બાલિકાઓ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન
* હજારો મહિલા સ્વયંસેવિકાઓ દ્વારા રસોડા અને અન્ય વિભાગોમાં સેવા
* એડ સાથે 60,000 દીવડાઓ દ્વારા સમગ્ર સ્ટેડિયમ દીપી ઊઠ્યું

તા. 4 ડિસેમ્બરના રોજ નવી મુંબઈ નેરૂલ સ્થિત વિશાળ ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને અનેક વૈશ્વિક પ્રદાન આપનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ અતિ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાયો. આ પ્રસંગે 60,000 કરતાં વધુ ભક્તો-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તદઉપરાંત સમગ્ર વિશ્વમાંથી પઘારેલા 750 જેટલા સંતો-મહંતો પણ ઉપસ્થિત હતા.

સાંજે 5.30 વાગ્યે ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ અને સંતો-યુવકોના કલાવૃંદની કીર્તન-ભક્તિથી કાર્યક્રમનો શુભારંભ થયો. સતત ત્રણ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વના ઉત્કર્ષ માટે આપેલા યોગદાનને વિશિષ્ટ રીતે પ્રસ્‍તુત કરવામાં આવ્યું હતું.

વ્યક્તિ, પરિવાર અને સમાજની સળગતી સમસ્યાઓ અને વૈશ્વિક પડકારોના સમાધાન આપનારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્પર્શથી અનેક લોકોનું આમૂલ જીવન-પરિવર્તન થયું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ હૃદયસ્પર્શી પ્રભાવની પ્રેરક રજૂઆત કરવામાં આવી હતી. વળી, અનેક ભાવિ-પેઢીઓને પ્રેરણા આપનારા પ્રમુખ સ્વામી મહારાજના જીવન-સંદેશની આ સચોટ પ્રસ્તુતિ હતી.

આ કાર્યક્રમમાં ૩૦૦૦ કરતાં વધારે બાળકો-યુવકોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને વણી લેતા નૃત્ય-સંવાદની વિશિષ્ટ પ્રસ્‍તુતિ કરી હતી. સાથે સાથે સભાજનોને વીડિયો શો અને વરિષ્ઠ સંતો-મહાનુભાવોના મનનીય વક્તવ્યોનો લાભ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ હતા તેમ કહી તેઓએ વધુમાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હંમેશા દિવ્ય શાંતિનો અનુભવ થતો. ગમે તેટલા મોટા પ્રશ્નો કેમ ન હોય, પણ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં જતાં તે શમી જતા. તેમનું આવું વ્યક્તિત્વ અનેક લોકોએ અનુભવ્યું છે, અને તેમાંનો હું એક છું. તેઓશ્રીનું કાર્ય આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ કરી રહ્યા છે. તેમનાં કાર્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં આપણી વચ્ચે જ છે.”

પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર સ્પર્શથી થયેલા આમૂલ જીવન-પરિવર્તનોના એતિહાસિક સ્વાનુભવો લોકોએ મંચ પરથી રજુ કર્યા ત્યારે વાતાવરણ ભાવવાહી બની ગયું હતું. સંસ્થાના વિદ્ઘધાન સંતોએ પણ સ્વામીજીના પ્રેરક અનુભવોની હૃદયસ્પર્શી પ્રસ્‍તુતિ કરી હતી, જેમાં વરિષ્ઠ સંતો પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી સહિતના સંતોનો સમાવેશ થાય છે.

DCIM100MEDIADJI_0161.JPG

કાર્યક્રમના અંતે બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યુ હતું, “બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું” આ પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો, તેમના મનમાં 24 કલાક આ જ વિચાર હતો. તેમનું જીવન દિવ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતાની તુલના કોઈ સાથે ન થઈ શકે. આટલું નિરાળું વ્યક્તિત્વ હોવા છતાં બાળસહજ નિર્દોષ. તેમના યોગમાં જે કોઈ આવતા તેમને એ દિવ્યતાનો અનુભવ થતો જ. આપણે પણ તેમના જેવા થઈને અને તેમના જીવનમંત્રને દુઢાવીએ.”

આ પ્રસંગે ડો.વાય. પાટીલ સ્ટેડીયમના સૂત્રધાર શ્રી વિજયભાઈ પાટીલ સહિત અનેક અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ચરમસીમારૂપે ઉપસ્થિત 60,000 કરતાં વધારે સંતો-મહાનુભાવો અને ભક્તોએ ભગવાનની મહાઆરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવને સફળ બનાવવા માટે 10,000 કરતા વધું સ્વંયસેવકોએ દિન-રાત સેવા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી ઉત્સવ પ્રસંગે મુંબઈ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર(દાદર)ના નેજા હેઠળ અનેક સમાજોપયોગી કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વ્યસનમુક્તિ અભિયાન, વાલીજાગૃતિ અભિયાન, બાળ-યુવા જાગૃતિ અભિયાન વગેરે સેવાકીય કાર્યક્રમો વિશિષ્ટ રીતે સંપન્ન થયા હતા. આ ઉપરાંત બી.એ.પી.એસ. સંસ્થા સાથે જોડાયેલા સંતો-ભક્તોએ 1,25,000થી વધુ ઘરોનો સંપર્ક કરીને પારિવારિક શાંતિનો સંદેશ પણ પ્રસરાવ્યો હતો. બાળકો દ્વારા દવાખાનાઓમાં જઈને કરાયેલી પ્રાર્થનાઓ અને યુવાનો દ્વારા કરાયેલી જાહેર સ્થાનોની સ્વચ્છતા સેવા પણ પ્રેરણાદાયક હતી.

આ સમગ્ર મહોત્સવમાં વિવિધ સહકારી સંસ્થાઓ અને સરકારી વિભાગોનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની પંચવર્ષીય ઉજવણીની ચરમસીમારૂપે સન 2021માં અંતિમ સમારોહ ખૂબ ભવ્યતાથી અમદાવાદ ખાતે યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.