Western Times News

Gujarati News

ગુજરાત ગેસ લિ. અને એનર્જી એફીશિયન્સી સર્વિસીસ લિ. વચ્ચે એમ.ઓ.યુ પર હસ્તાક્ષર

ત્રિ-જનરેશન ટેકનોલોજીના કારણે ગ્રાહકોની ૮૦% ઊર્જા બચાવીને બાકીની ઉર્જાની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.  – શ્રી નિતિન પાટિલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જી.જી.એલ.

સુરત, ગુજરાત ગેસ લિ. અને એનર્જી એફીશિયન્સી સર્વિસીસ લિમિટેડ-EESL વચ્ચે સૌ પ્રથમવાર ઔદ્યોગિક એકમો અને વેપારી ગ્રાહકોને ત્રિ-જનરેશન ટેકનોલોજીને અપનાવવા અને તેને પ્રોત્સાહન આપવા તથા કાર્યક્ષમ ઊર્જા સેવાઓના ઉપયોગ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ એમઓયુ અંતર્ગત ગુજરાત ગેસ લિ.ના અધિકારક્ષેત્ર હેઠળ સંભવિત પ્રોજેક્ટ માટે કુદરતી ગેસના પુરવઠાની ખાતરી કરશે અને એનર્જી એફીશિયન્સી સર્વિસીસ લિમિટેડ ગુજરાત ગેસના ગ્રાહકોને બિલ્ડ, ઑપરેટ અને ટ્રાન્સફર ધોરણે (બીઓટી) આધારે સાધનોનું સંચાલન કરશે. એમઓયુનું લક્ષ્ય રાજ્યમાં કુદરતી ગેસના વપરાશમાં વધારો કરવાનો છે

જી.જી.એલ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી નિતિન પાટિલ અને એનર્જી એફીશિયન્સી સર્વિસીસ લિ.ના શ્રી અનંત શુક્લા દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જીજીએલ અને ઇઇએસએલને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પગલાના કારણે આપણા દેશના ઉર્જા મિશ્રણના માળખામાં કુદરતી ગેસના હિસ્સામાં વધારો કરવાના સરકાર લક્ષ્યને હાંસલ કરવામાં પણ મદદરૂપ થશે.

આ પ્રસંગે શ્રી નિતિન પાટીલે જણાવ્યું હતું કે, “આ કરાર સમગ્ર સમાજને તેમજ હોસ્પિટાલિટી, હેલ્થ, ટ્રાવેલ, ડેટા કેન્દ્રો, વગેરે જેવા મોટા વ્યાપારી સંસ્થાઓ માટે લાભદાયક રહેશે. આ ત્રિ જનરેશન ટેકનોલોજી ગ્રાહકોની ૮૦% ઊર્જા અને તેની  કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.

ત્રિ-જનરેશન ટેકનોલોજી પરંપરાગત ટેકનોલોજીની તુલનામાં ઉર્જાની બચત કરવાની સાથે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ ટેકનોલોજી અપનાવવાના કારણે વીજળી અને ઠંડક/હીટિંગ જરૂરિયાતોને ધ્યાને રાખીને વિશ્વસનીય અને અવિરત૫ણે પુરવઠાની સપ્લાય મળી રહેશે તેમજ ગ્રાહકોને ઉર્જા ખર્ચમાં ૩૫-૪૦ ટકાની બચત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગેસ લિ. (જીજીએલ) હાલમાં આશરે ૮.૫ mmscamd કુદરતી ગેસનું વિતરણ કરે છે. વ્યાપારિક, ભૌગોલિક અને ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ જીજીએલ ભારતની સૌથી મોટી ગેસ વિતરણ કંપની બની રહી છે. જીજીએલ આશરે ૧૩,૫૫,૦૦૦ ઘરેલુ એકમોને તથા ૩૫૪૦+ ઔદ્યોગિક ગેસનું વિતરણ કરે છે. કંપની આશરે ૩૪૪ જેટલા સીએનજી રિટેલ આઉટલેટ્સ ધરાવે  છે.

આ સાથે ઇઇએસએલએ ચાર જાહેર ક્ષેત્રના સાહસોનું સંયુક્ત સાહસ છે, જેમ કે એનટીપીસી લિ., પાવર ફાઇનાન્સ કોર્પો. લિ., રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિ.અને પાવરગ્રિડ કોર્પો. ઓફ ઇન્ડિયા લિ., ભારત સરકારના ઉર્જા મંત્રાલય હેઠળ સ્થપાયેલી છે. ઇઇએસએલ રાજ્ય વિતરણ કંપનીઓ, ઊર્જા નિયમનકારી કમિશન, રાજ્ય વિકાસ સત્તામંડળ, નાણાકીય સંસ્થાઓ વગેરે માટે ક્ષમતા નિર્માણ માટે સંસાધન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. ભારત સરકાર દ્વારા ૨૦૧૦માં સ્થપાયેલી ઇઇએસએલ વિશ્વની સૌથી વધુ ઊર્જા કાર્યક્ષમતાની પ્રક્રિયા અમલમાં મૂકી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.