અમરેલી SPને લેડી ડોન સોનુ ડાંગરે આપેલી ધમકી
અમદાવાદ: રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર થોડા સમય પહેલાં તેના સાગરિતો સાથે અમદાવાદમાંથી દારૂની મહેફિલ માણતી રંગેહાથ ઝડપાઇ હતી ત્યાં જામીન પર છૂટયા બાદ તેણીએ એક વીડિયો વાયરલ કરી ખુદ અમરેલી એસપી નિર્લિપ્ત રાય અને એક મહિલા પીએસઆઇને ખુલ્લેઆમ ધમકી આપતાં ભારે ચકચાર મચી ગઇ છે. લેડી ડોન સોનુ ડાંગરે પોલીસને ધમકી આપતાં જણાવ્યું કે, તમે જે કર્યું છે, તે તમને પાછુ મળશે. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ સોનુ ડાંગર વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં એસપી તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની છબી કડક અને પ્રામાણક અધિકારીઓ પૈકીની છે. આ અધિકારીને રાજકોટની લેડી ડોન સોનું ડાંગરે ધમકીના સૂરમાં તમારે ભોગવવું પડશે કહેતા વિવાદ વકર્યો છે.
એસપી નિર્લિપ્ત રાય તેમની કામગીરીઓને કારણે પણ અહીં અત્યંત જાણીતા છે. તેમના સમર્થકોમાં પણ આ વીડિયોને લઈ નારાજગી વ્યાપી છે. ત્યારે સોનુ ડાંગરે વીડિયોમાં નિર્લિપ્ત રાય અને એક મહિલા પીએસઆઈને ધમકી આપતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. સોનું ડાંગરના ધમકીવાળા વીડિયોને તેણે પોતે જ વાયરલ કર્યો હતો. તે આ વીડિયોમાં કહે છે કે, જય હિન્દ. વંદે માતરમ. અમરેલીના એસપી સાહેબ અને ડોડિયા મેડમને મારે એટલું જ કહેવાનું કે, તમે ૧૦૦૦ ટકા હિન્દુના સંતાનો નથી. તમારે બંને લોકોએ તપાસ કરવી જોઈએ કે તમારું ડીએનએ શું છે.
તમે લોકોએ મુન્નાભાઈ સામે ખોટા કેસ કર્યા, અમને લોકોને પરેશાન કર્યા તે બહુ ખોટું કર્યું છે. ડોડિયા મેડમ, કોઈ વાંધો નહીં. આપણે આમને સામને થઈ જઈશું. તમારે કેસ કરવો હોય તો કરી દેજા. હું સોનું ડાંગર પોતે બોલું છું. આપણા બંનેનો આમનો સામનો થશે.
હું મારા બાપની અને તમે તમારા બાપના હોવ તો મુન્નાભાઈ વિરુદ્ધના બધા પુરાવા લઈને આવજો. અમે એ રીતે તૈયારી રાખીને આવીશું. એસપી સાહેબનું નામ નોન કરપ્ટ અધિકારી તરીકેનું છે. તેમની ગણતરી બહુ સારા માણસ તરીકે થાય છે. તેઓ પોતે આવું ખોટું કરે તે બહું કહેવાય. આ લોકોનું ઝમીર મરી ગયું છે. આ તમામ લોકો (ધર્મ વાચક શબ્દ વાપરી અપશબ્દો આપે છે). આ લોકોનું કામ અમને લોકોને પરેશાન કરવાનું છે. કોઈ વાંધો નહીં. એસ.પી. સાહેબ તેમની મરજી પ્રમાણે કામ કરે. ડોડિયા મેડમ, તમે બચીને રહેજો.
ધમકી કહો કે જે પણ, તમે મુન્ના પર હાથ ઉપાડ્યો તેનું પરિણામ તમારે ભોગવવું પડે. સિંહ જ્યારે પાંજરામાં હોય ત્યારે તમારા જેવા (ફરી અપશબ્દ બોલે છે) લોકો તેને સળી કરે છે. બાકી કોઈની તાકાત નથી કે મુન્નાને કોઈ આંગળી પણ લગાડે. તમે બધાએ (અપશબ્દ બોલે છે) કર્યું છે તેનો બદલો લેવામાં આવશે. તમે ઘમકી સમજો કે કંઈ પણ, મારી ધરપકડ કરવી હોય તો પણ કરી શકો છો.
તમે જે કર્યું છે તે તમારે ભોગવવું પડશે. તમે પોલીસ અધિકારી છો એટલે તમને જય હિન્દ પરંતુ તમે જે વ્યક્તિગત દુશ્મની રાખી છે તેના માટે તમને સાત વખત પડકાર ફેંકું છું. તમે જે કર્યું તે તમને પાછું મળશે. જય હિન્દ. વંદે માતરમ્. આમ, સોનુ ડાંગરની આ ધમકીને લઇ ભારે ચકચાર મચી છે. પોલીસે તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.