Western Times News

Gujarati News

રાજકોટઃ ભાભીએ ત્રણ વર્ષના ભત્રીજાની હત્યા કરી લાશ ફેંકી

પોતાના દીકરાને દિયર-દેરાણી વ્હાલ કરતા નહોતા, તેથી ઈર્ષ્યા લીધે હત્યાઃ ૩૧મીએ પુત્રની બર્થડે ઉજવવાની હતી
અમદાવાદ,  સસ્પેન્સ હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના રાજકોટમાં નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. દિયર-દેરાણીનું વ્હાલ પોતાના દિકરાને નહી મળતાં તેની ઇર્ષ્યામાં ભાભુ પારૂલબહેને ત્રણ વર્ષના પોતાના સગા ભત્રીજા ખુશાલનું અપહરણ કરી ઘેર લાવ્યા બાદ ગળાટૂંપો આપી હત્યા કરી નાખી હતી. એટલું જ નહી, ત્યારબાદ ઘટનાને છુપાવવા માટે લાશ કોથળામાં બાંધી કોથળો માથે મૂકી પોતાના ઘરથી ૫૦૦ મીટર દૂર ૮૦ ફૂટ રોડ પર પાણીના પ્લાન્ટ પાસે ફેંકી આવી હતી. આ બનાવ સંદર્ભે સૌ પ્રથમ અપહરણનો ગુનો ભક્તિનગર પોલીસે દાખલ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટી (Maheshwari Society, Kotharia Road, Rajkot) શેરી નં.૧માં કરશનભાઈ રૈયાણીના મકાનમાં ભાડેથી રહેતા અને પાનની દુકાનમાં નોકરી કરતા કમલેશભાઈ વલ્લભભાઈ ડોબરિયા નામના ૩૫ વર્ષના પટેલ યુવાનનો ત્રણ વર્ષનો પુત્ર ખુશાલ શનિવારે સવારે પ્રણામી ચોક, રાંદલ વિદ્યાલયવાળા મેઈન રોડ પર આવેલી આંગણવાડીમાં ગયો હતો અને નિત્યક્રમ મુજબ કમલેશભાઈના માતા તેડવા ગયા હતા.

જો કે ખુશાલને તેના ભાભુ પારૂલબેન ઉર્ફે હકી અલ્પેશભાઈ ડોબરિયા તેડી ગયા આંગણવાડીના બહેનોએ જણાવ્યું હતું. જો કે આ બાબતે કમલેશભાઈએ તેમના ભાભીને પારૂલબેનની પૂછપરછ કરતા પોતે આ બાબતથી અજાણ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ શોધખોળના અંતે ખુશાલ મળી નહી આવતા ભક્તિનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ કરવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ગઢવી અને પી.એસ.આઈ. પી.બી. જેબલિયા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

શંકાના દાયરામાં રહેતા કમલેશભાઈના ભાભી પારૂલબેનની ઊલટ તપાસ કરતા તેઓએ તેમના ત્રણ વર્ષના ભત્રીજા ખુશાલની હત્યા કરી નાખ્યાની કબૂલાત આપી હતી. શનિવારે સવારે બનેલી ઘટનાનો પોલીસે રાત્રીના ૧૦ વાગ્યે ભેદ ઉકેલી પારૂલબેનની પૂછપરછ કરતા તેઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, પોતાને પણ ચાર વર્ષનો દીકરો છે અને ખુશાલનો બે દિવસ પછી તા.૩૧ ડિસેમ્બરે ત્રીજો જન્મદિવસ હતો અને કમલેશભાઈ અને તેમના પત્ની યશોદાબેને જન્મદિવસની સારી રીતે ઉજવણી કરવાની તૈયારી કરી હતી.

આ વાત પોતાને એટલા માટે ખટકતી હતી કે, પોતાના દીકરાને દિયર-દેરાણી વ્હાલ કરતા ન હતા આથી ઈર્ષ્યાના કારણે જ ખુશાલનું આંગણવાડીથી અપહરણ કરી જઈ તેની હત્યા કરી લાશ કોથળામાં બાંધી કોથળો માથે મૂકી પોતાના નાડોદાનગર શેરી નં.૬માં આવેલા ઘરથી ૫૦૦ મીટર દૂર લાશ ફેંકી આવી હતી. કમલેશભાઈ અને તેમના મોટાભાઈ અલ્પેશભાઈ વચ્ચે સારો સુમેળ હતો.

અલ્પેશભાઈએ પારૂલબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા ત્યારબાદ કમલેશભાઈના વિવાહ થયા હતા ત્યાં સુધી બંને ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહેતા ત્યારબાદ અલગ અલગ ભાડેથી રહેતા હતા. સાથે હતા ત્યારે પણ દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડા થતા હતા અંને અલગ થયા બાદ પણ બાળકોને સારી રીતે રાખવાની બાબતે ચકમક ઝરતી હતી. જા કે, આ ઇર્ષ્યામાં બહુ ગંભીર પરિણામ આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.