Western Times News

Gujarati News

કાગળ કે કપડાની બેગો વાપરતા કરવા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી મુલાકાત લઇ આપેલું માર્ગદર્શન

રાજપીપળા, રવિવાર :- નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જીન્સી વિલીયમે નર્મદા જિલ્લાના મિશન મંગલમ્ જૂથો તેમની બનાવટની વસ્તુઓનો પૂરતો ભાવ મળી રહે અને તેનું વેંચાણ પણ સારા પ્રમાણમાં થાય તથા માર્કેટીંગ પણ મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.  ગ્રામીણ આજીવીકા મિશન યોજના હેઠળ ચાલતી સ્વ સહાય જૂથની  બહેનો સાથે મળી વિવિધ જાતની વસ્તુઓ બનાવી વેંચાણ કરી સારી આવક મેળવતી હોય છે. આ બધી બહેનો વધુ ઉત્પાદન કરી વધુ આવક મેળતી થાય, તેમનો ઉત્સાહ વધે તેવા હેતુસર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ જિલ્લાના વિવિધ મિશન મંગલમ્ જૂથની રૂબરૂ મુલાકાત લઇ યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી રહ્યાં છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમે તા. ૩૧.૫.૨૦૧૯ના રોજ  ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામની શ્રી ભાથીજી મહારાજ મિશન મંગલમ્ જૂથની મુલાકાત લીધી હતી. ભાથીજી મહારાજ મિશન મંગલમ્ જૂથમાં ૧૦ જેટલી બહેનો સાથે મળીને પેપર તેમજ કાપડની બેગ બનાવટની કામગીરી કરી રહેલ છે. ડૅા. જીન્સી વિલીયમે ભાથીજી મિશન મંગલમ્ જૂથની બહેનો સાથે વાર્તાલાપ કરી વિગતો મેળવી હતી. ભાથીજી મિશન મંગલમ્ જૂથની બહેનો જે બેગ બનાવે તેને સ્થાનિક વેપારી, દવાના સ્ટોર વગેરે જગ્યાએ  માર્કેટીંગ મળી રહે તે માટે  ડૅા. જીન્સી વિલીયમે બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવા જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રીમતી ભાવનાબેન બારીયાને જરૂરી સુચના આપી હતી.

બજારમાં પ્લાસ્ટી બેગનો વપરાશ બંધ થાય અને  કાગળ કે કપડાની બેગો વાપરતા થાય અને  કાગળની થેલીઓની ખરીદી સ્થાનિક વેપારીઓ કરે તેમજ લોકો ભાથીજી મહારાજ મિશન મંગલમ્ જૂથની બહેનો પાસેથી ખરીદી કરે તે માટે જરૂરી સંકલન કરવા પણ તેમને જણાવ્યું હતું  વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમે પેપર તેમજ કાપડની બેગ ઉપરાંત સ્કુલ યુનિફોર્મ  અને બહેનોના કપડા પણ સાથો સાથ સીવવાની કામગીરી  કરવામાં આવે તો વધુ આવક મેળવતી થાય તેવા પ્રયાસો કરવા પર તેમને ભાર મુક્યો હતો. જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રીમતી ભાવનાબેન બારીયાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ સાથે રહી જરૂરી માહિતી પુરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.